મ્યુનિ. કોર્પોરેશનને કોરોના પેટે રૂા.૧૯૭.રપ કરોડ ખર્ચ થયો
અંદાજે ૧ લાખ નંગ પીપીઇ કીટ, ૩ હજાર નંગ ટેમ્પરેચર ગન તથા ૧પ હજાર ઓકસીમીટરની ખરીદી કરવામાં આવી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં માર્ચ મહીનાથી કોરોનાનો કહેર ચાલી રહયો છે. શહેરમાં ર૦ સપ્ટેમ્બર સુધી કોરોનાના ૩ર હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે સમગ્ર તંત્ર છેલ્લા ૦૬ મહીનાથી કોરોનાની કામગીરીમાં વ્યસ્ત છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના દર્દીઓની સારવારનો તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોના માટે થતી તમામ કામગીરીનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થઈ રહયો છે. જે રાજય સરકાર તરફથી મનપાને પરત આપવામાં આવશે. રાજય સરકારની સુચના મુજબ કોરોના પોઝીટીવ દર્દીની સારવાર, દવાઓ તથા અન્ય જરૂરી સાધનોની ખરીદી, મેડીકલ, પેરા મેડીકલ તથા તમામ સહાયક સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા, ખાનગી હોસ્પિટલના ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન વગેરે માટે મનપા દ્વારા ર૦ સપ્ટેમ્બર સુધી રૂા.૧૯૦ કરોડ કરતા વધુ ખર્ચ થયો છે. જેની સામે રાજય સરકારે રૂા.૬૪ કરોડ પરત આપ્યા છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
વિશ્વભરના દેશોમાં આતંક મચાવનાર કોરોના વાયરસથી ભારત દેશ પણ બાકાત રહી શકયો નથી તથા હાલ કેસની સંખ્યામાં ભારતનો બીજાે નંબર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોવિડ-૧૯ ને “મહામારી” જાહેર કરવામાં આવી છે તેથી તેની સારવાર અને નિયંત્રણનો તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવી રહયો છે.
અમદાવાદ શહેરમાં ર૦ સપ્ટેમ્બર સુધી કોરોનાના ૩ર૭ર૪ કેસ નોંધાયા છે. કોરોના ટેસ્ટીંગ, સારવાર અને નિયંત્રણ માટેની કામગીરી માટે મનપા દ્વારા રૂા.૧૯૭.રપ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ એસ.વી.પી. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, કોરોના ટેસ્ટીંગ, તબીબો સહીત તમામ સ્ટાફના કેડેટ્સ, ટ્રાન્સપોર્ટેશન વગેરેનો કુલ ખર્ચ રૂા.૯પ કરોડ થયો છે. એસ.વી.પી. હોસ્પિટલમાં કોવીડ-૧૯ ના ૮૭રપ પેશન્ટની તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી છે.
એસ.વી.પી.માં ૭ર આઈ.સી.જી. બેડ તથા ૪૦ એમ.ડી. બેડ ઉપલબ્ધ છે. તદપરાંત ગંભીર પરિસ્થિતીવાળા દર્દીઓને નોઝલ ઓકસીજન, બાયપેપ, વેન્ટિલેટર દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. આ તમામ મોંઘા સાધનોની ખરીદીનો સમાવેશ રૂા.૯પ કોરડમાં થઈ જાય છે. ર૦ સપ્ટેમ્બર સુધી એસ.વી.પી.માંથી ૩૧૦પ દર્દીઓ સાજા થઈ ચુકયા છે. જયારે હાલ ૩૦૦ કરતા વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. મ્યુનિ. તંત્ર દ્વારા ટેસ્ટીંગ અને સારવારના જાહેર કરવામાં આંકડા મુજબ એસ.વી.પી.માં પ્રતિ દર્દી સરેરાશ રૂા.104 લાખનો ખર્ચ થયો છે. જેમાં દર્દી અને સ્ટાફના ભોજનનો ખર્ચ પણ સામેલ થાય છે.
કોરોનાના વધી રહેલા કેસના કારણે દર્દીઓને સારવાર આપવામાં થતી તકલીફના નિવારણ માટે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે જેમાં મનપા દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓ માટે બેડ, દવા, ભોજન વગેરેની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર્દી દીઠ દૈનિક રૂા.૪પ૦૦ ચુકવાય છે તેવી જ રીતે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે સમરસ હોસ્ટેલ, તાપી -નિકોલ વગેરે સ્થળે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશનને ખાનગી હોસ્પિટલના બીલ તથા કોવિડ સેન્ટર માટે રૂા.૬૮ કરોડનો ખર્ચ થયો છે. જેમાં સ્ટાફ અને દર્દીઓના ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો પણ સમાવેશ થાય છે. તદ્પરાંત ૧૦૮ની ગાડીઓમાં બળતણનો ખર્ચ પણ મનપા દ્વારા કરવામાં આવી રહયો છે.
કોરોના દર્દીઓની સારવાર કરતા તબીબો, સહાયક સ્ટાફ માટે પી.પી.ઈ. કીટ, એન-૯પ માસ્ક, સેનેટાઈઝર, સારવાર માટે ઉપયોગી ઓકસીમીટર ટેમ્પરેચર ગન, દવાઓ વગેરે માટે રૂા.૩૪.પ૦ કરોડનો ખર્ચ થયો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મનપા દ્વારા અંદાજે એક લાખ પી.પી.ઈ. કીટની ખરીદી કરવામાં આવી છે.
જે પેટે પ્રતિ કીટ રૂા.૪૦૦થી ૬૦૦ ચુકવાયા છે. જયારે તાવ માપવા માટે ત્રણ હજાર નંગ ટેમ્પરેચર ગન ખરીદવામાં આવી છે. એક ગનની કિંમત રૂા.૧પ૦૦થી ર૦૦૦ આસપાસ છે. કોરોના દર્દીઓ માટે સૌથી અગત્યનું સાધન પલ્સ ઓકસીમીટર છે. મ્યુનિ. હેલ્થ વિભાગે ૧પ હજાર નંગ ઓકસીમીટર પ્રતિ નંગ રૂા.૧પ૦૦ના ભાવથી ખરીદી કર્યા છે. ૯૦ હજાર નંગ એન-૯પ માસ્કની ખરીદી કરવામાં આવી છે.
હોસ્પીટલ સ્ટાફ, કોરોના વોરીયર્સ, મ્યુનિ. હોદ્દેદારો તથા અધિકારીઓ માટે પ૦૦ મી.લી.ની ૧.પ૦ લાખ નંગ સેનેટાઈઝર બોટલ લેવામાં આવી છે. જેના માટે બોટલ દીઠ રૂા.૧૧૮ ચુકવાયા છે. જયારે દર્દીઓની સારવાર માટેની તમામ દવાઓની ખરીદી પેટે રૂા.આઠ કરોડ ચુકવાયા છે. મ્યુનિ. હેલ્થ વિભાગ પાસે દવા, માસ્ક, કીટ, સેનેટાઈઝરનો જથ્થો પર્યાપ્ત હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
રાજય સરકારની સુચના બાદ મનપા દ્વારા કોરોના પેટે રૂા.૧૯૭.રપ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે સરકાર દ્વારા રૂા.૬૪ કરોડ પરત આપવામાં આવ્યા છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા બાકી રકમ માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે. કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે ખર્ચમાં વધારો થઈ રહયો છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.