મ્યુનિ. કોર્પો.એ ૪ર હોસ્પિટલોની માન્યતા રદ્ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Hos.jpg)
બીયુ અને ફાયર સેફટી સર્ટીફિકેટ રજુ ન કરનાર હોસ્પિટલોના સી ફોર્મ કેન્સલ કર્યાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ શહેરમાં શ્રેય હોસ્પીટલ દુર્ઘટના બાદ સફાળા જાગેલા મ્યુનિ. તંત્ર દ્વારા બી.યુ અને ફાયર સેફટીના હોય તેવી હોસ્પીટલોને સીલ મારવામાં આવ્યા હતા. હોસ્પીટલ સંચાલકો દ્વારા આ મામલે મનપા સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કોર્ટનો નિર્ણય મ્યુનિ. કોર્પોરેશનની તરફેણમાં આવતા ૪ર હોસ્પીટલોની માન્યતા રદ કરવામાં આવી છે. મ્યુનિ. તંત્ર દ્વારા આ હોસ્પીટલોમાં દાખલ દર્દીઓને સાત દિવસમાં અન્યત્ર ટ્રાન્સફર કરવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં બી.યુ. પરમીશન અને ફાયર સેફટી વિના કાર્યરત હોસ્પીટલો સામે હાઈકોર્ટના કડક વલણ બાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ હોસ્પીટલોને નોટિસ આપી બી.યુ અને ફાયર સર્ટી મેળવી લેવા સુચના આપી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે હોસ્પીટલ સત્તાવાળા અને અમદાવાદ મેડીકલ એશોસીએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિ. કોર્પોરેશન સામે લીટીગેશન કરવામાં આવી હતી હાઈકોર્ટે ૩૦ જુને મેટર ડીસમીસનો હુકમ કર્યો હતો જેની સામે હોસ્પીટલ સત્તાવાળા તથા અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા સુપ્રિમ કોર્ટમાં રાહત માટે દાદ માંગવામાં આવી હતી જેમાં વચગાળાનો મનાઈ હુકમ મળ્યો હતો.
પરંતુ થોડા દિવસ અગાઉ થયેલ સુનાવણીમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રાહત આપવાની માંગણી ગ્રાહ્ય્ય રાખવામાં આવી નહતી અને મેટર ડીસમીસ કરી હતી જેના પગલે મ્યુનિ. કોર્પોરેશને ૪ર હોસ્પીટલોના “સી” ફોર્મ રદ કર્યા છે તેમજ સાત દિવસમાં હોસ્પીટલ સ્વયં બંધ કરી લેખિત જાણ કરવા સુચના આપી છે.
અમદાવાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ ર્ડા. દેવલ પરીખ (ઈન્કમટેક્ષ) ડો. કિરીણ શાહ (નારણપુરા) ડો. હર્ષદ પટેલ, ડો. હીરેન પટેલ, ડો. જીતેન્દ્ર પટેલ (ઈસનપુર), ડો. હેનિલ શાહ (મેઘાણીનગર), ડો. દિદાર કાપડીયા (જુહાપુરા), ડો. જીતેન્દ્ર જેઠવા (ઈસનપુર) ડો. રાજન પટેલ (ઘાટલોડીયા) ડો. અપુર્વ સંઘવી (સરખેજ), ડો. અમર પટેલ (લીટલ ફલાવર હોસ્પીટલ, મણીનગર) સહીતની હોસ્પીટલોની માન્યતા રદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પીટલ દુર્ઘટના બાદ મનપા દ્વારા સીલીંગ ઝુંબેશ કરવામાં આવી હતી તેમજ હાઈકોર્ટના આકરા વલણ બાદ એપ્રિલ-મે મહીનામાં કોમર્શીયલ મિલ્કતો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અંદાજે રપ૦૦ જેટલી મિલ્કતોને સીલ કરવામાં આવી છે. જાણકાર સુત્રોએ જણાવ્યા મુજબ મણીનગરની લીટર ફલાવર હોસ્પીટલને કોવિડ ડેઝીગ્નેટેડ જાહેર કરવામાં આવી હતી તે સમયે પણ તેની કાયદેસરતા અંગે વિવાદ થયો હતો.