મ્યુનિ.કોર્પોરેશનમાં “કમીશનર રાજ” યથાવત
મુકેશકુમાર ટુ મુકેશકુમાર વાયા વિજય નહેરા અઢી વર્ષની ટર્મ પૂર્ણ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થઈ રહી છે તથા ૧૪ ડીસેમ્બરથી કમીશનર શાસન (વહીવટદાર) શરૂ થશે. મ્યુનિ.કોર્પાેરેશનમાં છેલ્લા અઢી વર્ષથી જ જે રીતે વહીવટ ચાલી રહ્યો હતો. તેને ધ્યાનમાં લઈને મનપામાં “કમીશનર રાજ” યથાવત રહેશે. તેવા કટાક્ષ પણ થઈ રહ્યા છે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશનમાં ભાજપના ૨૯ વર્ષના શાસન દરમ્યાન ૨૦૧૭થી ૨૦૨૦ની ટર્મને સૌથી વિવાદાસ્પદ અને નિષ્ફળ ટર્મ માનવામાં આવી રહી છે. આ ટર્મને હોદ્દેદારોની કાર્યદક્ષતાના બદલે કમીશનરના એકહથ્થુ શાસન માટે વધુ યાદ રાખવામાં આવી શકે છે. તેથી જ તેને “મુકેશકુમાર ટુ મુકેશકુમાર વાયા વિજય નહેરા” ટર્મ તરીકે લોકો યાદ કરશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસે સૌથી વિવાદિત મેયરની ટર્મ ગણાવી છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૧૪ ડિસેમ્બરથી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વહીવટદારનું શાસન રહેશે. જાે કે, મનપામાં છેલ્લા અઢી વર્ષથી પરોક્ષ રીતે મ્યુનિ.કમીશનર રાજ ચાલી રહ્યું હતું. જેને હવે અધિકૃત કરવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં પૂર્ણ થતી ટર્મના હોદ્દેદારોએ પદગ્રહણ કર્યા બાદ પ્રથમ કામ તત્કાલીન કમીશનર મુકેશકુમારની બદલી કરવાનું કર્યું હતું. અગાઉના હોદ્દેદારો કમીશનર સમક્ષ બોલી શકતા નથી તથા કમીશનર મનસ્વી રીતે કામ કરી રહ્યા છે તેવી રજૂઆતો કરી તત્કાલીન કમીશનરની બદલી કરાવી હતી. રાજ્ય સરકારે મનપાના નવા કમીશનર તરીકે વિજય નહેરાની નિમણૂંક કરી હતી.
મ્યુનિ.કમીશનર પદે નહેરાના આગમન બાદ હોદ્દેદારો ખાસ કરીને મેયરના પાણી મપાઈ ગયા હતા. તથા માત્ર ચાર-છ મહિનામાં જ કમીશનર વિરૂદ્ધ ફરીયાદો શરૂ કરી હતી. જાેકે, સરકારે તેમની કોઈ ફરીયાદ સાંભળી ન હતી તથા શહેરના વિકાસ માટે વિજય નહેરા યોગ્ય છે અને કમીશનર કહે તે મુજબ કામ કરો તેવો પરોક્ષ આદેશ આવ્યો હતો. જેના કારણે “બાસ્ટર્ડ” જેવા વિવાદ બાદ પણ કમીશનરને કોઈ જ આંચ આવી ન હતી.
મ્યુનિ.કોર્પાેરેશનમાં કમીશનરના એકહથ્થુ શાસન સામે મેયર વામણા સાબિત થયા હતા. વી.એસ.હોસ્પિટલના અધ્યક્ષ હોવા છતાં મેયરની અનુમતી વિના જ હોસ્પિટલનો સ્ટાફ એસવીપીમાં લઈ જવામાં આવ્યો હતો. મેયરે સત્તા સંભાળ્યા બાદ વી.એસ.ના સુપ્રિ.ડો.મલ્હાન કાબેલ ન હોવાના પ્રચાર કર્યા હતા. ડો.મલ્હાને પી.એફ.ના નાણામાં કરેલી કથિત ગેરરીતિ મામલે તેમની સામે પગલાં લેવા જાહેરાત કરી હતી.
