મ્યુનિ.કોર્પોરેશને ડી.કે. પટેલ હોલના ભાડા નકકી કર્યા
પથ્થરકુવાના યુસીડી ભવનને નવનિર્મિત કરવામાં આવશેઃ અમુલ ભટ્ટ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ડી.કે. પટેલ હોલના ભાડા નકકી કરવામાં આવ્યા છે. જયારે નારણપુરા વિસ્તારમાં જ મ્યુનિ. પ્લોટમાં થતી ગંદકી રોકવા માટે સ્ટેન્ડીંગ કમીટીમાં રજુઆત કરવામાં આવી હતી.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ નારણપુરા વિસ્તારના નવનિર્મિત ડી.કે. પટેલ હોલનું ભાડુ નકકી કરવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશને નવનિર્મિત કરેલ ડી.કે. પટેલ હોલમાં માત્ર ગ્રાઉન્ડ ફલોરના વપરાશ માટે રૂ.૩૦ હજાર ભાડુ અને રૂ.૪પ હજાર ડીપોઝીટ નકકી કરવામાં આવ્યા છે.હોલના પહેલા માળ ને બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. જેને બી-વન અને બી-ટુ નામ આપવામાં આવ્યા છે.
જેના એક ભાગના વપરાશ માટે રૂ.ર૦ હજાર ભાડુ અને રૂ.૩૦ હજાર ડીપોઝીટ લેવામાં આવશે. જયારે સમગ્ર હોલના વપરાશ માટે રૂ.પ૦ હજાર ભાડુ અને રૂ.૭પ હજાર ડીપોઝીટ નકકી કરવામાં આવ્યા છે. નાગરીકો ને ડ્રો સીસ્ટમ દ્વારા જ હોલ ની ફાળવણી કરવામાં આવશે. જેમાં આખા હોલની માંગણી કરનાર નાગરીકને પ્રાયોરીટી આપવામાં આવશે. નારણપુરા વિસ્તારની ટી.પી.ર૯માં એ.ઈ.સી. સામે કોર્પોરેશનનો રીઝર્વ પ્લોટ છે. જેમાં નાગરીકો દ્વારા ડેબીરઝ અને અન્ય પ્રકારનો કચરો ફેકવામાં આવે છે. તેથી આસપાસના રહીશોને પારાવાર તકલીફ થાય છે.
જે અંગે ફરીયાદ મળ્યા બાદ પ્લોટ ફરતે ગ્રીન જાળી બાંધવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સદ્દર પ્લોટ “કોર્મશીયલ હેતુ” માટે હોવાથી તેના વેચાણ અંગે પણ વિચારણા કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગના ઓફીસ બિલ્ડીંગને તોડીને તેને નવેસરથી બનાવવામાં આવશે. રીલીફરોડ પથ્થરકુવા વિસ્તારમાં આવેલ સદ્દર બિલ્ડીંગમાં હયાત વપરાશકર્તાઓના માલિકી હકકની ચકાસણી કર્યા બાદ નવા બિલ્ડીંગ માટે આયોજન કરવામાં આવશે. ઉત્તરઝોનમાં ટોરેન્ટ પાવર દ્વારા પીએમટી મુકવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને તકલીફ થાય છે.
ટોરેન્ટ પાવર સાથે ખોદકામ તથા સબસ્ટેશન મુદ્દે પણ અનેક વખત વિવાદ થયા છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન ના અધિકારીઓ ટોરેન્ટ પાવરના જવાબદાર અધિકારીઓ સાથે મીટીંગ કરીને તમામ સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરશે તથા તેના કાયમી ઉકેલ માટે પ્રયત્ન કરશે. મણીનગરમાં ગોર ના કુવા વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન માલિકીની ત્રણ દુકાનો ભાડેથી આપવામાં આવી છે. સદ્દર દુકાનો રોડ કપાતમાં જતી હોવાથી ભાડુઆતો એ વૈકલ્પીક વ્યવસ્થા માટે કોર્ટ કાર્યવાહી કરી છે. જેનો ટુંક સમયમાં ચુકાદો આવી જશે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોડકદેવ વિસ્તારમાં બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ પંડીત દિનદયાલ ઉપાધ્યાય હોલ અને ઓડીટોરીયમ ના ઓડીયો-વીડીયો તેમજ સ્ટેટ લાઈટીંગ સીસ્ટમના ઓપરેશન-મેઈન્ટેનસ કોન્ટ્રાકટરની દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવી નથી. સદ્દર કામમાં ત્રણ વર્ષ માટે રૂ.પ૭.ર૮ માં કોન્ટ્રાકટર આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેનો મતલબ દૈનિક રૂ.પ૭૦૦ માત્ર ઓપેરશન-મેઈન્ટેનસ માટે આપવામાં આવી રહયા છે.
પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ ની ઓડીયો સીસ્ટમ ઉત્કૃષ્ટ છે. તેમ છતાં દરખાસ્તમાં જણાવેલ રકમ વધારે છે. તેથી ત્રણ વર્ષના બદલે એક વર્ષના કોન્ટ્રાક માટે વિચારણા કરવામાં આવી રહી છે. તથા તે મુજબના ભાવ મંગાવવામાં આવશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવ્યું હતું.