મ્યુનિ.ઢોરવાડામાં ફેબ્રુઆરીમાં ૪૭૦ ઢોરના મૃત્યુ
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ થવાના અહેવાલ આવ્યા છે. જેના કારણે ભાજપની સાથે-સાથે કોગ્રેસે પણ પોલીસ ફરીયાદ અને વધુ તપાસની માંગણી કરી છે. આ વિવાદની વચ્ચે ઢોરવાડામાં મરણ થતી ગાયોનો મામલો ભુલાઈ રહયો છે. મ્યુનિ.ઢોરત્રાસ અંકુશ વિભાગ દ્વારા જે ઢોર પકડવામાં આવે છે. તે પૈકી ર૦ ટકા કરતા વધુ ઢોરના મરણ થાય છે.
મ્યુનિ.ઢોરત્રાસ અંકુશખાતા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૭૧ હજાર જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જે પૈકી ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણ થયા છે. ચોકવનારી માહિતી મુજબ છેલ્લા એક મહીના દરમ્યાન ઢોરવાડામાં ૪પ૦ કરતા વધુ ઢોરના મૃત્યુ થયા છે. જેમાં વાછરડા, બળદ અને આખલાની સંખ્યા વધારે છે. ઢોરવાડામાં ચાલી રહેલી ગેરરીતિ મામલે મ્યુનિ. કર્મચારીઓની સાથે સાથે પોલીસ વિભાગ સામે શંકાની સોપ તાકવામાં આવી રહી છે. જયારે વિભાગ દ્વારા નિયુકત કોન્ટ્રાકટર પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ.ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં વર્ષોથી ગાયો પકડવા અને પાંજરાપોળમાં મોકલવા મામલે વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ.ભાજપના નેતાએ ઢોરવાડામાં ચાલતી ગેરરીતિ અંગે ભૂતકાળમાં વીજીલન્સ તપાસ કરાવી હતી તથા હાલ પણ તેમની માંગણી બાદ જ વીજીલન્સ તપાસ ચાલી રહી છે. મ્યુનિ.ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવાનો મામલો જેટલો સંવેદનશીલ છે. તેટલો જ સંવેદનશીલ મામલે ઢોરવાડા થતા મૃત્યુનો પણ છે.
જાણકારોના મંતવ્ય મુજબ ઢોરવાડા માં જે જાનવરો ના મરણ થાય છે. તેમાં વાછરડા, બળદ અને આખલાનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ મરણ વાછરડાના થાય છે. મ્યુનિ. ઢોર-ત્રાસ અંકુશ ખાતા ના કર્મચારીઓને અગમ્ય કારણોસર “વાછરડા” પકડવામાં વધારે રસ હોય છે.
કોગ્રેસપક્ષે થોડા દિવસ પહેલા જ રખડતા ઢોર પકડવા કે ન પકડવા માટે રૂ.પ૦ લાખના હપ્તા બાંધવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપને પણ ગાયોના બદલે વાછરડા પકડવાના મુદ્દા સાથે ૃસાંકળવામાં આવી રહયો છે. સી.એન.સી.ડી.ખાતા દ્વારા જે ઢોર પકડવામાં આવે છે. તે પૈકી રોજ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ઢોર છુટી રહયા છે. જેના માટે રૂ.દસ હજારની પેનલ્ટી અને પોલીસ ફરીયાદના ખર્ચને જવાબદાર ગણાવવામાં આવી રહયો છે. સુત્રો આ બાબત ને “અર્ધસત્ય” જણાવી રહયા છે.
મ્યુનિ.ઢોરત્રાસ અંકુશ વિભાગ દ્વારા જે ઢોર પકડવામાં આવે છે. તેમાં ગાયો કરતા વાછરડાની સંખ્યા વધારે હોય છે. તથા જે ગાયો પકડવામાં આવે છે તે પૈકી મોટાભાગની ગાય બિમાર હોય છે. ઢોરત્રાસ વિભાગ દ્વારા ત્રણ દિવસ બાદ ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવે છે.
