મ્યુનિ. કોર્પો.માં નવી પ્રણાલી : મન મુકી ભ્રષ્ટાચાર કરો: સતાધીશોને ખુશ કરી ક્લિન ચીટ મેળવો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પર સર્વ- સ્વીકૃતિની મ્હોર લગાવવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા બે ઉચ્ચ અધિકારીઓએ તમામ નિયમોના ઉલ્લંઘન તેમજ જુઠા પ્રમાણપત્ર રજુ કર્યા હતા જેની સામે વહીવટીતંત્ર દ્વારા આ બે અધિકારીઓ સામે આકરા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ મ્યુનિ. સતાધીશોની “ચાપલુસી” કરી બંને અધિકારીઓ તેમની સજા રદ કે હળવી કરવામાં સફળ થયા છે.
મ્યુનિ. શાસકો દ્વારા ડો. ચિરાગ શાહ અને અખિલેશ બ્રહ્મભટ્ટ માટે જે નિર્ણય લેવામાં આવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. મ્યુનિ. હોદ્દેદારોના આ નિર્ણય બાદ ડો. ચિરાગ શાહને “ન ભુતોઃ ન ભવિષ્યતિ” એક સાથે ૧૪ વર્ષનું પ્રમોશન મળી ગયુ છે.
(૧) ડો. ચિરાગ શાહ ઃ ડો. ચિરાગ શાહ ર૦૦૬ની સાલમાં ડે. હેલ્થ ઓફીસર તરીકે મ્યુનિ. કોર્પોરેશનમાં જાેડાયા હતા. તેમની નોકરીના લગભગ આઠ વર્ષ બાદ એક અનામી અરજી મ્યુનિ. કમિશ્નરને મળી હતી જેમાં ડો. ચિરાગ શાહ એક સાથે અનેક જગ્યાએ ફરજ બજાવી રહયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ. વિજિલન્સ વિભાગે તેમની ટીચર્સ પ્રોફાઈલની તપાસ કરતા માલુમ પડ્યુ હતું કે “કતુરી કોલેજ- ગન્ટુર” ખાતે આસી. પ્રોફેસર તરીકે ૧-૮-ર૦૧૦ના દિવસે તેમની નિમણૂંક થઈ હતી અનુભવ તરીકે રર-૪-૦૭ થી રપ-૧૧-૦૯ અમલાપુર કોલેજ તથા ર૬-૧૧-૦૯ થી ૩૧-૦પ-ર૦૧૦ ઈસનગુલુર ટ્રાયી કોલેજના અનુભવ દર્શાવવામાં આવ્યા હતા.
કતુરી મેડીકલ કોલેજની ટીચર્સ પ્રોફાઈલમાં લગાવવામાં આવેલા ફોટોગ્રાફ, પાનકાર્ડ, રજીસ્ટ્રેશન નંબર તથા સહીનો નમુનો પણ તેમના જ હતા, તેમ તપાસ રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતું. વિજિલન્સ તપાસ સામે ડો. ચિરાગ શાહે ૩૧-૦૮-ર૦૧૭ના દિવસે ર૧૬ પાનાનું બચાવનામુ રજુ કર્યુ હતું તેમ છતાં તેઓ નિર્દોષ સાબિત થયા ન હતા.
