મ્યુનિ.કોર્પાેરેશને રસી લેવા બદલ સાત લાખ તેલ પાઉચનું વિતરણ કર્યુ
(પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વેક્સીન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર બાદ સીનીયર સીટીઝન્સને ઘરે બેઠા વેક્સીન આપવામાં આવી રહી છે.
નાગરીકો વેક્સીન લેવા માટે પ્રોત્સાહન થાય તે હેતુથી લકી ડ્રો દ્વારા સ્માર્ટ મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા છે. તથા પ્રથમ વેક્સીન લીધી હોય તેવી વ્યક્તિ દ્વારા બીજાે ડોઝ લેવામાં આવે તો ૧ લીટર પાઉચની યોજના પણ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધી સાત લાખ કરતા વધુ પાઉચના વિતરણ કરવામાં આવ્યાં છે.
મ્યુનિ.હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમીટીના ચેરમેન ભરતભાઈ કે.પટેલના જણાવ્યા મુજબ નાગરીકો દ્વારા રસીનો બીજાે ડોઝ લેવામાં આવે તે માટે ખાસ વિસ્તારોમાં એક લીટર તેલ પાઉચની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી કુલ રૂા.૯.૫૦ કરોડની કિંમતના ૭૦૨૩૦૮ પાઉચના વિતરણ કરવામાં આવ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશનના મધ્ય ઝોનમાં ૧૧૦૧૩૨, દક્ષિણ ઝોનમાં ૧૫૬૩૪૪, પૂર્વઝોનમાં ૧૮૫૭૪૪, ઉત્તર ઝોનમાં ૧૪૭૧૭૨, પશ્ચિમ ઝોનમાં ૪૮૮૬૮, ઉ.પ.ઝોનમાં ૧૫૯૭૪ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૮૦૭૪ નાગરીકોને રસી લેવા બદલ રૂા.૧૩૬ની કિંમતનું તેલ પાઉચ આપવામાં આવ્યું છે.
જેનો ખર્ચ એન.જી.ઓ. દ્વારા કરવામાં આવે છે. મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા પાઉચની સાથે-સાથે લકી ડ્રો યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાગ્યશાળી વિજેતા તે સ્માર્ટફોન આપવામાં આવ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓને સારવાર આપવા તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રૂા.૧૦૩૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરનાં કોરોનાના કુલ ૩.૫૦ લાખ કેસ નોંધાયા છે. કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કરાર થયેલ હોસ્પિટલોમાં ૭૭૦૨૦ દર્દીઓને સારવાર અપાઈ છે. જે પેટે હોસ્પિટલોને રૂા.૩૮૨.૫૪ કરોડ ચૂકવવામાં આવશે.
નાગરીકોને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે સંજીવની અને ધનવંતરિ રથ પણ ચલાવવામાં આવ્યાં છે. સીનીયર સીટીઝન્સ અને નાના બાળકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ હજી ૧૦૦ ટકા કોરોનામુક્ત થયા નથી તેથી મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર પેટે રાજ્ય સરકાર તરફથી રૂા.૮૬૬ કરોડ મળ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા રસીકરણની સઘન ઝુંબેશ યથાવત રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.