Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનના નવા સીમાંકન બાદ ૯૭ કોર્પોરેટરોના રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ

પૂર્વ મેયર અમિતભાઈ શાહ, મીનાક્ષીબેન પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટ, ડે. મેયર દિનેશભાઈ મકવાણાની દાવેદારી પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર રહેશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે જાહેર થયેલા નવા સીમાંકન બાદ બેઠકોની પરિસ્થિતિમાં પણ અનેક બદલાવ થયા છે. ચૂંટણીપંચ દ્વારા વોર્ડ દીઠ જાહેર કરવામાં આવેલ બેઠકોની કેટેગરીમાં પણ મોટા ફેરફાર થયા છે. જેની સીધી અસર ૪૭ વોર્ડની ૯૭ બેઠકો પર થઈ છે જયારે એક માત્ર મકતમપુરા વોર્ડની બેઠકમાં કોઈ જ બદલાવ થયો નથી નવા સીમાંકનના પગલે થયેલ બેઠકોમાં થયેલા ફેરફારના કારણે કોંગ્રેસના ૧૧ અને ભાજપના ૮૬ કોર્પોરેટરોના રાજકીય ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાગી ચુકયા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

અમદાવાદ શહેરના નવા સીમાંકનમાં મકતમપુરા વોર્ડને બાદ કરતા અન્ય ૪૭ વોર્ડની બેઠક કેટેગરીમાં ફેરફાર થયા છે. જેમાં ભાજપના સીનીયર કોર્પોરેટરોની બેઠકો ઉપર પણ અસર થઈ છે. જાેધપુર વોર્ડમાં ર૦૧પની ચૂંટણી સમયે તમામ ચાર બેઠકો સામાન્ય કેટેગરીમાં આવતી હતી નવા સીમાંકન બાદ જાેધપુર વોર્ડમાં એક બેઠક મહીલા પછાત વર્ગ તથા એક બેઠક પુરુષ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જેના કારણે પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ અને વોટર સપ્લાય ચેરમેન રશ્મિભાઈ શાહની દાવેદારી જાેખમાઈ શકે છે. તેવી જ રીતે ર૦૧પમાં એક બેઠક પુરુષ પછાત વર્ગ માટે અનામત હતી. જે બેઠક પરથી પૂર્વ દંડક લાલભાઈ ઠાકોર ચૂંટણી જીત્યા હતા. નવા સીમાંકનમાં થલતેજ વોર્ડની તમામ ચાર બેઠકોનો “સામાન્ય” કેટેગરીમાં સમાવેશ થયો છે તેથી પાર્ટીની ઈચ્છા હશે તો જ લાલભાઈ ઠાકોર સામાન્ય કેટેગરીમાંથી ચૂંટણી લડી શકે છે.

અન્યથા કામચલાઉ ધોરણે રાજકીય સંન્યાસ લેવાની ફરજ પડી શકે છે. શહેરના વર્તમાન ડે. મેયર દિનેશ મકવાણાની પરિસ્થિતિ પણ કાંઈક આવી જ છે. ર૦૧પમાં તેઓ સૈજપુર વોર્ડની અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા. જયારે નવા સીમાંકનમાં પુરુષ અનુસૂચિત જાતિની બેઠક રદ કરી પુરુષ પછાતવર્ગની બેઠક અનામત રાખવામાં આવી છે. જયારે એક બેઠક પુરુષ સામાન્ય વર્ગ માટે છે. દિનેશ મકવાણાનું રાજકીય ભાવિ પણ પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર છે. મણીનગર વોર્ડમાં તમામ ચારેય બેઠકો સામાન્ય વર્ગ માટે હતી નવા સીમાંકન બાદ પુરુષની બે બેઠકો પૈકી એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી છે. તેથી સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટ અથવા તેમના સાથી કોર્પોરેટર રમેશ પટેલમાંથી કોઈ એકનું પત્તુ કપાશે તે નિશ્ચિત છે. ઈલેકશન વોર્ડ નં-ર૮ ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ર૦૧પમાં પુરુષ પછાતવર્ગની બેઠક પરથી જીત્યા હતા. નવા સીમાકંનમાં ચારેય બેઠકોનો જનરલ કેટેગરીમાં સમાવેશ થતા તેમના રાજકીય લાભ ઉપર પણ પ્રશ્નાર્થ લાગી ચુકયો છે.

