મ્યુનિ.કોર્પોરેશને નવેમ્બરમાં કોરોનાના ૫૦ ટકા મરણ દર્શાવ્યા
૨૯ નવેમ્બર સુધી તંત્રએ ૧૪૧ મૃત્યુ જાહેર કર્યાઃ મ્યુનિ.શબવાહિની દ્વારા ૨૮૭ કોરોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર ઘાતક અને જીવલેણ બની રહી છે. તેમ છતાં સરકારી અધિકારીઓ “સબ સલામત”ની આલીબેલ પોકારી રહ્યા છે. તેમજ પરંપરાગત રીતે આંકડા છુપાવી રહ્યા છે. શહેરમાં મે અને જૂન મહિના બાદ કોરોનાના સૌથી વધઉ કેસ નવેમ્બરમાં નોંધાયા છે. તેવી જ રીતે ચાલુ માસમાં મરણાંક પણ વધી રહ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા નવેમ્બર મહિનામાં (૨૯ નવે.સુધી) કોરોનાથી થયેલા મરણના માત્ર ૫૦ ટકા જ દર્શાવવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનની જ શબવાહિનીઓ દ્વારા અંતિમધામ સુધી લઈ જવામાં આવેલા મૃતદેહોની સંખ્યા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં ઓવલા મરણના આંકડામાં ક્યાંય મેળ બેસતો નથી. તેમ છતાં સરકારી બાબુઓ “દિવા જેવા સત્ય”નો સ્વીકાર કરવા તૈયાર નથી.
શહેરમાં કોરોનાના કેસ અને મૃત્યુ ચિંતાજનક હદે વધી રહ્યા છે. નવેમ્બર મહિનામાં (૨૯ નવે.સુધી) કોરોનાના ૬૬૯૫ કેસ કન્ફર્મ થયા છે. અગાઉ, મે મહિનામાં ૯૧૫૪ અને જૂનમાં ૮૬૯૭ કેસ નોંધાયા હતા. ચાર મહિના બાદ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જાે કે, તંત્ર એક્ટીવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવી રહ્યું છે. તેવી જ રીતે તંત્રના ચોપડે ચાલુ માસમાં (૨૯ નવે.સુધી) કુલ ૧૪૧ દર્દીના મૃત્યુ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશનની શબવાહિનીઓ મારફતે ૨૯ નવેમ્બર સુધી કોરોનાના ૨૮૭ મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. મ્યુનિ.તંત્ર દ્વારા નવેમ્બર મહિનાના નવ દિવસ સુધી માત્ર ૧૯ મરણ જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે મ્યુનિ.શબવાહિનીઓ દ્વારા ૭૭ મૃતદેહોને અંતિમધામ સુધી લઈ જવામાં આવ્યા હતા.
મ્યુનિ.કોર્પાેરેશને ૩ નવેમ્બરે માત્ર ૦૨ મરણ જાહેર કર્યા હતા. જ્યારે શબવાહિની દ્વારા ૧૩ મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા. તેવી જ રીતે ૭ નવેમ્બરે તંત્રના ચોપડે ૦૨ મરણ નોંધાયા હતા. પરંતુ શબવાહિની રજીસ્ટર્ડમાં ૧૩ ડેડબોડી લઈ જવામાં આવી હોવાનું જાહેર થયું છે. ૦૯ નવેમ્બરે તંત્ર દ્વારા વધુ એક વખત ૦૨ મરણ જ નોંધવામાં આવ્યા હતા. તેજ દિવસે મ્યુનિ.શબ વાહિનીઓ દ્વારા ૦૮ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરમાં દિવાળીની મધરાતથી કોરોનાનો કહેર વધ્યો છે. શહેરમાં ૧૫ નવેમ્બર સુધી તંત્રના ચોપડે માત્ર ૩૪ મરણ નોંધાયા છે. જેની સામે શબવાહિનીની નોંધ મુજબ ૧૩૦ મૃતકોને અંતિમધામ લઈ જવામાં આવ્યા હતા. ૧૬ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી મનપા દ્વારા ૧૦૭ મરણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે શબવાહિનીના ફેરા મુજબ ૧૫૭ દર્દીના મૃત્યુ કન્ફર્મ થાય છે. આમ, નવેમ્બર મહિનામાં તંત્રના ચોપડે ૧૪૧ મૃત્યુ કન્ફર્મ થયા છે. જેની સામે મ્યુનિસિપલ શબવાહિની દ્વારા ૨૮૭ કોરોના મૃતદેહોને અંતિમધઆમ લઇ જવામાં આવ્યા હોવાની વિગતો જાહેર થઈ છે.
ચાલુ માસમાં ૨૯ નવેમ્બર સુધી મ્યુનિ.એમ્બ્યુલન્સ દ્વારા કોરોનાના ૪૪૫ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા છે જ્યારે અન્ય રોગના ૭૬૫ દર્દીઓને એડમીટ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કોરોનાથી મૃત્યુ થયેલ ૨૮૭ દર્દીઓની ડેડબોડી અંતિમધામ લઈ જવામાં આવી છે. જ્યારે અન્ય રોગ કે સામાન્ય રીતે મૃત્યુ થયેલ ૨૫૬૩ મૃતકોને અંતિમધામ લઈ જવામાં આવ્યા છે. મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મ્યુનિ.કોર્પાેરેશનની શબવાહિની દ્વારા જ મૃતદેહ અંતિમધમ લઈ જવામાં આવ્યા હોવા છતાં અધિકારીઓ તેનો સ્વીકાર કરતા નથી તે બાબત અજુગતી લાગી રહી છે. આંકડા છુપાવવાની માયાજાળના કારણે જ નાગરીકો ભ્રમિત થયા હતા અને દિવાળીમાં ખરીદી માટે ઉમટ્યા હતા. અધિકારીઓ દ્વારા સાચા આંકડા જાહેર કરવામાં આવે તે તમામના હિતમાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.