ત્યારબાદ ડો. ચિરાગ શાહે તેમની તબિયત, જવાબદારીઓ, સામાજિક પ્રતિષ્ઠા વગેેરેની દુહાઈ આપી હળવી સજા કરવા રજુઆત કરી હતી. મ્યુનિ. કમિશ્નરે તેમના કેસ ને રીમુવલની શિક્ષા માટે ફીટ ગણાવ્યો હતો પરંતુ તેમની આરોગ્ય વિષયક બીમારીઓ સહીતની રજુઆતને ધ્યાન પર લઈ ૧૬મે ર૦૧૮ના રોજ મ્યુનિ. કોર્પોરેશનમાં તેમની નિમણૂંક થઈ તે સમયના પગાર ધોરણમાં શરૂઆતના તબકકે ઉતારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૮થી ડો. ચિરાગ શાહને નવી ભરતી તરીકે ગણતરી કરવામાં આવી હતી આ ભરતી મુજબ ત્રણ વર્ષ પુર્ણ થયા ત્યારે મહીલા સહ કર્મચારીની છેડતી કરી હોવાનું પ્રકરણ બહાર આવ્યું હતું જેમાં તેમને ફરીથી બે વર્ષ માટે ડી- ગ્રેડ કરવામાં આવ્યા હતા તેથી તેમની સીનોયરીટી માત્ર એક વર્ષની થઈ હતી. અપીલ સબ કમીટી સમક્ષ રજુઆત કરવામાં આવી તે સમયે પણ મ્યુનિ. કમિશ્નરે તેમને પરત લેવામાં ન આવે તેમ સ્પષ્ટ જણાવ્યુ છે તેમ છતાં સતાધીશોએ તેમની ર૦૦૬થી સીનીયોરીટીની ગણત્રી કરવા તથા માત્ર ઈન્ફીમેન્ટ રોકવાનો નિર્ણય કર્યા છે.
મ્યુનિ. સતાધીશો દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ ડો. ચિરાગ શાહને એક સાથે ૧૪ વર્ષનું પ્રમોશન મળશે તેમજ પગારના રૂા.એક લાખનું ઈન્ક્રીમેન્ટ મળશે.મ્યુનિ. કોર્પોરેશનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો, ચાપલુસી કરી “કલીનચીટ” મેળવોનું ઉતમ ઉદાહરણ ડો. ચિરાગ શાહની સાથે સાથે અખિલેશ બ્રહ્મભટ્ટ પણ છે.
(ર) અખિલેશ બ્રહ્મભટ્ટ ઃ અખિલેશ બ્રહ્મભટ્ટ મનપામાં ડો. એચ.ઓ.ડી. તરીકે ફરજ બજાવતા હતા. બે વર્ષ અગાઉ આસી. મ્યુનિ. કમિશ્નરની જે ભરતી થઈ હતી તેમાં તેમણે પણ દાવેદારી કરી હતીતેમજ તેઓ સિલેક્ટ થયા હતા. તેમની નિમણૂક બાદ તેમના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી જે દરમ્યાન તેમની બી.કોમ. ડીગ્રી અને ડીગ્રી ઈસ્યુ કરનાર અંગે શંકા જણાતા વિજિલન્સ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, વિજિલન્સના રીપોર્ટ મુજબ અખિલેશ બ્રહ્મભટ્ટનું નામ તથા ડીગ્રી. સર્ટી.નો એનરોલમેન્ટ નંબર EIILM યુનિ.ના રેકોર્ડ રજીસ્ટર્ડમાં ન હતા સદ્દર યુનિવસીર્ટીમાં બી.કોમ.નો અભ્યાસ ક્રમ ર૦૧૪-૧પમાં જ શરૂ કરવામાં આવ્યો હતો તથા ર૦૧પમાં યુનિ. બંધ થઈ ગઈ હતી.
સિક્કિમ રાજયની બહારના સ્ટડી સેન્ટર્સમાંથી ડીસ્ટન્સ લર્નીગ મોડથી મેળવવામાં આવેલ બી.કોમ.ની ડીગ્રીને અધિકૃત માન્યતા આપવામાં આવી નથી સિક્કિમ યુનિ.માંથી અખિલેશ બ્રહ્મભટ્ટે ર૦૧૦માં બી.કોમ.ની ડીગ્રી મેળવી હતી જયારે યુનિ.માં બી.કોમ. અભ્યાસ ક્રમ જ ર૦૧૪-૧પથી શરૂ થયો હતો.
અખિલેશ બ્રહ્મભટ્ટ સામેના આક્ષેપો સાચા સાબિત થતા તેમને ડી-ગ્રેડ કરી ડે.એચ.ઓ.ડી.ની પોસ્ટ પર પરત મુકવામાં આવ્યા હતા પરંતુ મ્યુનિ. સતાધીશો તેમની પ્રત્યે અપાર પ્રેમ દર્શાવી માત્ર એક ઈન્કીમેન્ટ કાપવાની સજા કરી છે.