ભાજપની જેમ કોંગ્રેસના કોર્પોરેટરો પણ નવા સીમાંકન બાદ દોડતા થયા છે. બહેરામપુર વોર્ડના મહીલા કોર્પોરેટર કમળાબેન ચાવડા મહીલા અનુસૂચિત જાતિની બેઠક પરથી જીતતા આવ્યા છે. નવા સીમાંકન બાદ બહેરામપુરાની તમામ બેઠકોનો જનરલ કેટેગરીમાં સમાવેશ થયો છે. સરસપુર- રખિયાલ વોર્ડમાં કોંગ્રેસના મહીલા કોર્પોરેટરો શાંતાબેન પંચાલ અને ગીતાબેન ઠાકોરની સ્થિતિ પણ કફોડી બની છે. જમાલપુર વોર્ડમાં કોંગ્રેસના મહીલા કોર્પોરેટરો સામાન્ય કેટેગરીની બેઠક પરથી વિજેતા બન્યા હતા. નવા સીમાકંન બાદ જમાલપુરમાં મહીલાની એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તેથી બે પૈકી એક કોર્પોરેટરની દાવેદારી પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર રહેશે.

મ્યુનિ. કોર્પોરેશનના નવા સીમાંકન બાદ કોંગ્રેસની સાથે સાથે ભાજપના કોર્પોરેટરો પણ રોષ વ્યકત કરી રહયા છે તથા બેઠકોની કેટેગરીમાં ખોટી રીતે બદલાવ કર્યા હોવાના આક્ષેપ કરી રહયા છે. નિષ્ણાંતોના મતવ્ય મુજબ અનામત બેઠક જાહેર કરવા માટે જે તે વોર્ડમાં જ્ઞાતિની વસ્તીનો ખ્યાલ રાખવામાં આવે છે. સામાન્ય નિયમ મુજબ જે વોર્ડમાં ર૬.૩ર ટકાથી ૧૦.૯૭ સુધી વસ્તી ધરાવતા અનુસૂચિત વોર્ડને અનામત બેઠક ફાળવવામાં આવી છે. જયારે ર.૯૮ ટકાથી ર.ર૩ ટકા વસ્તીના આધારે અનુસૂચિત જનજાતિ અનામત બેઠક આપવામાં આવી છે. તેવી જ રીતે વોર્ડમાં ૩૮.૯૬ ટકાથી ર૧.૦ર ટકા વસ્તીને ધ્યાનમાં લઈને બક્ષીપંચની અનામત બેઠક જાહેર કરવામાં આવી છે. ર૦૧પની ચૂંટણી સમયે વોર્ડ નં.૧૧ સરદારનગર અને વોર્ડ નંબર ૧૬- શાહીબાગમાં વસ્તીને ધ્યાનમાં લઈને અનુસૂચિત આદીજાતિ માટે અનામત બેઠક રાખવામાં આવી હતી. ર૦ર૦માં નવા સીમાંકનમાં અનુસૂચિત આદિજાતિની જુની બેઠકો રદ કરવામાં આવી છે તથા વોર્ડ નં.૦૪ સાબરમતી અને વોર્ડ નંબર ૪૬- લાંભામાં અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે. નવા સીમાંકન અને બેઠકોની ફાળવણી કોઈ વ્યક્તિ કે પક્ષના મનસુબા પર નહિ પરંતુ જે તે વોર્ડના જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.