પરંતુ ઢોરવાડામાં ક્ષમતા કરતા વધારે રાખવામાં આવતા હોવાથી વાછરડા ના મૃત્યુનું પ્રમાણ વધી રહયું છે. તેમજ બિમાર ગાયોના પણ મરણ થઈ રહયા છે. ઢોરત્રાસ ખાતાની ટીમ દ્વારા ઢોર પકડવામાં પણ વહાલા દવલાની નિતી અખત્યાર થઈ રહી હોવાના ઘણા સમયથી આક્ષેપ થઈ રહયા છે. જેના કારણે રાજય સરકારે ઝોન દીઠ પોલીસ ઈન્સ્પેકટર માટે મંજૂરી આપી છે. પરંતુ અગમ્ય કારણોસર સાત ઝોન માટે એક જ પોલીસ ઈન્સ્પેકટરથી કામ ચલાવવામાં આવી રહયું છે. મ્યુનિ.ઢોરવાડામાં મ્યુનિ. અને પોલીસ કર્મચારીઓ કરતા પણ સૌથી વધારે ઈજારાશાહી કોન્ટ્રાકટરની હોવાના આક્ષેપ થઈ રહયા છે.
ઢોરત્રાસ અંકુશ ખાતા દ્વારા એક જ સંસ્થાને ૬પ લેબર સપ્લાય કરતા, આરએફઆઈડી નિયંત્રણ કરવા ઘાસની ગાડી ખાલી કરવી ઢોરવાડાની સફાઈ કરવી, જીવદયામાં મોકલવામાં આવતી ગાયોને ટ્રકમાં ભરવી, વેટરનરી તબીબ સપ્લાય કરવા સહીતના તમામ કોન્ટ્રાકટ સોપવામાં આવ્યા છે. તેથી ઢોરવાડાની તમામ પ્રવૃત્તિ સાથે આ સંસ્થા સંકળાયેલી હોવાથી સંસ્થા પણ શંકાના દાયરામાં હોવાનું સુત્રો માની રહયા છે.
મ્યુનિ. ઢોરત્રાસ ખાતા દ્વારા સંસ્થાને એક મજૂર પેટે દૈનિક રૂ.૪પ૦ ચુકવાય છે. જેની સામે સંસ્થા દ્વારા મજુરને રૂ.૩૦૦ આપવામાં આવી રહયા છે. જયારે ડીપ્લોમાં વેટરનરી તબીબ માટે રૂ.ર૩ હજાર અને ડીગ્રી તબીબ માટે રૂ.૩૦ હજાર ચુકવાય છે. જેની સામે સંસ્થા દ્વારા ડીગ્રી તબીબ ને રૂ.૧૮ હજાર અને ડીપ્લોમાં તબીબ ને રૂ.૧પ આપતી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. મ્યુનિ.ઢોરવાડામાં કોઈ એક જ વ્યકિત કે વિભાગનું ૧૦૦ ટકા નિયંત્રણ ન હોવાથી ગાયો ગાયબ થવી કે મૃત્યુ થવાની સંખ્યા વધી રહી છે. તથા પકડવામાં આવેલ ઢોર પૈકી લગભગ રપ ટકા પશુઓના મરણ ઢોરવાડામાં જ થઈ રહયા છે આ બાબત ચિંતાનો વિષય બની છે.
મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઢોરવાડામાં દૈનિક ૧૦થી ૧પ ઢોરના મૃત્યુ થઈ રહયા છે. જેમાં નાના વાછરડાઓની સંખ્યા વધારે હોય છે જે બાબત ચિંતાનો વિષય છે. ૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધીના અરસામાં ૪૭૯ ઢોરના મૃત્યુ થયા છે.સ્માર્ટસીટીના શાસકો અને કમીશ્નર માટે આ શરમજનક બાબત છે. મ્યુનિ. શાસકો છેલ્લા દસ વર્ષથી પશુઓ માટે હોસ્ટેલ બનાવવાની જાહેરાતો કરે છે.
જયારે કમીશ્નર સ્માર્ટસીટીના દાવા કરે છે. પરંતુ શાસકો અને કમીશ્નર પશુધન બચાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. ઢોરવાડામાં મનપાના મજૂરો કરતા કોન્ટ્રાકટના મજૂરો વધારે હોય તેવા સંજાગોમાં જવાબદારી નકકી કરવી મુશ્કેલ છે. મ્યુનિ.કોર્પોરેશનના જ લેબર ઢોરવાડામાં કામ કરે તે જરૂરી છે. ઢોર પકડવા, ઢોર છોડાવવા તથા ઢોરને પાંજરાપોળમાં મોકલવા સુધી થતી ગેરરીતિ રોકવા માટે જવાબદારી નકકી કરવા અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા માટે તેમણે માંગણી કરી છે.