મ્યુનિ. કોર્પોરેશને કરદાતાઓને રૂા.૧૧૬ કરોડનું વળતર ચુકવ્યુ
રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને રાહત થાય તે આશયથી રાજય સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત મિલ્કતવેરા પેટે ર૦ ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. જયારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને AMC પણ એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનારને ૧૦ ટકા રીબેટ યોજના આપવાની જાહેરાત કરી છે. જેનો લાભ કરદાતાઓની સાથે સાથે મનપાની તિજાેરીને પણ થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનને ર૭ ઓગસ્ટ સુધી મિલ્કતવેરા પેટે રૂા.પ૦૦ કરોડની આવક થઈ છે. જયારે વિવિધ રીબેટ પેટે રૂા.૧૧૬ કરોડનું વળતર કરદાતાઓને આપ્યુ છે. જે પૈકી રાજય સરકારની યોજના અંતર્ગત રૂા.૭૯ કરોડનું વળતર આપવામાં આવ્યુ છે.
મ્યુનિ. કોર્પોરેશન અને રાજય સરકારની રીબેટ યોજનાનો સૌથી વધુ લાભ વેપારી વર્ગને થયો છે. મ્યુનિ. કોર્પોરેશને રીબેટ યોજના અંતર્ગત ર૭ ઓગસ્ટ સુધી રૂા.૧૧૬ કરોડનું વળતર આપ્યુ છે
જેમાં સરકારની આત્મનિર્ભર યોજનામાં ર૦ ટકા લેખે રૂા.૭૯ કરોડનું વળતર કરદાતાઓને આપ્યુ છે મ્યુનિ. કોર્પોરેશનની એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના અંતર્ગત રૂા.૩૧ કરોડનું વળતર વેપારી વર્ગને આપ્યુ છે.
જયારે રહેણાંક મિલ્કત ધારકોને રૂા.૦૭ કરોડનું વળતર આપવામાં આવ્યુ છે. જુન મહીનાથી અમલી યોજના ૩૧ ઓગસ્ટે પૂર્ણ થશે ત્યાં સુધી વળતરની રકમ રૂા.૧રપ કરોડ સુધી પહોંચી શકે છે.
મ્યુનિ. કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષમાં ર૭ ઓગસ્ટ સુધી રૂા.પ૦ર કરોડની આવક થઈ છે. ઓગસ્ટ મહીનામાં મિલ્કતવેરા પેટે રૂા.ર૦૦ કરોડની આવક થવાનો અંદાજ હતો પરંતુ જાહેર રજાઓ વધારે હોવાથી આવકમાં ઘટાડો થયો છે તથા ર૭ ઓગસ્ટ સુધી માત્ર રૂા.૩૪.૭૧ કરોડની આવક થઈ છે.
ગત્ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ મહીનામાં મિલ્કતવેરા પેટે રૂા.૭૯.ર૮ કરોડની આવક થઈ હતી મ્યુનિ. કોર્પોરેશનને રીબેટ યોજના દરમ્યાન જુન મહીનામાં રૂા.ર૩૯.૦૧ કરોડ તથા જુલાઈ મહીનામાં રૂા.રરપ.૭૬ કરોડની આવક થઈ છે. ઓગસ્ટ મહીનાના અંતિમ ચાર દિવસમાં રૂા.પ૦ કરોડની આવક થવાની આશા વ્યકત થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા પેટે થયેલ કુલ આવકમાંથી લગભગ ૮૦ ટકા આવક કોમર્શીયલ મિલ્કતોની છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કોમર્શીયલ મિલ્કતધારકોએ ર૭ ઓગસ્ટ સુધી રૂા.૩૮પ કરોડ ભરપાઈ કર્યા છે.
કોમર્શીયલ મિલ્કત ધારકોને બેવડો લાભ મળી રહયો હોવાથી કરદાતાઓ તેનો લાભ લઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશને ર૭ ઓગસ્ટ સુધી રાજય સરકારની ર૦ ટકા યોજના પેટે રૂા.૭૯ કરોડ વળતર આપ્યુ છે જે સરકાર તરફથી મનપાને પરત આપવામાં આવશે. ઓગસ્ટ મહીનાના અંત સુધી ર૦ ટકા વળતરની રકમ રૂા.૮પ કરોડ થાય તેવી શક્યતા છે.
ગત્ નાણાંકીય વર્ષમાં ૧ એપ્રિલથી ર૮ ઓગસ્ટ સુધી રૂા.૬૦ર કરોડની આવક થઈ હતી જયારે ચાલુ નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂા.પ૦૪ કરોડની આવક થઈ ગઈ છે. લોકડાઉન દરમ્યાન ગુમાવેલી આવક લગભગ સરભર થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ર૦૧૯-ર૦ના વર્ષમાં મિલ્કતવેરા પેટે રૂા.૧૦૭ર કરોડની આવક થઈ હતી જેના ૪૭ ટકા આવક પ્રથમ પાંચ મહીનામાં જ થઈ છે તેથી વર્ષાન્તે આવક સરભર થવાની આશા વ્યકત થઈ રહી છે.
શહેરના મધ્યઝોનમાં મિલ્કતવેરા પેટે રૂા.૮ર.૩૯ કરોડ, ઉત્તરઝોનમાં રૂા.૩૭.૬૭ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૩૭.૯૬ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.૧૪૧.પપ કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂા.૯૩.૦૩ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.૬૭.૧૪ કરોડની આવક થઈ છે. મ્યુનિ. કોર્પોરેશને વ્યવસાયવેરા પેટે રૂા.પ૮.૭ર કરોડની આવક મેળવી છે.
ગત્ વરસે આ જ સમયગાળા દરમ્યાન રૂા.૭ર.પ૬ કરોડની આવક થઈ છે. મ્યુનિ. ટેક્ષ વિભાગને સૌથી વધુ ફટકો વ્હીકલ ટેક્ષની આવકમાં થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ર૮ ઓગસ્ટ સુધી વ્હીકલ ટેક્ષ પેટે માત્ર રૂા.૧૬.૮૯ કરોડની આવક થઈ છે. જયારે ગત્ વરસે આ જ સમયગાળા દરમ્યાન રૂા.૩ર.૦૧ કરોડની આવક થઈ હતી. આમ ગત્ વર્ષની સરખામણીમાં વ્હીકલ ટેક્ષની આવકમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે.