મ્યુનિ. ટેક્ષ વિભાગનો સપાટો :૬ર૬ મિલ્કતો સીલ કરી
ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૯૭ર કરોડની નોંધપાત્ર આવક થઈ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગના બાકી લેણાની વસુલાત માટે તંત્ર દ્વારા કડક સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તથા માત્ર બે દિવસમાં જ ૬૦૦ કરતા વધુ મિલ્કતોને સીલ કરવામાં આવતા વેપારીવર્ગમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. નાણાકીય વર્ષનો અંતિમ મહીનો હોવાથી મ્યુનિ. ટેક્ષ વિભાગની સીલીંગ ઝૂંબેશ સમગ્ર મહીનો ચાલુ રહેેશ જયારે નવા હોદ્દેદારોની નિમણૂંક બાદ ૧પ દિવસ માટે રીબેટ યોજના જાહેર કરવામાં આવી શકે છે.
મ્યુનિ. મિલ્કતવેરા વિભાગ દ્વારા માર્ચ મહીનાની શરૂઆતથી જ બાકી લેણા વસુલાત માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પૂર્વઝોનમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા સીલ સાથે ચેડા કરનાર વેપારીઓ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે તેમજ દસ ટકા વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે જયારે બે અને ત્રણ માર્ચના દિવસે ૬૦૦ જેટલી મિલ્કતો સીલ કરીને સપાટો બોલાવ્યો છે. મ્યુનિ. ટેક્ષખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ બીજી માર્ચે ૯૧ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ઝોનની ૭૧ અને ઉ.પશ્ચિમ ઝોનની ર૦ મિલ્કતનો સમાવેશ થાય છે
જયારે ત્રીજી માર્ચે પ૩પ મિલ્કતો સીલ કરી છે. મ્યુનિ. ટેક્ષ વિભાગે મધ્યઝોનમાં ૧૦૦, ઉત્તરઝોનમાં પ૧, દક્ષિણ ઝોનમાં ર૧, પૂર્વ ઝોનમાં ૬૯, પશ્ચિમ ઝોનમાં ૧૪૧, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૯ તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૦૪ મિલ્કતો સીલ કરી છે. આમ છેલ્લા બે દિવસમાં કુલ ૬ર૬ મિલ્કતોને સીલ કરવામાં આવી છે જેની સામે તંત્રને છેલ્લા બે દિવસમાં રૂા.૬.૯પ કરોડની આવક થઈ છે.
નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં પ્રોપર્ટી ટેક્ષ પેટે કુલ રૂા.૧૦૭ર.પ૭ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ માર્ચ સુધી રૂા.૮૮૭.૦ર કરોડની આવક થઈ છે. રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજનાના રીબેટ પેટે ચુકવવામાં આવેલ રૂા.૮પ કરોડ મનપાને પરત આપવામાં આવ્યા છે જેની ગણત્રી આવકમાં કરવામાં આવે તો ર૦ર૦-ર૧માં મિલ્કતવેરાની કુલ આવક રૂા.૯૭ર.૦ર કરોડ થાય છે
જે ગત્ વર્ષ કરતા માત્ર રૂા.૧૦૦ કરોડ ઓછી છે, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં કોરોના અને લોકડાઉનના કારણે મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૩.૩૭ કરોડની આવક થઈ હતી. જુનથી ઓગસ્ટ મહીના દરમ્યાન એડવાન્સ ટેક્ષ રીબેટ અને આત્મનિર્ભર યોજનાના કારણે ટેક્ષની આવકમાં નોધપાત્ર વધારો થયો હતો. ડીસેમ્બર મહીનાના બીજા સપ્તાહથી ૩૧ જાન્યુઆરી સુધી અમલી રીબેટ યોજના દરમ્યાન તંત્રને રૂા.રપ૦ કરોડની આવક થઈ હતી. ર૦ર૦-ર૧ના વર્ષાન્તે મિલ્કતવેરાની આવક રૂા.૧૧૦૦ કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.
ર૦૧૯-ર૦માં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૭૧.૧૮ કરોડની આવક થઈ હતી. જેની સામે ત્રણ માર્ચ- ર૦ર૧ સુધી રૂા.૧પ૪.૬૭ કરોડની આવક થઈ ચુકી છે જે ગત્ વર્ષ કરતા માત્ર રૂા.૧૬.પ૧ કરોડ ઓછી છે. નાણાકીય વર્ષ પુર્ણ થતા આ આવક સરભર થાય તેવી આશા વ્યકત થઈ રહી છે જયારે વાહનવેરામાં માત્ર રૂા.૧.૧૪ કરોડની ઘટ છે. લોકડાઉન અને કોરોનાકાળ હોવા છતાં વાહન વેરામાં થયેલ આવક નોંધપાત્ર હોવાનું માનવામાં આવે છે.