મ્યુનિ. કોર્પો.ના ૬૦૦ કરતાં વધુ બોરના તળીયા દેખાવા લાગ્યા
મોટાભાગના બોરમાં ૩૦ ફુટ કરતા વધુ ઉંડાણમાં નવી લાઈનો નાંખવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદના શાસકો અને અધિકારીઓ દ્વારા પાણી માટે આગામી ૩૦ વર્ષનું આયોજન કરવામાં આવ્યુ હોવાના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ તંત્ર દ્વારા થતા દાવા માત્ર પેપર પર જ સારા લાગી રહયા છે.
વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનીક ૧૪૦૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે જે પૈકી ર૦૦ એમએલડી કરતા વધુ પાણી બોર આધારીત છે.
ચોમાસાની નિષ્ફળતા બાદ બોરવેલના તળિયા જાેવા મળ્યા છે જેના કારણે વિવિધ બોરમાં ૩૦ ફુટ સુધી નવી પાઈપો નાંખવાની ફરજ પડી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં દર વરસે રૂા.પ૦૦થી ૭૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. પરંતુ તેમાં નાગરીકોની પ્રાથમિક જરૂરીયાતો માટે ખુબ જ ઓછી રકમ ખર્ચ થાય છે.
શહેરના ર૦ ટકા જેટલા વિસ્તારોમાં પાણી-ડ્રેનેજના નેટવર્ક ઉપલબ્ધ નથી. આ વિસ્તારોમાં નેટવર્ક નાંખવાના બદલે “નરી આંખે દેખાય” તેવા કામો અને કાર્નીવલો પાછળ કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે.
શહેરના જે વિસ્તારોમાં પાણીના નેટવર્ક ઉપલબ્ધ નથી તેવા વિસ્તારો ખાનગી બોર પર આધારીત છે. એક અંદાજ મુજબ બે હજાર કરતા વધુ ખાનગી બોર દ્વારા રોજ મોટી માત્રામાં પાણી લેવામાં આવે છે.
જેના કારણે પાણીના સ્તર નીચા જઈ રહયા છે તેવી જ રીતે મ્યુનિ. કોર્પોરેશન પણ ૬૪૦ જેટલા બોરનો ઉપયોગ કરે છે.
જેમાં વોટર ડીસ્ટ્રી. સ્ટેશન પર ર૬૪ બોર છે જયારે ર૯૬ આઈસોલટેડ, બગીચામાં ૪૩ અને ઈઉજી માં ૩૮ બોર છે તંત્ર દ્વારા વો.ડી. સ્ટેશનના ર૬૪ બોરમાંથી દૈનિક ૧૦૦ એમએલડી અને આસોલેટેડ ર૯૬ બોરમાંથી ૧ર૦ એમએલડી પાણી લેવામાં આવે છે.
આ તમામ બોર દૈનિક સરેરાશ ૧૮ થી ર૦ કલાક ચલાવવામાં આવે છે. ચોમાસાની સીઝનમાં જરૂરીયાત કરતા ઓછા વરસાદ અને ખાનગી- સરકારી બોરના થઈ રહેલા વધુ પડતા ઉપયોગની અસર જળસ્તર પર થાય છે જેના કારણે મ્યુનિ. બોરમાં તળિયા દેખાવા લાગ્યા છે.
મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ દર વરસે ૩૦થી ૪૦ બોરમાં નવી પાઈપો ઉતારવાની ફરજ પડી રહી છે.
ખાસ કરીને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ભુગર્ભ જળસ્તર ચિંતાજનક હદે નીચા જઈ રહયા છે. મ્યુનિ. તંત્ર દ્વારા ચાલુ વરસે ર૦ બોરમાં અંદાજે ૩૦ ફુટની પાઈપો નાંખવામાં આવી છે.
મ્યુનિ. શાસકો દ્વારા પાણી માટે ૩૦ વર્ષના આયોજન કરવામાં આવ્યા હોવાના દાવા થઈ રહયા છે પરંતુ અહીં એક બાબત યાદ રાખવી જરૂરી છે કે દૈનિક ૧૧પ૦થી ૧ર૦૦ એમએલડી પાણીનો જથ્થો નર્મદામાંથી લેવામાં આવે છે.
નર્મદામાં જે દિવસે જળસંકટ થશે તે દિવસે શહેરીજનોને તરસ્યા રહેવાનો સમય આવી શકે છે. માત્ર ર૦૦ એમએલડી ક્ષમતાનો રાસ્કા પ્લાન્ટ એક-બે દિવસ બંધ થાય તો પણ કાગારોળ મચી જાય છે. જયારે ચોમાસાની સીઝનમાં જાસપુર પ્લાન્ટમાં કાદવના થર જામી જાય છે.
જેના કારણે પ્રદુષિત પાણી સપ્લાય થાય છે. તંત્ર દ્વારા સદ્ર સમસ્યા દુર કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે ૩૦ થી ૪૦ નવા વોટર ડી સેન્ટર બનાવવામાં આવે છે હાલ ર૪૦ કરતા વધુ વો.ડી. સેન્ટર કાર્યરત છે પરંતુ તેના કમાન્ડ એરીયા નકકી ન હોવાથી નાગરીકો અપુરતા પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહયા છે.
વો.ડી. સ્ટેશન પણ ચૂંટણીલક્ષી બની રહયા છે. લાંભા ઈન્દીરાનગરમાં ત્રણ વર્ષ અગાઉ લોકાર્પણ કરવામાં આવેલા વો.ડી. સ્ટેશન હજી કાર્યરત થયા નથી મ્યુનિ. શાસકો લોકાર્પણના ફોટા પડાવી “આત્મ નિર્ભર” બની જાય છે.
પરંતુ લોકાર્પણ થયેલ ટાંકીમાંથી પાણી સપ્લાય થાય છે કે કેમ? નેટવર્ક નાંખવામાં આવ્યા છે કે કેમ? તે જાેવાની તસ્દી લેતા નથી જેના કારણે પ્રજાના રૂપિયા વેડફાઈ રહયા છે તેથી નાગરીકો પાણી માટે વલખા મારે છે. નાગરીકો અંતે ખાનગી વોટરના સહારે જાય છે
અથવા ટેન્કર રાજ પર આધાર રાખે છે. ખાનગી બોરના કારણે ભુગર્ભ જળસ્તર નીચા જઈ રહયા છે તે બાબતથી શાસકો અને અધિકારીઓ વાકેફ છે
પરંતુ વિકાસની વ્યાખ્યામાં “પ્રાથમિક સુવિધા”નો સમાવેશ થતો નથી જેના કારણે જ વાર્ષિક રૂા.નવ હજાર કરોડના બજેટમાં નવા નેટવર્કના ખર્ચ માટે અવકાશ નથી તેમજ ખાનગી અને સરકારી બોરની માયાજાળ બંધ થતી નથી.