મ્યુનિ. કોર્પો. દ્વારા કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા વિચારણા
માત્ર હાઈવે પરથી જ રખડતા ઢોર ન પકડવા અધિકારીઓને તાકીદ: હિતેશભાઈ બારોટ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયા છે તેવા મહેણા ને દુર કરવા માટે સતાધારી પાર્ટી દ્વારા દર અઠવાડીયે એક ઝોનલ મીટીંગ અને એક સબ કમીટી મીટીંગ લેવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે મંગળવારે મેયરની અધ્યક્ષતામાં હેલ્થ કમીટીની મીટીંગ કરવામાં આવી હતી જેનો મુખ્ય મુદ્દો સફાઈ, રખડતા ઢોર તથા આરોગ્ય સુખકારીનો રહયો હતો.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે રીવ્યુ બેઠકનો મુખ્ય મુદ્દો રખડતા ઢોરના ત્રાસ અંગેનો હતો. મ્યુનિ. ઢોરત્રાસ અંકુશ વિભાગની ૧૩-૧૩ ટીમો કામ કરી રહી હોવા છતાં રોજ માત્ર ૪૦ થી ૪ર ઢોર પકડવામાં આવે છે.
સામાન્ય રીતે આ વિભાગને દૈનિક ૧૦૦ ઢોરનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ઢોરત્રાસ વિભાગની ટીમો દ્વારા માત્ર હાઈવે વિસ્તારમાંથી જ ઢોર પકડવામાં આવી રહયા હોવાની પણ ફરિયાદો મળી છે તેથી શહેરી વિસ્તારમાંથી પણ ઢોર પકડવા માટે તેમને તાકીદ કરવામાં આવી છે સાથે સાથે પકડેલા ઢોર છોડાવવા માટે જે બાઈકર્સ દરમિયાનગીરી કરે છે તેમની વિરૂધ્ધ ડેપ્યુટી મ્યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.
ચોમાસા પહેલા સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી બેઠકમાં પીરાણા ડમ્પ સાઈટના નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી કરવા માટે પણ ચર્ચા થઈ હતી. ડમ્પ સાઈટનો ઝડપથી નિકાલ થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશને પણ કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલ્ટી અને કમળા જેવા પાણીજન્ય રોગમાં વધારો થયો છે જેને નિયંત્રણમાં લેવા માટે સુચના આપી છે, ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે મેલેરીયા ખાતાને તમામ તૈયારીઓ પુર્ણ કરવા અને દવાનો પર્યાપ્ત જથ્થો ખરીદ કરવા માટે સુચના આપી હતી.
શહેરના જે વિસ્તારોમાં કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો અને પબ્લીક હેલ્થ સેન્ટરોના કામ ચાલી રહયા છે તેના રીપોર્ટ રજુ કરવા જવાબદાર અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શારદાબેન અને વી.એસ. હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે આ બંને હોસ્પિટલના કામ ઝડપથી શરૂ થાય તે માટે અન્ય સંલગ્ન કામગીરી પૂર્ણ કરવા માટે ચર્ચા થઈ હતી.
મ્યુનિ. હદમાં સમાવિષ્ટ શીલજ ગામના તળાવ ડેવલપમેન્ટ કરવા માટે મંજુરી આપવામાં આવી છે. આ વિસ્તારમાં વિવિધ સમાજના અલગ અલગ સ્મશાનગૃહ છે તળાવ ડેવલપમેન્ટને ધ્યાને લઈ નવું સ્મશાન ડેવલપ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે સાથે સાથે ચૈનપુર અને ઘુમાના સ્મશાન પણ ડેવલપ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.