શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા વર્લ્ડબેન્ક પ્રથમ તબક્કામાં રૂ. 900 કરોડ આપશે
માસ્ટર પ્લાન તૈયાર થયા બાદ વધુ રૂ.2100 કરોડ આપશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એશિયાની સૌથી મોટી ભૂગર્ભ ક્ચરાપેટી માનવામાં આવતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વિશ્વ બેંકે રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવા તૈયારી દર્શાવી છે. પરંતુ સ્માર્ટ સીટીના અધિકારીઓ પાસે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર ન હોવાથી સુઅરેજ સિસ્ટમ અપગ્રેડેશનની લોનમાં વિલંબ થઈ શકે છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમના ડેવલપમેન્ટ તૈયાર કરવા માટે કન્સલન્ટો પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વર્લ્ડ બેંક હયાત એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા તેમજ નવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ટૂંક સમયમાં જ લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરની ડ્રેનેજ સીસ્ટમ અપગ્રેડ કરવા માટે વર્લ્ડ બેંક દ્વારા રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવી રહી છે. પરંતુ ડીપીઆર રજૂ કરતા પહેલા ડ્રેનેજ માસ્ટર પ્લાન રજૂ કરવા માટે વર્લ્ડ બેંકના અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશન પાસે હાલ પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માસ્ટર (ડેવલપમેન્ટ) પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે કોઈ જ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૯૯ની સાલમાં ડ્રેનેજ માટે ૨૦૨૧ સુધીનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે કોઈ જ ડીપીઆર તૈયાર કે સબમીટ ન કરવા માટે વર્લ્ડ બેંક દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. તેથી મ્યુનિ.ઈજનેર વિભાગે ૨૦૫૦ સુધીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરનો માસ્ટર પ્લાન તૈયારીઓ શરૂ કરી છે. જેના માટે કન્સલટન્ટની નિમણૂંક કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેથી સ્માર્ટસીટીની સુઅરેજ સીસ્ટમ અપગ્રેડ કરવા તેમજ ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના કામ ૨૦૨૩ પહેલા શરૂ થાય તેવી શક્યતા ઓછી છે. તેમ છતાં વર્લ્ડ બેંકે લોનની રકમના ૩૦ ટકા લેખે રૂા.૯૦૦ કરોડ આપવા તૈયારી દર્શાવી છે. સદર રકમ એસટીપી અપગ્રેડેશન અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જ ખર્ચ કરવાની રહેશે. વર્લ્ડ બેંકની શરતને ધ્યાનમાં રાખી મ્યુનિ.ઈજનેર વિભાગ દ્વારા લોનના ૩૦ ટકા લેખે ફેઝ-૧માં કરવાના થતા કામોની યાદી તૈયાર કરવામાં આવી છે.
મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ફેઝ-૧ના કામ માટે રૂા.૯૦૦ કરોડના બદલે રૂા.૧૬૦૦ કરોડના કામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તે પૈકી રૂા.૯૦૦ કરોડના કામ નક્કી કરવામાં આવશે. ફેઝ-૧ના કામમાં વાસણા ૧૨૫ એમ.એલ.ડી.વાસણા ૨૪૦ એમએલડી તથા પીરાણા ૧૮૦ એમએલડી ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવશે.
જેના માટે રૂા.૪૧૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે કોટેશ્વરમાં ૬૦ એમએલડી અને વિંઝોલમાં ૭૫ એમએલડીના નવા એસટીપી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. નવા બે એસટીપી બનાવવા માટે રૂા.૨૦૦ કરોડનો ખર્ચ થઇ શકે છે.
ઈન્ડસ્ટ્રીયલ સુઅરેજના રીયુઝ માટે રૂા.૪૭૦ કરોડના ખર્ચથી નવા ત્રણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાના કામનો પણ ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવી શકે છે. તદુપરાંત રૂા.૨૧૫ કરોડના ખર્ચથી બે સ્થળે માઈક્રો ટનલ પ્રોજેક્ટ શરૂ થઈ શકે તેના માટે પણ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. શહેરના પૂર્વ પટ્ટામાં નારોલથી નરોડા સુધી તેમજ રાયપુર ભૂતની આંબલીથી જમાલપુર સુધી માઈક્રો ટનલના કામ માટે વર્લ્ડ બેંકની લીલીઝંડી બાદ ડીપીઆર તૈયાર કરવામાં આવશે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કન્સલટન્ટની નિમણૂંક થયા બાદ સુઅરેજ અને સ્ટ્રોમ વોટર માટે આગામી ત્રીસ વર્ષ સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. જેમાં હયાત ડ્રેનેજ લાઈનોના રીહેબીલીટેશન પર ભાર મૂકવામાં આવશે. ફેઝ-૧માં રૂા.૨૯૦ કરોડના ખર્ચથી ૨૭ સ્થળે હયાત લાઈનોને રીબેબીલીટેશન કરવાના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ કન્સલટન્ટ દ્વારા જ ડીપીઆર તૈયાર કરવાની શરત વર્લ્ડ બેંક દ્વારા રાખવામાં આવી છે. તેથી કન્સલટન્ટની નિમણૂંક બાદ જ આ દિશામાં નક્કર કાર્યવાહી થશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.