મ્યુનિ.કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક સંસ્થાઓ પાસેથી વેરાની વસુલાત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરીકો છેલ્લા છ મહિનાથી આર્થિક શોષણનો અહેસાસ કરી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના દંડ વસુલ કરવામાં આવી રહયા છે. જેની સામે સવલતો વધારવામાં આવી નથી. મ્યુનિ. કોર્પોરેશને પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ ક્રમાંક મેળવવાના બહાને પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ તો કર્યું જ છે.
સાથે સાથે “યુઝર્સ ચાર્જ”ના નામે છુપો ટેક્ષ પણ પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે. કરદાતાઓને રીબેટ કે ખાલીબંધ યોજના ના લાભ બંધ કરી ને વધારાનો બોજ નાંખવામાં આવ્યો છે. જયારે ચોકાવનારી બાબત એ છે કે મ્યુનિ.કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રજા વખત “ભગવાન” પાસેથી ટેક્ષ વસુલાત શરૂ કરવામાં આવી છે. શહેરની ધાર્મિક સંસ્થાઓને પ્રોપર્ટીટેક્ષમાંથી યુકિત આપવામાં આવી હોવા છતાં “યુઝર્સ ચાર્જ” ના નામે ટેક્ષ વસુલાત શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ ના નામે પ્રજા પર આકરા વેરા ઝીકયા છે. મ્યુનિ.કોર્પોરેશને ઘરે-ઘરે થી કચરો એકત્રીત કરવાની સુવિધા સામે શહેરીજનો પર વાર્ષિક રૂ.૮પ કરોડનો નવો બોજ નાંખ્યો છે. રહેણાંક મિલ્કતો માટે દૈનિક રૂ.બે લેખે “યુઝર્સ ચાર્જ” ની વસુલાત કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ વખત મંદીર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચ કે કબ્રસ્તાન પાસેથી પણ “યુઝર્સ ચાર્જ” ના નામે વેરા લેવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશને આ તમામ ધાર્મિક સંસ્થાઓને મિલ્કતવેરામાંથી મુકિત આપી છે. તથા અંદાજે દસ હજાર જેટલા ધાર્મિક સંસ્થાઓના “ઝીરો” એસેસમેન્ટ કરવામાં આવે છે. પરંતુ મ્યુનિ. કમીશ્નરના હવાગ્રહ ના પરીણામે ધાર્મિક સંસ્થાઓ પાસેથી વેરા લેવાની શરૂઆત થઈ છે. જેની સામે ચુંટણી પાંખ દ્વારા કોઈ જ વિરોધ થયો નથી.
નોંધનીય બાબત એ છે કે ધાર્મિક સંસ્થાઓ પાસેથી “યુઝર્સ ચાર્જ” ના નામે વેરાની વસુલાત કરતા તંત્રએ નાગરીકોને નિયમ મુજબ આપવામાં આવતી રાહત પણ બંધ કરી છે. તથા નિયમની દુહાઈ આપતા તંત્ર દ્વારા કાયદા વિરૂધ્ધ વ્યાજ-વેરાની વસુલાત થતી હોવાના આક્ષેપ થઈ રહયા છે.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ ના પૂર્વનેતા બદરૂદીન શેખના જણાવ્યા મુજબ ધાર્મિક સંસ્થાઓ પાસેથી “યુઝર્સ ચાર્જ” વસુલ કરવા માટે કે ખાલી-બંધ યોજનાનો લાભ ના આપવા માટે કમીશ્નર નિયમો બતાવી રહયા છે. જેની સામે રિઝર્વ બેકના ઉપરવટ જઈને કરદાતાઓ પાસેથી ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવી રહયું છે. રાજય સરકારે વ્યાજના ઘટાડવા સામે નાગરીકોને રીબેટ યોજનાનો લાભ આપવા માટે નિર્દેશ કર્યા છે.
