મ્યુનિ.દક્ષિણ ઝોનના ૨૦ કર્મચારીઓ કોરોના સંક્રમિત

Files Photo
ઝોનના ડે.મ્યુનિ.કમીશનર, આસી.કમીશનર અને એડી.સીટી ઈજનેર પણ ઝપટમાં આવી ગયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના લહેરમાં નાગરીકોની સાથે સાથે મ્યુનિ.કર્મચારીઓ પણ આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનના તમામ ઝોન વોર્ડ અને વિભાગના કર્મચારીઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનના દાણીપીઠ કાર્યાલયની સ્થિતિ અત્યંત ખરાબ છે. તંત્રને પાંચમો અને છઠ્ઠો માળ બંધ કરવાની ફરજ પડી છે. તદુપરાંત બગીચા વિભાગના મધ્યસ્થ કાર્યાલયને પણ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. આવી જ પરિસ્થિતિ સાત ઝોનમાં પણ જાેવા મળે છે. પરંતુ દક્ષિણ ઝોનની હાલત વધુ ગંભીર છે. જેમાં ડે.મ્યુનિ. કમીશનરથી શરૂ કરી ફીલ્ડ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે અન્ય કર્મચારીઓનો ફફડાટ જાેવા મળી રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશનના દક્ષિણ ઝોનના કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઝોનના ડે.મ્યુનિ.કમિશનર આર.કે.મહેતા બીજી વખત સંક્રમણનો ભોગ બન્યા છે. જૂન મહિનામાં પણ તેમને ચેપ લાગ્યો હતો. ઝોનના ઈન્ચાર્જ ડે.કમીશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને બહેરામપુરાના આસી.મ્યુનિ.કમીશનર પરાગભાઈ શાહનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝોનના ઈન્ચાર્જ એડીશનલ ઈજનેર પરેશભાઈ શાહ પણ સંક્રમિત થયા છે. ઝોન ઈજનેર વિભાગના અન્ય પાંચ જેટલા કર્મચારીઓ પણ પોઝીટીવ કન્ફર્મ થયાં છે. જેમાં ખોખરા વોર્ડના આસી.સીટી ઈજનેર અને સુપરવાઈઝર, ઈન્દ્રપુરી વોર્ડના આસી.ઈજનેર, તેમજ દાણીલીમડા વોર્ડના બે આસી.ઈજનેર સંક્રમિત થયા છે.
દક્ષિણ ઝોન આરોગ્ય વિભાગની તબિયત પણ બગડી રહી છે. મણીનગર વોર્ડ અને દાણીલીમડા વોર્ડ અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસર કોરોના પોઝીટીવ જાહેર થયા છે. દક્ષિણ ઝોન વહીવટી શાખામાં પણ ચાર કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે આસી.મેનેજર હોમ આઈસોલેટેડ છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યો છે તથા એક વોર્ડ ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટર સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે.
શહેરમાં કોરોનાની શરૂઆતમાં જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેના કરતા વધુ કર્મચારીઓ બીજી લહેરમાં સંક્રમિત થવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનના દાણીપીઠ કાર્યાલયમાં છેલ્લા ૪૫ દિવસમાં ૮૦ જેટલા કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓને અસર થઈ છે. મ્યુનિ.વોટર પ્રોજેક્ટ વિભાગના ૧૫ કર્મચારીઓ સંક્રમિત થયા છે. હાઉસીંગ પ્રોજેક્ટ ખાતાના પાંચ તથા ડ્રેનેજ વિભાગના ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. વોટર ઓપરેશન વિભાગના ડે.ઈજનેર સંક્રમિત થયા છે.
મધ્ય ઝોનના ડે.હેલ્થ ઓફીસર કોરોના પોઝીટીવ કન્ફર્મ થયા છે. જ્યારે મધ્ય ઝોન એસ્ટેટ ખાતામાં ફરજ બજાવતા આસી.ટી.ડી.ઓ. બીજી વખત સંક્રમિત થયા છે. નાણાં વિભાગના ચાર કર્મચારી સંક્રમણનો ભોગ બન્યા છે. હેરીટેજ વિભાગના પાંચ કર્મચારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં ખાતાના વડા વાસુદેવ નાયરનું કોરોનાના કારણે અવસાન થયું છે. મ્યુનિ.લાઈટ વિભાગમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મધ્ય ઝોનના ઈજનેર ધર્મેન્દ્રભાઈ કોરોના સામે જીંદગી હારી ચૂક્યા છે. મ્યુનિ.રેકર્ડ વિભાગના એક કર્મચારીનો પણ ગત સપ્તાહ દરમ્યાન કોરોનાએ ભોગ લીધો છે. જેના કારણે મ્યુનિ.ભવનમાં ફફડાટ વ્યાપી ગયો છે. તથા મુખ્ય બિલ્ડીંગના પાંચમા અને છઠ્ઠા માળ પર માઈક્રો કન્ટેન્મેન્ટ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.