Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો. દ્વારા રેલ્વે પાસેથી મિલ્કત વેરાના બાકી લેણા વસુલાત માટે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે

રેલ્વે દ્વારા મિલ્કતવેરા પેટે કોઈ જ રકમ ચુકવવામાં આવી નથી. શહેરમાં રેલ્વેની ૬૩૮ મિલ્કતો છે જેના ટેક્ષ પેટે રૂા.ર૦.૮૮ કરોડ બાકી છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની સેંકડો મિલ્કતો છે. રેલ્વે, એરપોર્ટ, પોસ્ટલ, બીએસએનએલ સહીત અનેક વિભાગોની મિલ્કતોના ટેક્ષ માટે મનપા દ્વારા દર વરસે નિયમિત આકારણી કરવામાં આવે છે. પરંતુ પોસ્ટલ અને બીએસએનએલ સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા મિલ્કતવેરો ભરપાઈ કરવામાં આવતો નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલ્કતવેરાના બાકી લેણા વસુલાત માટે રેલ્વે સહીત અન્ય સંસ્થાઓને અનેક વખત રીમાઈન્ડર આપવામાં આવ્યા છે તેમ છતાં ટેક્ષ વસુલ થતો નથી. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની સંસ્થાઓ સામે વેરા વસુલાત માટે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તેવી જ રીતે નાગરીકોની સુવિધા માટે એસએમએસ અને વોટ્‌સએપ સેવા શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારની મિલ્કતો પાસેથી વેરા વસુલાત માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સીએ દાખલ કરવામાં આવી હતી

જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ પાર્ટી તરીકે જાેડાયા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા સીએ ૯૪પ૮/૯૪૬૩/ર૦૦૩ અંતર્ગત આપવામાં આવેલા ચુકાદા મુજબ કેન્દ્ર સરકારના તમામ વિભાગોએ સ્થાનિક સંસ્થાને સર્વિસ ચુકવવો ફરજીયાત છે.

સદ્‌ર ચુકાદા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેલ્વે, એરપોર્ટ ઓથોરીટી પોસ્ટલ, ટેલીકોમ વગેરેની મિલ્કતોની આકારણી કરવામાં આવી હતી જે પૈકી પોસ્ટલ અને ટેલીકોમ વિભાગ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવે છે. એરપોર્ટ દ્વારા ખાનગીકરણ સમયે તમામ બાકી વેરો ચુકવવામાં આવ્યો હતો પરંતુ રેલ્વે દ્વારા મિલ્કતવેરા પેટે કોઈ જ રકમ ચુકવવામાં આવી નથી. શહેરમાં રેલ્વેની ૬૩૮ મિલ્કતો છે જેના ટેક્ષ પેટે રૂા.ર૦.૮૮ કરોડ બાકી છે.

કેન્દ્ર સરકારના એકમ હોવાથી વ્યાજની ગણત્રી કરવામાં આવતી નથી. રેલ્વે વિભાગ પાસે વેરાની બાકી રકમની વસુલાત માટે અનેક વખત પત્ર લખવામાં આવ્યા છે તથા મીટીંગો પણ થઈ છે. તદ્‌પરાંત રેલ્વે મંત્રી, એમઓએસ રેલ્વેને પણ પત્ર લખવામાં આવ્યા છે. રેલ્વે ડીઆરએમ સાથે આ મામલે મીટીંગ કરવામાં આવશે. ત્યારબાદ પણ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો કાયદાકીય સલાહ લઈને કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા બાકી ટેક્ષની વસુલાત માટે મોબાઈલ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. કરદાતાઓના મોબાઈલ નંબર પાસે બાકી રકમના મેસેજ મોકલવામાં આવશે. તદ્‌પરાંત કરદાતાઓને નવા નાણાકીય વર્ષથી વોટ્‌સએપ માધ્યમથી બીલ મોકલવા માટે પણ વિભાગ પ્રયત્નશીલ છે. ઈ-ગર્વનન્સ વિભાગ દ્વારા માઈક્રોટેક કંપનીને પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપ્યો છે. નવી કંપની પાસે “ઓટો સોફટવેર” ડેવલપ કરાવવામાં આવશે જેમાં કરદાતાઓને વેરા ભરપાઈ, નામ, સરનામા બદલવા માટે સરળતા રહેશે.

મ્યુનિ. ટેક્ષ વિભાગને ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.પ૬૦.પ૯ કરોડની આવક થઈ છે જેમાં મિલ્કતવેરા પેટે રૂા.૪૭૦.૬પ કરોડ, પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.પ૬.૩૦ કરોડ તથા વ્હીકલ ટેક્ષની રૂા.૩૩.૬૩ કરોડ આવક થઈ છે.

ગત્‌ નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂા.૪૪ર.૧૬ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ બોપલમાં ૪૦ હજાર મિલ્કતો પૈકી રર હજાર મિલ્કતોની સરવે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.