મ્યુનિ.દ્વારા વિતરણ કરાતાં ડસ્ટબીન તૂટવા માટે જવાબદાર કોણ?
ઝોન-વોર્ડ ઓફિસોમાં ડસ્ટબીન એકબીજા ઉપર થપ્પા કરી મૂકી દેવાયા હોવાથી સમસ્યા સર્જાતી હોવાનું તારણ
અમદાવાદ, સ્વચ્છ સર્વેક્ષણમાં સર્વાેત્તમ દેખાવ કરવા માંગતા મ્યુનિ.સત્તાધીશોએ ઘરે ઘરેથી ક્ચરાનાં સેગ્રીગેશન માટે નાગરિકોને બે ડસ્ટબીન આપવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમાં ડસ્ટબીન તૂટવાની ફરિયાદ શરૂ થતાં તેના માટે જવાબદાર કોણ તેનો વિવાદ છેડાયો છે.
શહેરીજનોનાં ઘરેથી જ સૂકો અને ભીનો ક્ચરો અલગ અલગ એકત્ર કરવામાં આવે તો ટ્રાન્સફર સ્ટેશન ખાતેથી પીરાણા નિકાલ થતાં ક્ચરાનુ પ્રમાણ ઘટી જાય અને રિસાયકલ તથા પાત્ર ક્ચરાનો યોગ્ય ઉપયોગ થાય તેવા હેતુથી મ્યુનિ.ભાજપે ઘાટલોડિયા વોર્ડમાં ઘરે બે ડસ્ટબીન આપવાનું શરૂ કર્યું હતું. તેમાં ઘાટલોડિયાનાં મહિલા કોર્પાેરેટરે જ ડસ્ટબીન તૂટી જતાં હોવાની ફરિયાદો લઈ લોકો આવ્યાં હોવાની રજૂઆત કરી હતી.
આ બાબતે તપાસ કરતાં મ્યુનિ.એ. જણાવ્યું હતું કે, સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા ટેન્ડર બહાર પાડીને ગુણવત્તા અને મજબૂતાઈ વગેરે ચકાસીને લેબોરેટરીનાં પ્રમાણપત્રનાં આધારે ડસ્ટબીનની ખરીદી કરી દરેક ઝોન અને વોર્ડમાં મોકલી આપ્યા હતા,
ત્યાંથી નાગિરકોનાં ઘરે વિતરણ કરવાને બદલે જે તે વિભાગે વોર્ડ ઓફિસોમાં ઢગલા અને થપ્પા લગાવી મૂકી રાખ્યા હતા. હવે સ્વચ્છ સર્વેક્ષણના નામે જૂના ઢગલા બહાર કાઢીને વિતરણ કરાયા ત્યારે ડસ્ટબીન એકબીજામાં જામ થઈ ગયાં હતા અને તેના કારણે તૂટવાની ક્યાંક ક્યાંક ફરિયાદ ઉઠી છે.
જાેકે, મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૨૦ કરોડનાં જંગી ખર્ચે ખરીદાયેલાં ડસ્ટબીનની ગુણવત્તા અને વિતરણ બાબતે નાગરિકોએ ફરિયાદો કરી છે. લોકોને અપાયેલા ડસ્ટબીન વિતરણનું એક દિવસનું ફોટો સેશન કરાવી વાહવાહી લૂંટવામાં કોઈ કસર છોડી નથી.
એટલું જ નહિં, ભાજપને ફક્ત પશ્ચિમ અમદાવાદ જ દેખાય છે. ડસ્ટબીન વિતરણ પશ્ચિમમાં શરૂ કરાયું તે પછી બીજા કયા કયા વોર્ડમાં કેટલું વિતરણ થયું તે જાહેર કરવા માટે તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો.