મ્યુ. કોર્પોરેશને 4 કરોડના ખર્ચે તૈયાર કરેલા 20 ટેનિસ કોર્ટ ધૂળ ખાઈ રહ્યા છે
મ્યુનિ. કોર્પોરેશનના ૧૩ ટેનિસ કોર્ટ માસિક રૂા.ર૪ હજારના ભાડેથી આપવા સામે શાસકોનો નનૈયો
મનપાનું PPP મોડેલ નિષ્ફળ : પ્રજાના રૂપિયાથી તૈયાર થતી સુવિધા માટે તગડી ફી લેવામાં આવે છે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી પીપીપી મોડેલની બોલબાલા રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનની જમીન અને ખર્ચથી તૈયાર કરવામાં આવેલી સુવિધા “માનીતા” ઓને નજીવા દરથી ચલાવવા આપવામાં આવે છે. સામાન્ય રીતે પીપીપી મોડેલમાં જે તે સુવિધા તૈયાર કરવાનો ખર્ચ ખાનગી સંસ્થા કે કોન્ટ્રાકટરના શિરે રહે છે
પરંતુ શાસકપક્ષ કે ઉચ્ચ અધિકારીના અતરંગ વર્તુળો માટે નીતિ નિયમો નેવે મુકવામાં આવે છે. તેવી જ રીતે ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે કરેલી જાહેરાતોના કામ પૂર્ણ થયા બાદ તેને ચલાવવા માટે સ્ટાફ હોતા નથી.
આવા સંજાેગોમાં જે તે સુવિધા રાજકીય કોન્ટ્રાકટરોને નજીવ ભાડાથી ચલાવવા માટે આપવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારથી કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માસિક રૂા.બે થી છ હજારના ભાડે આપવા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જે હાલ પુરતી મુલત્વી રાખી છે.
——————————
ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં પાર્કિંગના સ્થાને ટેનીસ કોર્ટ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ ૧૦ વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ ર૦ કરતા વધુ ટેનિસ કોર્ટ છેલ્લા બે વર્ષથી ધુળ ખાઈ રહી છે, લાંભા વોર્ડમાં રૂા.૪૦ લાખના ખર્ચથી બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટને શોધવી પણ મુશ્કેલ છે કોર્ટની બાજુમાં લાયબ્રેરીનું કામ ચાલી રહયુ હોવાથી તેના કોન્ટ્રાકટરે ચોતરફ પતરા લગાવી કોર્ટને ઢાંકી દીધી છેજયારે ચાંદલોડિયા વોર્ડ ઓફિસમાં બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટ નિયમ મુજબ ગેરકાયદેસર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યા મુજબ ચાંદલોડિયા વોર્ડ ઓફિસના પ્લાનમાં જે સ્થળે પાર્કિંગ બતાવવામાં આવ્યું હતું
તે જગ્યા પર જ ટેનીસ કોર્ટ બનાવવામાં આવી છે આમ શહેરના નાગરિકોને પાર્કિંગમાં દબાણ ન કરવાની સલાહ આપનાર મ્યુનિ. કોર્પોરેશને જ પાર્કિંગમાં ટેનીસ કોર્ટ બનાવી દબાણ ઉભા કર્યાં છે. જાણકારોના મંતવ્ય મુજબ પૂર્વ કમિશ્નર વિજય નેહરાની જીદ ના કારણે ટેનીસ કોર્ટ પાછળ રૂા.૪ કરોડ કરતા વધુ રકમનો ધુમાડો થયો છે. આટલી જ રકમ પાણીની ટાંકી કે બગીચા બનાવાવ પાછળ ખર્ચ કરવામાં આવી હોત તો નાગરિકોને તેની સુવિધાનો લાભ પણ મળ્યો હોત તેમ વધુ જણાવ્યું હતું.
——————————
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દસ સ્થળે ર૦ જેટલા ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ સીંગલ ટેનિસ કોર્ટ રૂા.ર૦ લાખ અને ડબલ કોર્ટ રૂા.૪૦ લાખના ખર્ચથી તૈયાર થયા છે.
મનપા દ્વારા રૂા.ચાર કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા ટેનિસ કોર્ટ છેલ્લા દોઢ વર્ષથી ધુળ ખાઈ રહયા છે તથા કેટલાક સ્થળે તો કોર્ટ શોધવા પડે તેવી પરિસ્થિતિ જાેવા મળે છે. ટેનિસ કોર્ટ તૈયાર થયા બાદ ગત્ ટર્મમાં રૂા.એક લાખની અપસેટ વેલ્યુ સાથે ટેન્ડર એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા
પરંતુ કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નહતો. કોરોના અને ચૂંટણીના કારણે ટેનિસ કોર્ટની તકેદારી લેવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી. મ્યુનિ. ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ એક વખત ટેનિસ કોર્ટ ભાડે આપવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ પૈકી ૧૩ ટેનિસ કોર્ટ માટે પાંચ વર્ષની મુદત માટે ભાવ મંગાવવામાં આવ્યા હતા જેમાં કોચ કે કોન્ટ્રાકટરો એ જે ભાવ આપ્યા છે તેના કરતા વધુ ભાવ વાહન પાર્કીંગ કે ફુટપાથ પર લારી ઉભી રાખવા માટે ચુકવાઈ રહયા છે.
સુત્રોએ જણાવ્યા મુજબ થલતેજ અને ગોતામાં ટેનિસ કોર્ટ માટે માસિક રૂા.૬ર૧ર ના ભાવ મળ્યા હતા જયારે રામોલ, નિકોલ, લાંભા અને મેમનગરમાં રૂા.રર૦૦ થી ર૯૦૦ માસિક ભાડાના ભાવ ભરવામાં આવ્યા હતા. મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ ૧૩ ટેનિસ કોર્ટ માટે માસિક માત્ર રૂા.રરપ૩૪ના ભાવ મળ્યા હતા.
તંત્ર દ્વારા સદ્ર દરખાસ્ત રિક્રીએશન કમીટી સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવી હતી. કમીટી દ્વારા સસ્તા ભાવ-ભાડાની દરખાસ્ત પરત મોકલી ફરીથી ટેન્ડર જાહેર કરવા ઠરાવ કરવામાં આવ્યો છે.
કમીટી ચેરમેન રાજુભાઈ દવેના જણાવ્યા મુજબ જે ભાવ મળ્યા છે તેના કરતા વધુ ભાવ મળી શકે તેમ છે. તેમજ પાંચ વર્ષ માટે ટેનિસ કોર્ટ આપવાના બદલે એક કે બે વર્ષ માટે ભાડે આપવામાં આવે તો ઉતરોતર ભાવ વધારો થઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે મ્યુનિ. કોર્પોરેશન પાસે પાણીની ટાંકી, સ્કુલ, લાયબ્રેરી કે બગીચા બનાવવા માટે પુરતી જગ્યા નથી.
તેમ છતાં ઉપલબ્ધ જગ્યાઓ પર કરોડોના ખર્ચથી ટેનિસ કોર્ટ કે સ્કેટીંગ રીંગ બનાવી નજીવા ભાડાથી ચલાવવા આપવામાં આવે છે જયારે નાગરીકોના રૂપિયાથી તૈયાર કરવામાં આવેલ ટેનિસ કોર્ટ કે સ્કેટીંગ રીંગમાં શીખવા માટે તગડી ફી લેવામાં આવે છે.
આ ધંધા બંધ કરી ને નાગરીકોની પ્રાથમિક સુવિધા તરફ વધુ ધ્યાન આપવામાં આવે તે આવશ્યક છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.