મ્યુનિ. કોર્પો.એ પ્રથમ વખત ફલાવર શો માં રૂ.૭પ લાખનો નફો કર્યો
ગત વર્ષે રૂ.૭૦ લાખની આવક સામે ર૦ર૦ રૂ.ર.૯પ કરોડની આવક મેળવી : કાર્નિવલના ધુમાડા બંધ કરી ફલાવર શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવા માંગણી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર- શો ર૦ર૦ને બહોળો પ્રતિસાદ મળતા તેને વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. ફલાવર શો માટે ટિકિટ રાખવામાં આવી હોવા છતાં સહેલાણીઓનો ભારે ધસારો જાવા મળ્યો હતો તથા ગત વર્ષની સરખામણી કરતા લગભગ બમણી સંખ્યામાં લોકો એ ફલાવર શો ની મુલાકાત લીધી હતી. ર૦ અને ર૧ જાન્યુઆરીએ ફલાવર શો માં સીનીયર સીટીઝન્સ, મહીલાઓ અને બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.
મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ ૪ થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન ફલાવર-શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલુ દિવસે પ્રવેશ ફી પેટે રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા તેમ છતાં ખુબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ફલાવર શો દરમ્યાન ૧૯ જાન્યુઆરી સુધી ૬ લાખ કરતા વધુ ટિકિટોના વેચાણ થયા છે તથા સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેથી સાડા સાત લાખ લોકોએ ફલાવર શો ની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે. ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
ફલાવર- શો ર૦ર૦માં મનપાને ટિકિટ વેચાણથી રૂ.૧.૯પ કરોડની આવક થઈ છે. જયારે ફૂડ કોર્ટ, નર્સરી સ્ટોલ ભાડા અને જાહેરાત, દયા બિયારણ સ્ટોલના ભાડા પેટે થઈ કુલ રૂ.૯પ લાખની આવક થઈ છે. આમ, ર૦ર૦ના ફલાવર શો માં તંત્રને કુલ રૂ.ર.૯૦ કરોડની આવક થઈ છે જેની સામે રૂ.ર.રપ કરોડનો ખર્ચ થયો છે. ગત વર્ષે રૂ.ત્રણ કરોડના ખર્ચ સામે રૂ.૭૦ લાખની આવક થઈ હતી.
મ્યુનિ. કમિશ્નર અને હોદ્દેદારોએ શહેરીજનો માટે ફલાવર શો વધુ બે દિવસ લંબાવવા નિર્ણય કર્યો છે ઈવેન્ટ સેન્ટરમાં જે સ્કલ્પચર રાખવામાં આવ્યા હતા તે પૈકી મચ્છર, ગાંધી જીવન યાત્રા અને સ્પોટ્ર્સના સ્કલ્પચર દુર કરવામાં આવ્યા છે જયારે સંજીવની જડીબુટ્ટી લઈને જતા હનુમાનજી સહીતના સ્કલ્પચરને ફલાવર- ગાર્ડનમાં શીફટ કરવામાં આવ્યા છે. ઈવેન્ટ સેન્ટરને લગ્ન પ્રસંગ માટે ભાડે આપવામાં આવ્યુ હોવાથી સ્કલ્પચર દુર કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ફલાવર શો ને મળેલી સફળતા તથા ખર્ચની સામે આવકમાં થયેલ નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લઈ આ પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવા માટે માંગણી વધી રહી છે. જયારે માત્ર શાસક પક્ષના આનંદ માટે દર વરસે યોજાતા કાર્નીવલને બંધ કરવા કે તેના ખર્ચમાં ઘટાડો કરવામાં આવે તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહયા છે. અત્રે નોંધનીય છે કે કાર્નીવલ ર૦૧૯માં ડાયરાના કલાકારોને રૂ.૩.પ૦ લાખથી રૂ.૬.પ૦ લાખ સુધીની ફી માત્ર ત્રણ કલાક માટે ચુકવવામાં આવી હતી. ડાયરાનો આનંદ શાસક પક્ષના કોર્પોરેટરો અને ધારાસભ્યોએ સહ પરિવાર માણ્યો હતો જયારે જનતાના ફાળે એલઈડી સ્કીન જ આવ્યો હતો આ બાબતે વિવાદ પણ થયો હતો.