Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની ૩૦ શાળાના ભયજનક બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે

૮૫ ટકા સ્કૂલ બિલ્ડીંગોમાં નાના-મોટા રીપેરીંગ માટે રૂા.૧૪ કરોડ ખર્ચ થશે ઃ તોડી પાડવામાં આવેલી શાળાઓના સ્થાને સ્માર્ટ સ્કૂલ તૈયાર થશેઃ મહાદેવ દેસાઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશમાં છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓની રાજનીતી ચાલી રહી છે ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી અમદાવાદ સહીત અન્ય મહાનગરપાલિકાઓ હસ્તકની શાળાઓના બિલ્ડીંગ તથા શિક્ષણ અંગે ચર્ચા થાય તે પણ સ્વભાવિક છે.

વિધાનસભા ચૂંટણીમાં સરકારી શાળાઓનો મુદ્દો જાેર ન પકડે તે માટે સરકાર જરૂરી તમામ પગલા લેવા માટે મહાનગરપાલિકાઓને સૂચના આપી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ખાસ સર્વે કર્યો હતો તથા તેના રીપોર્ટ આધારે શાળા બિલ્ડીંગમાં જરૂરી તમામ પ્રકારના રીપેરીંગ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

જ્યારે ભયજનક અને જર્જરીત હોય તેવા બિલ્ડીંગોને તોડી પાડવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશનના સર્વે મુજબ મ્યુનિ. સ્કૂલ બોર્ડ હસ્તકની ૮૫ ટકા શાળાઓમાં પ્લાસ્ટર, ચણતર, કલર, ટાઈલ્સ, સેનીટેશન જેવા કામોની જરૂરીયાત છે. જ્યારે ૩૦ કરતા વધુ શાળાનાં બિલ્ડીંગ ભયજનક હોવાથી તેને તોડી પાડવામાં આવશે તેમજ તેના સ્થાને નવા ૨૩ બિલ્ડીંગ બનાવવામાં આવશે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૪૩૧ શાળા માટે કુલ ૨૯૫ બિલ્ડીંગ છે આ પૈકી લગભગ ૨૪૮ જેટલા બિલ્ડીંગમાં નાના-મોટા રીપેરીંગની જરૂર છે. જ્યારે ૨૧ શાળાને ફરીથી રી-સ્ટોર કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા માટે અંદાજે રૂા. ૧૪ કરોડ નો ખર્ચ થશે. ૩૦ શાળાના બિલ્ડીંગ અત્યંત જર્જરીત અને ભયજનક હોવાથી તેને જમીન દોસ્ત કરવામાં આવશે. શહેરના ઉત્તરઝોનમાં સૌથી વધુ ૧૪ શાળાના બિલ્ડીંગ ભયજનક હોવાનો રીપોર્ટ આવ્યો છે.

જે પૈકી ચાર બલ્ડીંગ નામશેષ થઈ ચૂક્યા છે. ઉત્તરઝોનના બાપુનગર વોર્ડની શાળા નં-૯, સૈજપૂરની શાળા નંબર-૫, સરદારનગર વોર્ડની ત્રણ શાળા, કુબેરનગર વોર્ડની ચાર શાળા, સરસપુર-રખિયાલ વોર્ડની ગુજરાત શાળા નંબર-૧૧ અને શાળા નં-૧૩ ના બિલ્ડીંગ ભયનજક બની ગયા હોવાથી તેને તોડી પાડવા માટે નિર્ણય આવ્યો છે.

જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનની બહેરામપૂરા, દાણીલીમડા અને ગણેશનરની શાળાઓ પણ ભયજનક હોવાની વિગતો બહાર આવી છે. આ તમામ શાળાઓ ૨૦૧૯ થી બંધ કરવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં જમાલપુર-ખાડીયા વોર્ડની સાત અને અસારવાની એક શાળાના બિલ્ડીંગ જર્જરીત અને બિસ્માર બન્યા હોવાથી તેને પણ તોડી પાડવામાં આવશે.

જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનની બે શાળાઓમાં વધુ રીપેરીંગ કામ હોવાથી એક બિલ્ડીંગ તોડી નવેસરથી બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક શાળાને અન્યત્ર સીફ્ટ કરી નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોેરશનના સર્વે મુજબ ૨૧ શાળાના બિલ્ડીંગને રી-સ્ટોર કરવામાં આવશે. મતલબ કે તેમાં મોટાપાયે રીપોરીંગ કામ થશે. જેના માટે કન્સલટન્ટના અભિપ્રાય બાદ ટેન્ડર પ્રક્રિયા થશે.

શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનની ૦૬ શાળાના બલ્ડીંગને રી-સ્ટોર કરવામાં આવશે. જેના માટે રૂા.૧.૨૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મધ્યઝોનની ૩૪ શાળાના મેજર રીપેરીંગ માટે રૂા.પાંચ કરોડ અને ઉ.ઝોનની ૦૯ શાળા માટે રૂા.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિ.રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેન મહાદેવભાઈ દેસાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે ૮૦ ટકા શાળાઓમાં સામાન્ય રીપેરીંગ કામ છે. જે દર વર્ષની રૂટિન પક્રિયા છે. જે શાળાના બિલ્ડીંગ ભયજનક હોવાના રીપોર્ટ આવ્યા છે તે બિલ્ડીંગો પાંચથી છ દાયકા જુના છે આ બિલ્ડીંગો તોડી તેના સ્થાને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે.

મ્યુનિ. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા અને આધુનીક પદ્ધતીથી શિક્ષણ મળે તે માટે પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મોડેલ અને સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે જે અન્ય કોઈપણ રાજ્ય કે શહેરની શાળાઓ કરતા બહેતર છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.