મ્યુનિ. કોર્પોરેશને ૪૮૩પ મિલકતો ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી
નિર્વાચિતો પાસેથી જંત્રીના ર૦ ટકા લેવામાં આવશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્વાચિતો સહિત ૪પ૦૦ કરતા વધુ ભાડુઆતોની કોમર્શીયલ મિલ્કતો નિયમિત કરવામાં આવી છે. જેમાં જંત્રી દર ના ૭૦ થી ૮૦ ટકા ડીસ્કાઉન્ટ સાથે ભાડૂઆતોને માલિકી હક્ક આપવામાં આવશે. મ્યુનિ. શાસકો દ્વારા ચૂંટણી પહેલા મહત્વના નિર્ણયમાં ર૦૧રના બજેટમાં કરવામાં આવેલ જાહેરાતને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે શહેરના સાત ઝોનમાં મ્યુનિ. કોર્પોરેશનની ૪૮૩પ મિલ્કતો આવેલી છે જેની અલગ-અલગ ત્રણ કેટેગરીમાં વહેચણી કરવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં ભાડેથી આપેલ વાર્ષિક/ટોકનથી નિર્વાચિતોને આપેલી મિલ્કતોનો સમાવેશ થાય છે. બીજી કેટેગરીમાં ૧૦, ૧પ કે ૩૦ વર્ષ માટે પ્રિમીયમની રકમથી ભાડે આપેલી મિલ્કતો આવે છે. જયારે ત્રીજી કેટેગરીમાં વાર્ષિક કે માસિક ભાડેથી ટોકન પર આપેલી મિલ્કતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના ઉત્તરઝોનમાં ૯૧૭, દક્ષિણ ઝોનમાં પ૧૧, પૂર્વ ઝોનમાં ૧૯૪, પશ્ચિમ ઝોનમાં ૩૦૩, ઉત્તર ઝોનમાં ૦૧ તથા મધ્યઝોનની ર૯૦૯ મળી કુલ ૪૮૩પ મિલ્કતોની ત્રણ કેટેગરીમાં વહેચણી કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૦-૧૧ના બજેટમાં કોમર્શીયલ મિલ્કતોને ૯૯ વર્ષના ભાડા પટ્ટે લીઝથી આપવા માટે જાહેરાત કરી હતી જે અંગે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જુલાઈ- ર૦૧રમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં કોમર્શીયલ મિલ્કતોને ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરી પ્રવર્તમાન જંત્રી મુજબ જમીનની કિંમત તથા બાંધકામની કિંમત રીઝર્વ ફાઈલ ગણી ભાડા પટ્ટે આપવા ઠરાવ થયો હતો.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ગુરૂવારે કરવામાં આવેલા ઠરાવ મુજબ નિર્વાચિતોને ભાડે આપેલી મિલ્કત પ્રવર્તમાન જંત્રીના ર૦ ટકા મુજબ વસુલ લઈ ૯૯ વર્ષના ભાડાભટ્ટે આપવામાં આવશે. કેટેગરી- બી માં આવતી મિલ્કતોને પ્રર્વતમાન જંત્રીના ૩૦ ટકા લઈ ભાડાભટે આપવામાં આવશે. જે મિલકતો ૧૦, ૧પ કે ૩૦ વર્ષ માટે પ્રિમીયમ લઈને આપવામાં આવી છે તેનો કેટેગરી બી માં સમાવેશ કરવામાં આવ્યો છે.
જયારે કેટેગરી- સી માં મુળ ભાડાપટ્ટાની મુદતને ધ્યાનમાં લઈને જંત્રી વસુલ કરવામાં આવશે. જેમાં મુળ ભાડાપટ્ટાના મુળ તારીખથી ૧પ વર્ષ સુધી ૬૦ ટકા, ૧૬ થી ૩૦ વર્ષ માટે પ૦ ટકા, ૩૧ થી ૪પ વર્ષના ભાડા પટ્ટાના સમયગાળા માટે ૪૦ ટકા તથા ૪૬ કે તેથી વધુ વર્ષના ભાડા પટ્ટા માટે ૩૦ ટકા જંત્રી લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ભાડુઆતોની મિલ્કતને નિયમિત કરવાની સાથે એક મહત્વની જાેગવાઈ કરી છે. જે મુજબ ભાડૂઆત કટ ઓફ ડેઈટ પહેલા માલિકી હક્ક નહીં મેળવે તો તેમણે પ્રર્વતમાન જંત્રીના ૧પ ટકા રકમ વાર્ષિક ભાડા પેટે મ્યુનિ.ને ચુકવવાની રહેશે. તદ્પરાંત યોજનાનો લાભ લેવા માટે પાછલા બાકી નાણાં ભરપાઈ કરવાના રહેશે.