મ્યુનિ. કોર્પો. દ્વારા ચાઈનાના માલની ખરીદી સામે કોંગ્રેસના આકરા પ્રહાર
પ્રદુષિત પાણી, અપુરતા પ્રેશર, રોગચાળો અને અધિકારીઓની મનસ્વીતા સામે વિપક્ષની રજુઆત
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શુક્રવારે મળેલી માસિક સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પ્રદુષિત પાણી, પાણીના પ્રેશર, ટ્રાફિક સમસ્યા તથા રોગચાળા મુદ્દે શાંતિપુર્ણ રીતે રજુઆત કરવામાં આવી હતી. મેયર કીરીટભાઈ પરમારે વિપક્ષને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે પુરતી તક આપી ને તેમના પાણી માપી લીધા હતા. મ્યુનિ. બોર્ડમાં ઘણા લાંબા સમય બાદ વિપક્ષના ૧૧ અને એક અપક્ષને રજુઆત કરવા માટે તક મળી હતી. કોંગી કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાઈનીઝ માલ સામાનની ખરીદી અંગે રજુઆત કરી શાસકોને ચોંકાવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ચર્ચા કરતા કોંગી કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ રજુઆત કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. પદાધિકારીઓ તાજેતરમાં ચીનની મુલાકાતે જઈ આવ્યા પછી ચાઈનીઝ પ્રેમ વધી ગયો છે. અમદાવાદ સી.જી.રોડ ના ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં બે કરોડના ચાઈનીઝ સ્માર્ટપોલ લગાડી આત્મનિર્ભર અને બિઝનેસ સ્ટાર્ટઅપની ગુલબાગોનું પોલ ખુલી ગયું છે.
લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો ઉપર ચીનના લશ્કરી હુમલાથી વીસ જવાનો શહીદ થયા હતા. તેમ છતાં મ્યુનિ. શાસકોનો ચીનના પ્રેમમાં કોઈજ ઘટાડો થયો ન હતો. અ.મ્યુ.કો.ના ૩૮ કરોડના સી.જી.રોડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં બે કરોડના ચાઈનીઝ સ્માર્ટ પોલ ફીટ કરી દીધા છે.
આ ચાઈનીઝ સ્માર્ટપોલમાં સી.સી.ટી.વી. એનાઉસમેન્ટ સીસ્ટમ ડિસ્પ્લે સહીતની ટેકનોલોજીના ડેટા પ્રથમ ચાઈનીઝ કંપનીના સર્વર ઉપર જાય તે પછી અ.મ્યુ.કો.ના કંટ્રોલ રૂમમાં આવે તેવી જાેગવાઈ છે. આ ઘટનાઓ શરમજનક અને ગંભીર બાબત છે. જે બાબતે શાસકોએ અમદાવાદની જનતાની માફી માગવી જાેઈએ.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને ર૦૧૮માં શહેરના સ્ટેડીયમ પાંચ રસ્તાથી પંચવટી પાંચ રસ્તા વચ્ચે આવતા ૩ કિ.મી.ના સી.જી.રોડ ના પ્રોજેકટનો ખર્ચ પહેલા ર.ર૬ કરોડનો હતો જે વધીને ૩.૪ કરોડ પહોંચી ગયો છે.
પૂર્વ મ્યુનિ. કમિશ્નર દ્વારા ર૮ આસીસ્ટન્ટ કમિશ્નરોની ભરતી તેમજ લાયકાત સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો તેમજ મ્યુનિ. કોર્પો.માં વર્ષોથી ફિલ્ડ વર્ક કરી પ્રમોશન મેળવનાર કર્મચારીઓને અન્યાય થતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે રજુઆત કરતા જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં મેટ્રોના કામ દરમિયાન પાણીના કનેકશનો દુર કરવામાં આવ્યા હતા જેના કારણે ગોમતીપુર, ખોખરા અને અમરાઈવાડીમાં પાણી સપ્લાય પર અસર થઈ હતી મેટ્રો કામ પૂર્ણ થયા બાદ પણ આ કનેકશનોના જાેડાણ થયા નથી જેના કારણે નાગરીકોને પાણીની સમસ્યા થઈ છે.
ગોમતીપુરના મરકીવાલા આશ્રમમાં ચાલતા રામ રોટી સદાવ્રતને મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યુ છે તેમજ રૂા.૬૦ હજાર પેનલ્ટી કરવામાં આવી છે જે અન્યાય પુર્ણ હરકત છે મનપા દ્વારા આ આશ્રમ બનાવી આપવામાં આવે તેમજ પેનલ્ટીની રકમ પરત આપવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હતી.
દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ શાંતિપુર્ણ રજુઆત કરતા જણાવ્યુ હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી પ્રદુષિત પાણીની સમસ્યા જાેવા મળે છે તેમજ અપુરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ રહયુ છે. દરિયાપુરના નાગરિકો પણ ટેક્ષ ભરી રહયા છે અને તેઓ શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી મેળવવા હકદાર છે. શાહપુર હલીમની ખડકી પાસે જીમ્નેશીયમ અને લાયબ્રેરી બનાવવા માટે તેમના પિતા અને પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ લેખિત માંગણી કરી હતીે વર્તમાન કોર્પોરેટરો પણ આ માંગણીને દોહરાવી રહયા છે જે ઝડપથી પુર્ણ કરવામાં આવે તે જરૂરી છે.
મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં અધિકારીઓ સામે વિપક્ષની નારાજગી જાેવા મળી હતી તેમજ શાસક પક્ષના કોર્પોરેટરોની જેમ વિપક્ષી કોર્પોરેટરોએ પણ અધિકારીઓ ફોન ઉઠાવતા નથી તથા ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી તેવી રજુઆત પણ કરી હતી.