મ્યુનિ. કોર્પો. ૧પ જુન સુધી ૬૦ ફુટ કે તેથી વધુ પહોળાઈના રોડ કામ પૂર્ણ કરવા કટીબધ્ધ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે અટકી પડેલા રોડના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહયા છે. ચોમાસાની સીઝન પહેલા ઝોનલ અને રોડ પ્રોજેકટના વિવિધ કામો પુરા થાય તે માટે સતાધારી પાર્ટીએ ઈજનેર વિભાગને સુચના આપી હતી જેનો ઝડપથી અમલ થઈ રહયો છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન મહાદેવભાઈ દેસાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ ર૦ર૧-રર માં રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા કુલ ર૮ સ્થળે ૬૦ ફુટ કે તેથી વધુ પહોળાઈના રોડ માટે આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે આ કામમાં વિલંબ થયો છે તેમ છતાં ૧પ જુન સુધી તમામ ર૮ રોડ ના કામ પુરા થઈ જશે.
જયારે તેનાથી ઓછી પહોળાઈના રોડના કામ જે તે ઝોન લેવલેથી કરવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પો.ના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૬ રોડ માટે આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી રપ રોડના બેઝીક કામ પૂર્ણ થઈ ગયા છે તેવી જ રીતે ઉત્તર પશ્ચિમ ઝોનમાં રપ ના આયોજન સામે ૧૦, મધ્યઝોનમાં ૩૧ ના આયોજનની સામે ૧ર, દક્ષિણ ઝોનમાં ૩૦ ના આયોજન સામે ૭, પૂર્વમાં ર૭ ની સામે ૧૦, ઉત્તર પશ્ચિમમાં પ૭ સામે ૦૬, અને પશ્ચિમ ઝોનમાં ર૯ રોડના આયોજન સામે ર૮ ના કામ પૂર્ણ થઈ ગયા છે. મધ્યઝોનમાં ૩ રોડ, દક્ષિણ ઝોનમાં ર૩, પૂર્વ ઝોનમાં ૧૭, અને પશ્ચિમ ઝોનમાં ૧ર રોડના કામ પ્રગતિમાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.