જેને પણ બંધ કરવામાં આવી છે. ર૦૧૮-૧૯ ના નાણાંકીય વર્ષમાં રીબેટ યોજનાનો અમલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ નાગરીકો અને ધાર્મિક સંસ્થાઓ પાસેથી અર્ધવાર્ષિક “યુઝર્સ ચાર્જ” લેવામાં આવ્યો હતો. કોર્પોરેશને સ્ટેન્ડીગ કમીટીમાં ઠરાવ કરીને “યુઝર્સ ચાર્જ”ની વસુલાત શરૂ કરી છે. તેની સામે સ્ટેન્ડીંગ કમીટીએ ૧૯૯૭-૯૮ ના વર્ષમાં “ખાલી-બંધ” યોજનાનો જે ઠરાવ કર્યો હતો તેનો અમલ કરવામાં આવતો નથી. આમ, મ્યુનિ. કમીશ્નર નિયમોના અમલ મામલે બેવડા ધોરણ અપનાવી રહયા છે તથા નાગરીકોને રાહત આપવાના બદલે વધારાના બોજ નાંખી રહયા છે.
મ્યુનિ. સ્ટેન્ડીગ કમીટી દ્વારા ૧૯૯૮ના વર્ષમાં નાગરીકોને ખાલી બંધ યોજનાનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જે મિલ્કત સતત ૬૦ દિવસ બંધ રહેતી હોય તેવી મિલ્કતને પ્રોપર્ટીટેક્ષમાં ૭૦ ટકા રાહત આપવા માટે થયેલ ઠરાવ નો ર૦૧૭-૧૮ સુધી અમલ થયો હતો. પરંતુ મ્યુનિ. કમીશ્નરે સદ્દર ઠરાવ અને રાહતને નિયમ વિરૂધ્ધ જાહેર કરીને બંધ કર્યા છે. તથા જે ફાઈલો પડતર છે તેને પણ અભરાઈએ મુકવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડીગ કમીટી દ્વારા કરવામાં આવેલ ઠરાવ નિયમ કે કાયદા વિરૂધ્ધ કેવી રીતે હોઈ શકે ? તે બાબત સમજવી મુશ્કેલ છે. જેની સામે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મિલ્કત ટ્રાન્સફર સામે ચાર્જ લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે તેનો અમલ થઈ રહયો છે.
મ્યુનિ.સ્ટેન્ડીગ કમીટી દ્વારા મિલ્કત ટ્રાન્સફર માટે રહેણાંક મિલ્કતો માટે રૂ.એક લાખ દીઠ રપ રૂ.અને કોમર્શીયલ મિલકતોના નામ ટ્રાન્સફર માટે રૂ.એક લાખ દીઠ રૂ.પ૦ ચાર્જ લેવામાં આવે છે.
મ્યુનિ. કમીશ્નર જે બી.પી.એમ.સી. એકટની દુહાઈ આપી રહયા છે. તે એકરમાં આ પ્રકારની કોઈ જાગવાઈ નથી. તેમ છતાં નાગરીકો પાસેથી આકરા વેરા વસુલ થાય છે. તથા રાહત-રીબેટના નામે શૂન્ય છે. મ્યુનિ. કોર્પોરેશનની પ્રથમ જવાબદારી નાગરીકોની પ્રાથમીક સુવિધા છે. નાગરીકોને રોડ, લાઈટ, પાણી અને ડ્રેનેજ ની ૧૦૦ ટકા સુવિધા આપવા સામે વેરા લેવામાં આવે છે. પરંતુ ટેક્ષ પેટે થયેલ આવકથી પ્રજાલક્ષી કામો ઓછા થાય છે. અને કાર્નિવલ-ઈવેન્ટો વધારે થાય છે.
મ્યુનિ.કોર્પોરેશને કાર્નિવલો અને ઈવેન્ટો માટે પ્રજાના નાણાનો વ્યય બંધ કરીને પ્રજાલક્ષી કામો માટે ટેક્ષના નાણાનો ઉપયોગ કરવો જાઈએ. શહેરમાં ઈવેન્ટ કે કાર્નિવલ કરવાની જવાબદારી સરકારના શિરે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાની જવાબદારી નાગરીકોને પ્રાથમીક સુવિધા આપવાની છે. તથા તેની સામે વેરા લેવાના રહે છે.
પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અવળી દિશામાં ચાલી રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન પહેલા કમરતોડ વેરા લઈ લે છે. તથા પ્રજાલક્ષી કામો કામ કરવાના બદલે કાર્નીવલ-ઈવેન્ટો પાછળ વેરાના નાણાનું આંધણ કરે છે.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.