મ્યુનિ. કોર્પો.ખાનગી બિલ્ડરોના લાભાર્થે રિઝર્વ પ્લોટ ભાડે આપવાની નીતિમાં ફેરફાર કરશે
રિઝર્વ પ્લોટ ભાડા સાથે જ પ્રોપર્ટી ટેક્ષ લેવામાં આવશે-ધરણાં દેખાવો, ઉપવાસ આંદોલનો માટે પણ રિઝર્વ પ્લોટો ભાડે અપાશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીઝર્વ પ્લોટ વિવિધ હેતુઓ માટે હંગામી ધોરણે નાગરીકો, સંસ્થાઓને ભાડેથી આપવામાં આવે છે, જેના માટે ર૦૧૬માં ખાસ સરક્યુલર કરવામાં આવ્યો હતો. જે તે સમયે થયેલા સરકયુલરમાં ખાનગી બિલ્ડર્સને રીઝર્વ પ્લોટ ભાડે આપવા માટે કોઈ નીતિ રાખવામાં આવી ન હતી,
તદ્દપરાંત મિલ્કતવેરાની રકમ અલગ ભરવાની થતી હતી, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે લીગલ અભિપ્રાય લેવામાં આવ્યા બાદ જુના સરક્યુલરને રદ કરી નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી તથા મ્યુનિ. બોર્ડની મંજુરી બાદ સૂચિત નવી નીતિનો અમલ કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના પ્લોટો હંગામી ધોરણે ભાડે આપવા માટે ર૦૧પમાં ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીમાં જે તે સમયે થયેલા ઠરાવ મુજબ અલગ-અલગ ૧૯ જેટલા ઉપયોગ માટે હંગામી ધોરણે પ્લોટ ભાડે આપવામાં આવે છે
જેમાં જંત્રીના દર મુજબ ભાડા નકકી કરવામાં આવ્યા છે તથા પ્રોપર્ટી ટેક્ષ અલગથી ભરવાનો રહે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગોતાના વોર્ડમાં ટી.પી ૪૧માં નેબરહુડ સેન્ટરનો પ્લોટ સરક્યુલર-૧૬ મુજબ હંગામી ધોરણે ખાનગી બિલ્ડરને ભાડે આપવામાં આવ્યો હતો, બિલ્ડરે સદ્ર પ્લોટનો ઉપયોગ મટીરીયલ સ્ટોર કરવા તથા લેબર કોલોની માટે કર્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્લોટ ભાડે આપવા સામે બાજુમાં આવેલી આસ્થાવિલા કો.ઓ. સોસાયટી દ્વારા હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. આ મુદ્દે લાંબી કાયદાકીય લડત થઈ હતી. હાઈકોર્ટ દ્વારા પ્લોટ ભાડે આપવા માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો
તે મુજબ “સરક્યુલર ૧૬માં દર્શાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન તેના રીઝર્વ પ્લોટો હંગામી ધોરણે વાપરવા આપી શકે છે, પરંતુ સરક્યુલર-૧૬ના મુદ્દા નં.૮ હેઠળ ખાનગી બિલ્ડરને મટીરીયલ ડમ્પીંગ કરવા માટે ભાડે આપી શકાય નહિ. વધુમાં મ્યુનિ. કોર્પોરેશન તેના પ્લોટો વિવિધ હેતુઓ માટે હંગામી ધોરણે આપવા નવી પોલિસી બનાવવા સ્વતંત્ર છે,
અલબત સદ્દર પોલીસી કોર્ટમાં ચેલેન્જ થઈ શકે છે. સરકયુલર ૧૬ મુજબ હંગામી ધોરણે પાર્કિંગના હેતુ માટે પ્લોટ વાપરવા માટે ભાડા ઉપરાંત મ્યુનિ. ટેક્ષ વસુલવાના મુદ્દે પણ લાંબી ચર્ચા થઈ હતી જે અંગે નિર્ણય લેવા માટે મનપા દ્વારા ત્રણ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરોની કમિટી બનાવવામાં આવી હતી.
જેમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવતી જગ્યામાં ભાડા સાથે જ પ્રોપર્ટી ટેક્ષ લેવામાં આવે તેવો નિર્ણય થયો હતો. સદ્ર નિર્ણયનો અમલ પાર્કિંગ સિવાયના અન્ય ઉપયોગ માટે પણ પ્લોટ ભાડે આપવામાં આવે તો પણ કરવાનો રહેશ.
મ્યુનિ. કોર્પો.એ સિનીયર એડવોકેટ સત્યમ છાયાના અભિપ્રાય બાદ ખાનગી બિલ્ડરોને બિલ્ડીંગ મટિરીયલ સ્ટોરેજ કરવા મશીનરી રાખવા તથા લેબર કેમ માટે પ્લોટ ભાડે આપી શકાય તે માટે નવી નીતિ તૈયાર કરી છે જેમાં ખાનગી બિલ્ડરો પાસેથી જંત્રીના પ ટકા મુજબ વાર્ષિક ભાડુ લેવામાં આવશે.
આ ઉપરાંત અન્ય બે ઉપયોગ જેવા કે યોગ અને સ્પોર્ટસ માટે પણ કોર્પોરેશનના પ્લોટ ભાડે આપી શકાય તે માટેની નિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પો. દ્વારા ભાડા સાથે જ ટેક્ષ લેવાના નિર્ણય બાદ તમામ ઉપયોગો માટે પ્લોટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ સંસ્થા વગેરેને ફકત પાર્કિંગ માટે જ પ્લોટ ભાડે આપવામાં આવે તેવા સંજાેગોમાં પ્રવર્તમાન જંત્રીના ૧.પ ટકા લેખે ભાડુ લેવામાં આવશે પરંતુ આ જગ્યાનો પે એન્ડ પાર્ક તરીકે ઉપયોગ કરી શકાશે નહી. જયારે રાજકીય રેલી માટે અગાઉ દૈનિક ૧ હજાર ભાડુ લેવામાં આવતું હતું જેના બદલે નવી નીતિમાં રૂા.૧પ૦૦ ભાડુ લેવામાં આવશે. તદ્ઉપરાંત ધરણાં, દેખાવો, ઉપવાસ, આંદોલન વગેરે ઉપયોગ માટે પણ સ્ટેન્ડીંગ કમિટી નકકી કરે તે મુજબ ભાડુ લેવામાં આવશે.