Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો. દ્વારા ૧ર નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવાશે

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના હેલ્થ વિભાગ દ્વારા ૭૪ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરોનું સંચાલન તેમજ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ જેવી કે મેડીકલ ઓપીડી સારવાર રસીકરણ કુટુંબ કલ્યાણની સેવાઓ તથા મેલેરિયા, ટી.બી., જાતિય રોગો, આંખના રોગોનો નિદાન અને રેફરલ સેવાઓ આપવામાં આવે છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં હાલ કુલ સાત સામુહિક કેન્દ્ર કાર્યરત છે જયારે આવનાર સમયમાં બાર નવા હેલ્થ સેન્ટર બનાવવામાં આવનાર છે જેમાં નિકોલ, રામોલ, રાયખડ દુધેશ્વર, ઠક્કરનગર, કુબેરનગર, ગોતા, ચાંદલોડીયા, સરખેજ, બારડોલપુરા, વેજલપુર અને મોટેરાનો સમાવેશ કરાયો છે જેનો અંદાજિત ખર્ચ ૩.પ થી ૪ કરોડનો છે.


વસ્ત્રાલમાં (અંદાજિત ૧૦૦ બેડની હોસ્પિટલ  તરીકે અપગર્ડ કરવામાં આવશે નવા તૈયાર થનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં આપવામાં આવતી સારવાર સેવાઓ ઉપરાંત નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

જેમાં ૩૦ થી પ૦ બેડની સુવિધા, સોનોગ્રાફી, એકસ રે મશીન ઓપરેશન થિયેટર, લેબર રૂમ, આધુનિક કક્ષાની લેબોરેટરીની સુવિધા તેમજ વિવિધ રોગના સોશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવશે. શાહપુર, બારડોલપુરા, દુધેશ્વરબ, નરોડા મુઠીયામાં ૪ મેટરનીટી હોમ કાર્યરત છે જયારે બારડોલપુરામાં અંદાજિત ૧ કરોડના ખર્ચે અપગ્રેડેશનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે તો દુધેશ્વરમાં પણ ૧ કરોડના અંદાજિત ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. વર્ષ ર૦૧૯માં લાંભા, થલતેજ અને પાલડીમાં અર્બન હેલ્થ સેન્ટરના કન્ટ્રકશનની કામગીરી પૂર્ણ થયેલ છે.

એનયુએચએમ (નેશનલ અર્બન હેલ્થ મિશન) તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ન્યુ ગોતા, વસ્ત્રાલ, સરદાર પટેલ સ્ટેડીયમ (જૂના વાડજ) લાંભા, અર્બુદાનગર ખોખરા, ન્યુ રાણીપ, વટવા (સ્મૃતિ મંદીર) ન્યુ સરદારનગર, બહેરામપુરા, આંબલી, ન્યુ આંબાવાડી, ઓઢવ, અમરાઈવાડી, વટવા (મદિના નગર) થલતેજ, પાલડી અને રામોલ હાથીજણ (રીંગરોડ)માં અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણ સાથે નવા મકાનનું બાંધકામ કરી કાર્યરત કરવામાં આવેલ છે દર વર્ષે અંદાજે ૧ર લાખ જેટલા દર્દીઓને ઓપીડી સેવાઓ આપવામાં આવેલ છે.

ચેપી રોગની હોસ્પિટલમાં  સારવાર માટે આવતા દર્દીઓ જેવા કે ઝાડા- ઉલ્ટી, કમળાના માટે ફેઝ-૧ માં પ૦ બેડનો નવો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. જયારે આગામી સમયમાં ફેઝ-ર માં ૩૦ થી ૪૦ બેડની ક્ષમતા ધરાવતી કોમ્યુનીટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે જેમાં કુટુંબ કલ્યાણની સેવાઓ નિરોધ- કોપર ટી, ગર્ભ નિરોધક ગોળીઓ તેમજ ઓપરેશન, બાળકોને ત્રિગુણી, પોલીયો, બીસીજી કમળો બી અને ઓરી વિરોધી રસીઓ, જેવી સેવાઓ આપવામાં આવે છે.

ચેપીરોગની હોસ્પીટલમાં વર્ષ ર૦૧૯ જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં કુલ ર૧૦૬ ઈન્ડોર અને ર૭૧૯૩ ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી. પ્રસુતિ ગૃહો ખાતે નોર્મલ ડીલીવરી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાન્ય માઈનોર અને ઓપરેશન ડીલીવરીની સુવિધા આ મુજબ અપાઈ હતી. જેમાં વટવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માઈનોર ૧પ ઓપરેશન જયારે ૧૮ મેજર ઓપરેશન, ચાંદખેડામાં ૧૭૦ માઈનોર, અને ૪૩ મેજર, સરખેજમાં ૯૦ માઈનોર જયારે ગોમતીપુરમાં પ માઈનોર, દાણીલીમડામાં ૧૯૦ માઈનોર, અને પ મેજર, સાબરમતીમાં ૧૯પ માઈનોર અને ૩૧ મેજર તેમજ રખીયાલમાં ૩૬ માઈનોર ઓપરેશન કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.