મ્યુનિ.કોર્પોરેશને કોરોના માટે રૂા.૪૪૫ કરોડ ખર્ચ કર્યાં
એસ.વી.પી.હોસ્પિટલમાં રૂા.૧૩૦ કરોડનો ખર્ચઃ ખાનગી હોસ્પિટલના મ્યુનિ.ક્વોટા બેડ પર ૯૧ દર્દી જ વેન્ટીલેટર પર
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરમાં દિવાળીના દિવસથી કોરોના કેસમાં ચિંતાજનક હદે વધારો શરૂ થયો હતો તેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમજ કોરોનાના નવા કેસની અને એક્ટીવ કેસની સંખ્યા લગભગ સ્થિર થઇ છે. તદુપરાંત ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થતા વહીવટીતંત્ર અને નાગરીકોને રાહત થઈ છે. શહેરમાં કોરોનાના આગમન બાદ ડીસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી લગભગ નવ મહિનામાં કોરોના માટે રૂા.૪૪૫ કરોડનો ખર્ચ થયો છે.
શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયા બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી કોરોના માટે રૂા.૪૪૫ કરોડનો ખર્ચ થયો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોના ટેસ્ટીંગ, દર્દીઓની સારવાર, ખાનગી હોસ્પિટલોનાં બિલ, સ્ટાફ દર્દીઓનાં ભોજન, દવાઓની ખરીદી, વાહનનો ભાડા તથા પેટ્રોલ ખર્ચ સહિત તમામ ખર્ચનો રૂા.૪૪૫ કરોડમાં સમાવેશ થાય છે. જેમાં મેટ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં રૂા.૧૩૦ કરોડનો ખર્ચ થયો છે. જ્યારે ખાનગી હોસ્પિટલનાં બિલ, ખર્ચ, પેટ્રોલ અને ટ્રાન્સપોર્ટેશન જેવાં વિવિધ માટે રૂા.૧૪૮ કરોડનો ખર્ચ થયો છે. કોરોના દર્દીઓની સારવાર માટે મોંઘા ઈન્જેક્શન તથા દવાઓ, તબીબો તથા સપોર્ટ સ્ટાફ માટે પી.પી.ઈ.કીટ, થર્મલ ગન, ઓક્સીમીટર વગેરેની ખરીદી માટે રૂા.૧૬૭ કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૯ ડિસેમ્બર સુધી રૂા.૪૪૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યાં છે. જેની સામે રાજ્ય સરકારે મનપાને રૂા.૨૧૫ કરોડ આપ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અમદાવાદ શહેરના વહીવટી તંત્ર અને નાગરીકો છેલ્લા એક સપ્તાહથી રાહતનો અનુભવ કરી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનનાં સતત પ્રયાસનાં કારણે કોરોના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. તેમજ ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાનાં બેડ પર ૧૯ ડિસેમ્બર સવારની પરિસ્થિતિએ વેન્ટીલેટર પર ૯૧ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં ત્યારે ૧૫૪ બેડ ખાલી હતાં. ૧૮ ડિસેમ્બર વેન્ટીલેટર આઈ.સી.જી. વોર્ડમાં ૯૪ દર્દી હતાં. જ્યારે વેન્ટીલેટર વિના આઈ.સી.જી.વોર્ડમાં ૨૧૦ દર્દી સારવાર હેઠળ હતાં. મ્યુનિ.ક્વોટા બેડમાં વેન્ટીલેટર સાથેનાં આઈ.સી.જી.વોર્ડમાં ૧૬ ડિસેમ્બરે ૧૦૪ તથા ૧૪ ડિસેમ્બરે ૧૧૩ હતાં. જ્યારે દીવાળી બાદ કેસમાં થયેલ અસામાન્ય વધારાનાં કારણે ૨૭ નવેમ્બરે ૨૦૬ દર્દીઓ વેન્ટીલેટર પર હતાં. જ્યારે ૨૬ નવેમ્બરે ૨૦૮ દર્દીઓ વેન્ટીલેટર સાથે આઈસીજી વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે.
જેની સામે ૪૩૧ દર્દીઓ વેન્ટીલેટર વિના આઈસીજી વોર્ડમાં હતાં. આમ ૧૬ નવેમ્બર બાદ કોરોનાનાં કેસમાં થયેલાં વધારાનાં કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. પરંતુ મ્યુનિ.આરોગ્ય ખાતા દ્વારા લેવામાં આવેલા સાવચેતીના પગલાં અને નાઈટ કરફ્યુનાં કારણે ૨૦ દિવસમા જ ગંભીર દર્દીઓની સંખ્યા ઘટીને ૧૦૦ કરતાં પણ ઓછી થઈ છે. તેવી જ રીતે એક્ટીવ કેસ પણ ઘટી રહ્યાં છે. ૨૪ નવેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા ૨૮૪૦ હતી. જે ૧૯ ડિસેમ્બર ઘટી ૨૫૦૩ થઈ છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં એક્ટીવ કેસની સંખ્યા વધારે છે. જ્યારે પૂર્વ પટ્ટામાં એક્ટીવ કેસ ઘટી રહ્યાં છે. મધ્ય ઝોનમાં ૨૫૩, પશ્ચિમ ઝોનમાં ૪૨૪, ઉ.મ.ઝોનમાં ૪૨૪, દ.પ.ઝોનમાં ૪૧૮, ઉ.ઝોનમાં ૩૨૭, પૂર્વ ઝોનમાં ૨૫૩ તથા દક્ષિણ ઝોનમાં ૪૦૪ એક્ટીવ કેસ છે.