મ્યુનિ. કોર્પો.માં ભ્રષ્ટ અધિકારીઓ-કોન્ટ્રાકટરોને છાવરવાની નીતિ: કોંગ્રેસ
(દેવેન્દ્ર શાહદ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં ભ્રષ્ટાચાર અને કૌભાંડો સર્વસ્વીકૃત થઈ ગયા છે. મ્યુનિ. કોન્ટ્રાકટરો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠના કારણે નાના મોટા તમામ કામોમાં કટકી થાય છે તેમજ નબળી ગુણવત્તાના કામ થઈ રહયા છે. ઓઢવ આવાસ યોજના તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
મ્યુનિ. કોર્પો.માં બેરોકટોક ભ્રષ્ટાચાર થતો હોવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી થતી નથી જયારે કેટલાક કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવામાં આવે છે પરંતુ આ કોન્ટ્રાકટરો અન્ય ભળતા નામથી પણ તેમનો ધંધો ચાલુ રાખે છે તેવા સીધા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિ. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં વિવિધ પ્રકારના ટેન્ડરોમાં ભાગ લેવા માટે ૯ર૮ કોન્ટ્રાકટરો નોંધાયેલા છે છેલ્લા ૧૭ વર્ષમાં ૧૧ર કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે પણ આજદિન સુધી એકપણ કિસ્સામાં એક પણ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી.
૪૩ કોન્ટ્રાકટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને કાયમી બ્લેકલીસ્ટ કરી દેવાયા છે જયારે ૬૯ કોન્ટ્રાકટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને એક વર્ષથી માંડીને ત્રણ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે તા.૮ ફેબ્રુઆરી ર૦રરની સ્થિતિએ ૪૦ કોન્ટ્રાકટરો એવા છે કે જેઓની સામે કરવામાં આવેલી બ્લેકલીસ્ટની મુદત પૂર્ણ થઈ નથી. કોન્ટ્રાકટરો તથા કંપનીઓને બ્લેકલીસ્ટ કરવામાં આવે છે પણ તેની પાછળ જવાબદાર અધિકારી સામે કોઈ કાર્યવાહી થતી નથી.
મ્યુનિ.કોર્પો.માં ર૦૧૭ની સાલમાં રૂા.૪૦૦ કરોડના રોડ તૂટવાનું કૌભાંડ અને રૂા.૧૦૦ કરોડના બીટુમીન ડુપ્લીકેટ બીલના કૌભાંડ થયા હતા જેમાં ત્રણ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવી જ રીતે વાસણાના બે પમ્પીંગ સ્ટેશન માટે ખોટા સર્ટિફીકેટ રજુ કરતા કોન્ટ્રાકટર સામે પગલાં લેવાયા હતા પરંતુ આ કંપનીને હજી સુધી બ્લેકલીસ્ટ કરવામાં આવી નથી અને ફાઈલ અભેરાઈએ ચડાવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક કંપનીને બ્લેકલીસ્ટ કરવામાં આવે તો તેના પ્રોપરાઈટર કમ કોન્ટ્રાકટર દ્વારા તરત જ બીજી કંપનીના નામે કામ મેળવવામાં આવે છે આમ બ્લેકલીસ્ટની કાર્યવાહીનો કોઈ અર્થ સરતો નથી. હાલમાં પણ બ્લેકલીસ્ટ થયેલી કંપનીઓના માલિકો બીજી કંપનીઓના નામે કરોડો રૂા.ના કામો મેળવી રહયા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ઈજનેર સહિત અન્ય ખાતાઓમાં કામ કરતાં અધિકારીઓ કેટલાંક કોન્ટ્રાકટરો કે કંપનીઓને ફાયદો કરાવે છે જેમાં તેઓ નિવૃતિ પછી કંપનીમાં ભાગીદાર બની જાય છે, નિવૃતિ પહેલાં કોન્ટ્રાકટર કમ કંપનીઓનું લાઈઝનિગ કરે છે પછી ખુદ કંપનીના ભાગીદાર બની જાય છે.
હાલમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કેટલીય એવી કંપનીઓ છે જેના ભાગીદાર મ્યુનિ. કોર્પોના નિવૃત અધિકારીઓ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.