મ્યુનિ.તિજાેરીમાંથી પાંચ વર્ષમાં ઉત્સવ-મહોત્સવો માટે કરોડો ચૂકવાયા
વાર્ષિક હિસાબના આધારે ઓડીટ વિભાગે પણ ગંભીર નોંધ લીધીઃ એક જ દિવસે ફ્લેક્ષ બેનર માટે અલગ-અલગ ભાવ આપવામાં આવ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં છેલ્લા ઘણા વર્ષાેથી ઉત્સવ, મહોત્સવો, તહેવારોની ઉજવણી તેમજ પ્રચાર-પ્રસાર માટે કરોડો રૂપિયા ખર્ચ થતાં હોય છે. મ્યુનિ.બજેટનો એક મોટો હિસ્સો ઉત્સવ-મહોત્સવો માટે ખર્ચ થાય છે. પરંતુ આ ખર્ચના વિધિવત ઓડીટ થતા નથી. મ્યુનિ.કોર્પાેરેશનના પબ્લીસીટી વિભાગ દ્વારા ઉત્સવ-મહોત્સવોની ઉજવણી માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ઓડીટ ખાતાને તેની માહિતી માટે વાર્ષિક હિસાબ પર આધાર રાખવો પડે છે. તેમજ ઓડીટ અહેવાલમાં આ અંગે ખાસ નોંધ લખવી પડે છે. તેવી જ રીતે ફ્લેક્ષ બેનરમાં પણ બમણાં ભાવ ચૂકવી મ્યુનિ.તિજાેરીને આર્થિક નુકસાન થયું હોવાની વિગતો બહાર આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં છેલ્લા એક દાયકાથી કાર્નિવલો અને મહોત્સવોની આગળ પરંપરા શરૂ થઈ છે. જેના માટે દર વરસે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ આ રકમ કઈ કઈ પ્રવૃત્તિ માટે ખર્ચ થાય છે તેની વિગતો માહિતી વિભાગ દ્વારા સમયસર આપવામાં આવતા નથી. તેની નોંધ છેલ્લા ઓડીટ અહેવાલમાં લેવામાં આવી છે. મ્યુનિ.નાણાં વિભાગના વર્ષ ૨૦૧૮-૧૯ના વાર્ષિક હિસાબમાં ઉત્સવ, મહોત્સવો અને તહેવારોની ઉજવણી માટે રૂા.૧૮.૦૯ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ ખર્ચ ક્યારે અને કઈ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો તેની કોઈ જ વિગત પબ્લીસીટી ખાતા દ્વારા જાહેર કરવામાં આવી નહતી. તેથી ઓડીટ ખાતા દ્વારા આ તમામ વિગતો માંગવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ૨૦૧૭-૧૮ના વર્ષમાં પણ થયેલ ખર્ચની વિગતો ઓડીટ ખાતા માંગવામાં આવી હતી. પરંતુ તે વિગતો પણ પબ્લીસીટી વિભાગ દ્વારા આપવામાં આવી નથી.
મ્યુનિ.શાસકોના ઉત્સવ પ્રેમનો પૂરતો લાભ પબ્લીસીટી વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યો હોવાની વિગતો પણ ઓડીટ અહેવાલમાં જાહેર થઈ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ઈન્ડિયા-જાપાન સમીટ-૨૦૧૭ અંતર્ગત ફ્લેક્ષ બેનર માટે અલગ-અલગ ભાવ ચૂકવી મ્યુનિ.તિજાેરીને નુકશાન કર્યુ છે. સદર સમીટ અંગે ૭ ઓક્ટોબર ૨૦૧૭ના બે બીલ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં એક બીલમાં રૂા.૫૫.૦૮ના ભાવ છે જ્યારે બીજા બીલમાં રૂા.૧૧૦.૧૭ના ભાવ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે ઈન્ડિયા-ઈઝરાયેલ સમીટ અંતર્ગત પણ ફ્લેક્ષ બેનરના ભાવમાં તફાવત જાેવા મળ્યો છે. જેમાં ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના બે બીલો રજૂ કરવામાં આવ્યો છે. જે પૈકી એક બીલમાં રૂા.૫૫.૦૮ મુજબ તથા બીજા બીલમાં રૂા.૧૧૦.૧૭ના ભાવ મુજબ પેમેન્ટ કરવામાં આવ્યા છે. આમ, પબ્લીસીટી વિભાગ દ્વારા મ્યુનિ.તિજાેરીને આર્થિક નુકસાન કરવામાં આવ્યું હોવાની નોંધ ઓડીટ અહેવાલમાં લેવામાં આવી છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ શાસકપક્ષ દ્વારા ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધી જાહેરાતો માટે જ રૂા.૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જી.પી.એચ.સી.એક્ટ અંતર્ગત પ્રજા માટે જે કામો ફરજીયાત કરવાના હોય છે તેવા કામોનો યશ લેવા માટે રૂા.૨૦ કરોડનો ધૂમાડો કરવામાં આવ્યો છે. પ્રજાને વધારાની સેવા-સવલતો આપીને કે પછી ટેક્ષ વ્યાજમાં ઘટાડો કરીને મોટા હોર્ડીગ્ઝ લગાવવામાં આવે તો વ્યાજબી ગણાય. તેવી જ રીતે ઉત્સવો-મહોત્સવો માટે પાંચ વર્ષમાં રૂા.૯૪ કરોડનો ખર્ચ કર્યા છે. આ તમામ ખર્ચ બિનહિસાબી હોય છે તથા તેના બીલો પણ ઓડીટ વિભાગને આપવામાં આવતા નથી. માત્ર જે તે પ્રવૃત્તિની જાણકારી આપીને સંતોષ માનવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.