મ્યુનિ.કોર્પોરેશને ૨૫ દિવસમાં ૧૬ હજાર ખાડા પૂર્યા

પ્રતિકાત્મક
ખાડા પૂરવા આધુનિક મશીનનો થઈ રહેલ ઉપયોગ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી “ખાડા પુરાણ” શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે ૧૪ ઓગસ્ટથી ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૬ હજાર કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
![]() |
![]() |
સ્માર્ટસીટી અમદાવાદમાં રોડ-રસ્તાના થયેલા ધોવાણ બાદ મનપાની ચૂંટણી પહેલા ખાડા પૂરવા અને રીસરફેસીંગ માટે સત્તાધીશો દ્વારા સુવિધા આપવામાં આવી હતી. મ્યુનિ.ઈજનેર વિભાગે ૧૫ ઓગસ્ટથી “ખાડા મુક્ત અમદાવાદ”નું અભિયાન શરૂ કર્યું છે. જે હાલ પણ ચાલી રહ્યું છે. શહેરના ખાડા પૂરવા માટે કોલ્ડમીલ, વેટમીલ અને હોટમીલની સાથે સાથે જેટ પેવરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મ્યુનિ. ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૪ ઓગસ્ટથી ૦૯ સપ્ટેમ્બર સુધી કુલ ૧૬૩૩૦ ખાડા પૂરવા માટે વેટમીલ, કોલ્ડમીલ અને હોટમીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરના ઉત્તર ઝોનમાં ૨૩૩૫, પૂર્વ ઝોનમાં ૩૧૭૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૦૩૬, મધ્ય ઝોનમાં ૧૦૦૬, દક્ષિણ-ઝોનમાં ૨૪૭૨, પશ્ચિમ ઝોનમાં ૧૫૬૫ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૫૦૦ ખાડા પરંપરાગત મટીરીયલથી ભરવામાં આવ્યા છે.
જ્યારે આધુનિક મશીનરી જેવી કે જેટ પેવર તથા ઈન્ફ્રા રેડ પેચર વડે ૩૨૪૧ ખાડા પૂરવામાં આવ્યા છે. જે પૈકી ઉત્તર ઝોનમાં ૭૮૪, પૂર્વ ઝોનમાં ૫૩૮, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૩૦, મધ્ય ઝોનમાં ૨૯૧, દક્ષિણ ઝોનમાં ૩૩૩, પશ્ચિમ ઝોનમાં ૫૧૩ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૬૫૨ ખાડા પૂરવામાં આવ્યા છે. શહેરના ખાડા પૂરવા માટે ૬૫ છોટા હાથી-ટ્રેક્ટર, ૩૮ રોલર મશીન, ૫૧ હજાર મશીન તથા પ૯૧ જેટલા મજૂરોની દૈનિક ધોરણે મદદ લેવામાં આવી છે. પેચવર્કની કામગીરી માટે કોલ્ડ ઈમલ્યુન ઈન્જેક્શનના ૧૦ તથા ઈન્ફ્રા રેડ રીસાયકલ પોટહોલ પેચીંગના ૦૭ મશીન ઊપયોગમાં લેવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનના પ્લાન્ટ તેમજ બીજી પાંચ એજન્સીઓના હોટમીલ પ્લાનથી ૧૫૫૮૧.૮૩ મે.ટન હોટ મીલનો ઉપયોગ પેચવર્ક માટે કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચાલુ વર્ષે પાંચ નંગ ઈન્ફ્રારેડ મશીન ખરીદ કરવામાં આવ્યા છે. શહેરના રોડ-રસ્તાને ખાડામુક્ત કરવા માટે ચોમાસાની સીઝનમાં પણ પાંચ હોટમીલ પ્લાન્ટની એજન્સીઓના પ્લાન્ટ શરૂ કરાવ્યા છે. દૈનિક ૬ હજાર મે.ટન હોટમીલની કામગીરી કરવામાં આવી રહી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.