જેની સામે તત્કાલીન કમીશનરે ડો.સંદીપ મલ્હાનને એસવીપીના સુપ્રિ.તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ પણ રૂા.૩૫ કરોડની ગેરરીતિ મામલે મેયર કોઈ જ કાર્યવાહી કરી શક્યા નથી. મેયર બીજલબેન પટેલ હોદ્દાની ફરતે વી.એસ.ના ચેરમેન પદે (અધ્યક્ષ) રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન વી.એસ. લગભગ નામશેષ થઈ ગઈ છે. જ્યારે એસ.વી.પી.માંથી હોદ્દેદારોની બાદબાકી થઈ છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં છેલ્લા અઢી વર્ષ દરમ્યાન કમીશનર જ સર્વેસવા રહ્યા છે. ટેન્ડર પ્રક્રિયા કરી કમીટીની મંજૂરી લેવામાં આવી હતી. જ્યારે કમીશનર મકાનના રીનોવેશન માટે રૂા.એક કરોડ કરતા વધુ ખર્ચ થયો હોવા છતાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. તેવી જ રીતે મેયર બજેટમાંથી સ્ટીલના બાંકડા માટે ફાળવવામાં આવેલ રૂા.૫૦ હજારના કામને પણ કમીટી સમક્ષ રજૂ કરવાની ફરજ પાડવામાં આવી હતી. સામાન્ય રીતે મેયર બજેટના કામ કમીટી સમક્ષ રજૂ થતા નથી.
મ્યુનિ.હોદ્દેદારોની ખરી પરીક્ષા કોરોના સમયે થઈ છે. શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો તે સમયથી ટર્મ પૂરી થઈ ત્યાં સુધી કમીશનર ક્ચેરી દ્વારા હોદ્દેદારોની સતત અવગણના થતી રહી છે. શરમજનક બાબત એ રહી છે કે એસ.વી.પી.હોસ્પિટલમાં મેયરના ફોન બાદ પણ પત્રકારને દાખલ કરવામાં આવ્યા ન હતા. તેવી જ રીતે કોરોના સમયે મેયર પણ “સેલ્ફ ક્વોરેન્ટાઈન” થયા હતા. તથા પ્રજા અને પત્રકારોને દૂર રાખ્યા હતા. જેના પરીણામ શનિવારે કોર્પાેરેશનની માસિક સામાન્ય સભા બાદ તેમને જાેવા મળ્યા હતા. વી.એસ.હોસ્પિટલને તોડી પાડવા તથા મેયર બંગલાનું કામ ઝડપથી પૂર્ણ કરી તેમાં રહેવા જવાની તેમની અપેક્ષા પૂર્ણ થઈ નથી. પૂર્વ કમીશનર વિજય નહેરા દ્વારા થતી સતત અવગણના બાદ ગાંધીનગરમાં વધુ એક વખત કમીશનર બદલવા ફરીયાદો થઈ હતી.
મ્યુનિ.કોર્પાેરેશનમાં વધુ એક વખત માત્ર દોઢ વર્ષમાં કમીશનરની બદલી થઈ હતી. પરંતુ રાજ્ય સરકારે કમીશનર પદે ફરીથી મુકેશકુમારની નિમણૂંક કરી છે. મેયર બીજલબેન પટેલ પદગ્રહણ બાદ જે કમીશનરની બદલી કરાવવા ગાંધીનગર દોડી ગયા હતા તે જ કમીશનર સાથે તેમને કામ કરવાની ફરજ પડી હતી. તેથી જ તેમની ટર્મ “મુકેશકુમાર ટુ મુકેશકુમાર વાયા વિજય નહેરા”ના ટર્મ તરીકે પણ ચર્ચામાં છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા કમળાબેન ચાવડાએ પણ બિજલબેન પટેલને “વિવાદાસ્પદ મેયર”ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ બિજલબેનની ટર્મમાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા થતી જ નહતી. વિપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નો અને અધિકારીઓના કૌભાંડો વિશે રજૂઆત કરવામાં આવે તો તેમને બોલવા માટે સમય આપવાના બદલે બેસાડી દેવામાં આવ્યા હતા. ભાજપાએ પાંચ વર્ષમાં માત્ર કાગળ પર જ વિકાસ કર્યા છે. તથા રૂા.૬૮૯ કરોડના ૯૪ પ્રોજેક્ટના કામ અધૂરા રહ્યા છે. મહિલા મેયર હોવા છતાં સ્માર્ટસીટીમાં મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા પણ તેઓ કરી શક્યા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.