મ્યુનિ.કોર્પોરેશને માસ્ક વિના ફરતા ૯૫૮ લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યાઃ ૪૭ પોઝીટીવ જાહેર
પોલીસ વિભાગે માસ્ક વિના ફરતા લોકો પાસે એક જ દિવસમાં રૂા.૧૦.૬૫ લાખ દંડ વસૂલ્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને રોકવા માટે માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા ઉપરાંત કોરોના ટેસ્ટ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે તેમ છતાં અમદાવાદીઓ બેખૌફ થઈને સરકારી આદેશના લીરા ઉડાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશને પાંચ દિવસમાં માસ્ક વગર ફરતા ૯૦૦ કરતા વધુ લોકોને પકડ્યા હતા તથા તેમના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેના પરીણામ ચોંકાવનારા આવ્યા છે. તદુપરાંત પોલીસ વિભાગે પણ માત્ર એક જ દિવસમાં એક હજાર કરતા વધુ લોકોને ઝડપી દંડાત્મક કાર્યવાહી કરી હતી.
શહેરમાં કોરોનાના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે રાત્રી કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દિવસ દરમ્યાન નાગરીકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન કરીને ફરતા નજરે પડે છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦થી ૨૫ નવેમ્બર સુધી પાંચ દિવસમાં માસ્ક પહેરી ન હોય તેવા ૯૫૮ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૪૭ લોકો પોઝીટીવ જાહેર થયા છે.
મ્યુનિ.કોર્પાેરેશને ૪૧ પોઝીટીવ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં દાખલ કર્યા છે જ્યારે ૦૬ લોકોને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૩૧૪ લોકો માસ્ક વિના ફરતા ઝડપાયા હતા. જેમાં ૧૧ લોકો કોરોના સંક્રમિત જાહેર થયા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૦૨ પૈકી ૧૧ લોકો કોરોનાગ્રસ્ત હોવાની વિગતો જાહેર થઈ છે. માસ્ક વિના ફરતા લોકોના કોવિડ ટેસ્ટ નેગેટીવ આવે તો રૂા.એક હજારનો દંડ લેવામાં આવે છે. તેથી ૯૫૮ પૈકી ૪૭ પોઝીટીવ દર્દીને બાદ કરતા ૯૧૧ લોકો પાસેથી પાંચ દિવસમાં પેનલ્ટી પેટે ૯,૧૧,૦૦૦ વસુલ કરવામાં આવ્યા છે.
શહેર પોલીસ વિભાગ દ્વારા પણ માસ્ક વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રો જણાવ્યા મુજબ પોલીસ વિભાગે માત્ર એક જ દિવસમાં માસ્ક વગર ફરી રહેલા ૧૦૬૪ લોકોને પકડ્યા હતા. તથા દંડ પેટે રૂા.૧૯.૬૪ લાખની વસુલાત કરી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ શરૂ થયું તે સમયથી પોલીસ વિભાગે માસ્ક વિના ફરતા ૨.૬૯ લાખ લોકોને ઝડપ્યા છે. તથા દંડ પેટે રૂા.૧૩.૯૬ કરોડની વસુલાત કરી છે. ગત સોમવારથી રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાત્રી કરફ્યુમાં ફરવા નીકળેલા ૮૨ લોકોની ધરપકડ કરીને ૭૮ કેસ કર્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.