મ્યુનિ. કોર્પોરેશનનો વિવાદાસ્પદ નિર્ણય: હોટસ્પોટ વિસ્તાર પાસે શાક માર્કેટ શરૂ થશે
અમદાવાદ શહેર ના કોટ વિસ્તારમાં લોકડાઉન બાદ કરફ્યુ ના પણ લીરા ઉડી રહયા છે. લોકડાઉન દરમ્યાન કોટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ ચેકપોસ્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોવાનું માલુમ પડ્યું હતું. તેથી કોટ વિસ્તારમાં કોરોનાને નિયંત્રણ માં લેવા માટે કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પણ અવર જવર ની સંખ્યામાં કોઈ જ ધટાડો થયો ન હોવાની કબૂલાત મ્યુનિસિપલ કમિશનરે કરી છે જયારે હોટસ્પોટ વિસ્તાર ની નજીક માં જ શાક માર્કેટ માટે છુટ આપતા તંત્ર સામે આંગળી ચીંધાઈ રહી છે.
શહેર ના કોટવિસ્તાર માં 15 એપ્રિલ થી કરફ્યુ નો અમલ શરૂ થઈ ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે કરફ્યુ હોવા છતા એક જ દિવસમાં 21 હજાર લોકોની અવર જવર થઈ હોવાની નોંધ 13 ચેકપોસ્ટ પર થઇ છે. નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન 8 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી માત્ર પાંચ દીવસમાં જ એક લાખ કરતા વધુ લોકો એ અવર જવર કરી હોવાની વિગતો જાહેર થઈ હતી. મતલબ કે, કોટ વિસ્તારમાં લોકડાઉન કે કરફ્યુ નો કોઈ જ કડક અમલ થતો નથી. ચિંતાજનક બાબત એ છે કે રાજ્ય સરકાર ઘ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં કેસ ની સંખ્યામાં ઘટાડો થાય તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કરફ્યુ પણ આ જ કારણ થી જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યંત સંવેદનશીલ કહી શકાય તેવા દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર જેવા વિસ્તાર ની નજીક શુક્રવારથી શાકભાજી વિતરણ વ્યવસ્થા શરૂ કરવા જાહેરાત કરી છે. જેમાં સોસિયલ ડિસ્ટન્સ જળવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. મ્યુનિસિપલ કમિશનર એક તરફ પરિસ્થિતિ ગંભીર હોવાના નિવેદન કરી રહયા છે બીજીતરફ ગુજરી બજાર અને ગીતામંદિર પાસે શાક વિતરણ માટે જાહેરાત કરે છે. અંતે, મ્યુનિ. કમિશનર ખરેખર શું કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે તેવી ચર્ચા ચાલી રહી છે