મ્યુનિ. ડેપ્યુટી કમિશનરોની સત્તા પર કાપ મુકતા કમિશ્નર
આસિસ્ટન્ટ કમિશ્નરોને શો-કોઝ નોટીસ, સસ્પેન્શન તથા ઈન્ક્વાયરીની સતા આપી ઉચ્ચ અધિકારીઓની બાદબાકી થઈ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ સરળતાથી ચાલે તેમજ પ્રજાકીય કામોમાં રૂકાવટ ન આવે તેવા આશયથી નવનિયુક્ત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરોને વોર્ડ લેવલના કામ સોંપવામા આવ્યા છે. તથા પ્રત્યેક આસિસ્ટન્ટ કમિશ્નર ને રૂ.પાંચ લાખની નાણાંકીય સત્તા પણ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરને માત્ર નાણાંકીય સત્તા આપવાથી સંતોષ ન થયો હોય તેમ આસિસ્ટન્ટ કમિશ્નરોને સબઝોનલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને શિક્ષા કરવા, રજા મંજુર કરવી જેવી સતાઓ પણ સોંપવામાં આવી છે. જેના પરિણામે ઝોન કક્ષાએ ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને એચઓડીની સત્તામાં મોટો કાપ આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની ભરતી પ્રક્રિયા જેટલી વિવાદાસ્પદ રહી છે તેનાથી પણ વધુ વિવાદ તેમને આપવામાં આવી રહેલી સતાઓને કારણે થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કમશ્નરે કોઈની પણ દરકાર કર્યા વીના આસિસ્ટન્ટ કમિશ્નરોને ટેન્ડર પ્રક્રિયા માટે રૂ.પાંચ લાખની નાણાંકીય સત્તા આપી છે. જેનો સર્ક્યુલર થયા બાદ તેની જાણ લેવા માટે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ ફાઈલ રજુ કરવામાં આવી હતી. પરંતુ ભવિષ્યમાં તકલીફ ન થાય એ માટે પરિપત્રમાં મ્યુનિસિપલ બોર્ડની મંજુરી લેવા માટે સુધારો કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય કોઈપણ સરકારી સંસ્થામાં કર્મચારીનો કોન્ફીડેન્સીયલ રીપોર્ટ ભરવાની સતા જેની પાસે હોય તેનો જ વહીવટી પ્રક્રિયા પર કાબુ રહે છે. ઝોન કક્ષાએ અત્યાર સુધી આ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ૩ નવેમ્બરે ઓફિસ ઓર્ડર કરીને તમામ સત્તા આસિસ્ટન્ટ કમિશ્નરોને સોંપી છે.
સદ્દર ઓફિસ ઓર્ડરમાં જણાવાયા અનુસાર વર્ગ-ર, ૩ અને ૪ ના તમામ કર્મચારીઓને શો-કોઝ નોટીસ ઈસ્યુ કરવા, ચાર્જશીટ ઈસ્યુ કરવા તથા ઈન્કવાયરી ઓફિસરની નિમણુંક કરવાની સતા જે તે સબઝોનલ કચેરીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશ્નરે જી.પી. એમ.સી.એક્ટની કલમ ૪૯(૧) મુજબ પાવર ડેલિગેશન કર્યા છે. સબઝોનલ કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-ર ના હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓની આકસ્મિક તથા હક્ક રજા મંજુર કરવાની સત્તા પણ આસિસ્ટન્ટ કમિશ્નરને આપવામાં આવી છે. વોર્ડમાં વર્ગ-ર થી નીચેના હાયર ડીમાં એક પાયરી નીચે આવતા હદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓ ની ત્રણ દિવસથી વધુ દિવસની આકÂસ્મક રજા અને સાત દિવસથી વધુ દિવસની હક્ક રજાઓ પણ આસિસ્ટન્ટ કમિશ્નર જ મંજુર કરશે.
સબ ઝોનલ કચેરી ખાતે ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને કલમ પ૬(ર) હેઠળ શિક્ષા કરવાની સત્તા પણ આસિસ્ટન્ટ કમિશ્નરોને સોંપવામાં આવી છે. જેમાં કર્મચારીઓને ઠપકો આપવો, ઈન્ક્રીમેન્ટ રોકવા, પ્રમોશન રોકવા, ડી-ગ્રેડ કરવા, સસ્પેન્ડ કરવા, રૂ.પાંચ હજાર સુધીનો દંડ કરવો વગેરનો સમાવેશ થાય છે.ે જ્યારે વર્ગ-ર ના કર્મચારીઓને રૂ.પાંચ હજાર સુધીનો દંડ તથા ઠપકો આપવાની સત્તા પણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમશ્નરને આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશ્નરે નવનિયુક્ત આસિસટન્ટ કમિશ્નરોને વહીવટી સરળતાના નામે વધારે સતાઓ આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યા અનુસાર રપ આસિસ્ટન્ટ કમિશ્નરો પૈકી મોટાભાગના અધિકારીઓને વહીવટી પ્રક્રિયાનો પુરતો અનુભવ નથી. તદુંપરાંત એક સાથે આટલી બધી સત્તા આપવામાં આવી હોવાથી ઝોન લેવલે ફરજ બજાવતા એડીશ્નલ સીટી ઈજનેર, હેલ્થ ઓફિસર તથા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પર તેમના વિભાગના અધિકારીઓ પર અંકુશ રહેશે નહીં. એવી જ રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર પાસે પણ ઝોન લેવલે કોઈ કામ કરે સતા રહેશે નહં.
ડેપ્યુટી કમિશ્નર પાસે ચાર એચઓડી તથા પાંચ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરનો સ્ટાફ રહેશે તથા તેમના પુરતી જ તેમની પાસે સતા રહેશે એવી જ રીતે રૂ.પાંચ લાખની નાણાંકીય સતા આપીને એડીશ્નલ ઈજનેરોની પણ બાદબાકી કરી છે. ભૂતકાળમાં થયેલ સંઘર્ષ ફરીથી ન થાય તે માટે ઝોન લેવલે ડેપ્યુટી ઈજનેરો જ એડીશ્નલનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનુ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.