મ્યુનિ.કોર્પોરેશને જમાલપુરમાં શાકભાજી ફેરીયાઓના થડા તોડી પાડ્યા
(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અણધડ આયોજનનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. મનપા દ્વારા ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે જમાલપુર બ્રીજ નીચે થડા બનાવવામાં આવ્યા હતા. હવે, કોર્પાેરેશને ખુદ તેના બનાવેલા થડા તોડી નાંખ્યા છે. જમાલપુર વોર્ડના કોર્પાેરેટર શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ જમાલપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે આશયથી શાકભાજીના ફેરીયાઓ માટે બ્રીજ નીચે થડા બનાવવામાં આવ્યા હતા તથા મ્યુનિ.કોર્પાેરેશને જ નિયમ મુજબ ફેરીયાઓને થડા ફાળવ્યા હતા.
બ્રીજ નીચે થડા તૈયાર થયા બાદ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી થઈ હતી. અને ગરીબ ફેરીયાઓ શાંતિથી બેસીને ધંધો કરી શકતા હતા. પરંતુ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે તમામ થડા તોડી પાડવામાં આવ્યા છે.
બ્રીજ નીચે પાર્કીંગ બનાવવા માટે થડા તોડવામાં આવ્યા હોવાનું કારણ આપવામાં આવે છે. પાર્કીંગ તૈયાર થાય તે સામે વાંધો નથી. પરંતુ ગરીબ ફેરીયાઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી આ ફેરીયાઓની રોજી-રોટી છીનવાઈ ગઈ છે.
વિકાસના નામે ગરીબોના ઝુંપડા તોડ્યા બાદ હવે ધંધા-રોજગાર પણ બંધ કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.શાસકોની અણધડ નીતિના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા લગભગ બે દાયકા પહેલા જમાલપુર ફુલ બજાર પાસે ૩૦૦ થડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણીઓના આંતરીક વિખવાદના કારણે એક પણ થડાની ફાળવણી થી નહતી. જેના કારણે શાકભાજીના ફેરીયાઓ રોડ પર બેસીને ધંધો કરવા મજબૂર બન્યા હતા.