મ્યુનિ.કોર્પોરેશન- પોલીસ વિભાગ સંયુક્ત પણે પાર્કિંગ ડ્રાઈવ કરશે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન વિસ્તારની ‘પાર્કિંગ પોલીસી’ને સરકાર દ્વારા તાજેતરમાં મંજુર કરવામાં આવેલ છે. જે તા.૦૧-૧૧-૨૦૨૧થી અમલમાં આવેલ છે.
પાર્કિંગ પોલીસી અંતર્ગત તેના અમલીકરણ અર્થે મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની રચના કરવામાં આવેલ છે. જેમાં અ.મ્યુ.કો.ના વિવિધ વિભાગના અધિકારીઓ, સંયુક્ત પોલીસ કમિશ્નર (ટ્રાફિક-અમદાવાદ શહેર) રીજનલ ટ્રાન્સપોર્ટ અધિકારી, તથા જીઆઈસીઈએના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલ છે.
સદર ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની પ્રથમ મિટિંગ તા.૦૮ માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સદર મીટીંગમાં અમદાવાદ શહેરની હાલની પાર્કિંગને લગતી સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી પાર્કિંગ પોલીસીના અસરકારક અમલીકરણ અર્થે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના સૂત્રોએ પાર્કિંગ પોલીસી અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેર માટે પાર્કિંગ પોલીસી અમલમાં આવી હોઈ, પાર્કિંગ પોલીસીના અમલીકરણ અર્થે અ.મ્યુ.કો.તથા સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી માટે સબ કમિટીઓ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે તથા પાર્કિંગ પોલીસી અંતર્ગત બનાવવાના થતા પાર્કિંગ બાયલોઝ તાકીદે તૈયાર કરવા સુચન કરવામાં આવ્યા હતા.
વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા નિયત કરવામાં આવેલ પાર્કિંગ માટેના લોકેશનોની વિગતો અ.મ્યુ.કો.ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવા નક્કી થયા છે.
નાગરિકો દ્વારા અ.મ્યુ.કો.વિસ્તારમાં નિયત કરવામાં આવેલ પાર્કિંગની જગ્યાઓએ જ વાહન પાર્ક કરવાના રહેશે. આગામી સમયમાં અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સંયુક્ત રીતે પાર્કિંગ, પોલીસીના અમલીકરણના ભાગરૂપે ડ્રાઈવ યોજવામાં આવશે.
આવી ડ્રાઈવ દરમ્યાન નિયત કરેલ પાર્કીંગની જગ્યાઓ સિવાય અન્ય જગ્યાએ વાહન પાર્ક થયેલ હશે તો તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવામાટે પણ ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી હાથ ધરવા નક્કી થયેલ છે. તથા જાહેર માર્ગાે ઉપર બંધ હાલતના અને બિનવારસી વાહનો પણ ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી કરવા નક્કી થયેલ છે.
વાહનોને પાર્ક કરવા માટે શહેરમાં પાર્કિંગ માટેની અન્ય નવી જગ્યાઓ આઈડેન્ટિફાય કરવા માટે સૂચન કરવામાં આવેલ છે. સ્માર્ટ સીટી મિશન દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવેલ કેમેરા દ્વારા મોનીટરીંગ કરીને પાર્કિંગની નિયત કરેલ જગ્યાઓ સિવાય પાર્ક કરેલ વાહનો પરત્વે દંડનીય કાર્યવાહી હાથ ધરવા નક્કી કરવામાં આવ્યું છે.