મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧૦૨૫ કરોડની આવક
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગની આવક રૂા.એક હજારને પાર કરી ગઈ છે. નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં રીબેટ યોજના તથા સીલીંગ ઝુંબેશના પરીણામે મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રીબેટ યોજના શરૂ થયા બાદ મ્યુનિ.તિજાેરીમાં રૂા.૨૫૫ કરોડ જમા થયા છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જાન્યુઆરી-૨૦૨૧માં સ્લેબ વાઈઝ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. કોર્પાેરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ત્રણ મહિના માટે રીબેટ યોજના જાહેર થઈ છે. રીબેટ યોજનાના અમલીકરણના પ્રથમ માસમાં કોઈ નોંધપાત્ર આવક થઈ નહતી.
જાન્યુઆરી મહિનામાં મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૮૯.૪૬ કરોડની આવક થઈ હતી. જેની સામે જાન્યુઆરી-૨૦૨૧માં રૂા.૧૦૮.૭૫ કરોડની આવક થઈ હતી. રીબેટ યોજનાનો અમલ છતાં આવકમાં વધારો થતા સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
જેના ફળ સ્વરૂપ, ફેબ્રુઆરી મહિનામાં રૂા.૧૨૧.૨૦ કરોડની આવક મળી હતી. જ્યારે માર્ચ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં મિલ્કતવેરા પેટે રૂા.૪૫.૩૮ કરોડની આવક થી છે. માર્ચ-૨૦૨૧માં મિલ્કતવેરા પેટે કુલ રૂા.૧૫૫.૨૩ કરોડ હતી. ૨૦૨૧ના વર્ષમાં મિલ્કતવેરાની કુલ આવક રૂા.૧૧૨૦.૭૮ કરોડ થઈ હતી. જેની સરખામણીએ વર્તમાન નાણાંકીય વર્ષમાં ૧૦ માર્ચ સુધી રૂા.૧૦૦૮.૬૯ કરોડની આવક થઈ છે.
આમ, પાછલા વર્ષની સરખામણીએ હજી રૂા.૧૨૦ કરોડની આવક થવી જરૂરી છે. જાેકે, ૨૦૨૧માં ૧૦ માર્ચ સુધી રૂા.૯૧૧.૭૮ કરોડની આવક થઈ હતી. તેથી ૨૦૨૧-૨૨માં મિલ્કતવેરાની આવકમાં ૧૦.૬૩ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૮૧.૦૮ કરોડની આવક થઈ છે.
પ્રોફેશનલ ટેક્ષની આવકમાં ૨૨.૧૩ ટકાનો વધારો થયો છે. જ્યારે વાહનવેરાની આવકમાં ૫૧ ટકાનો અસામાન્ય વધારો થયો છે. ૨૦૨૦-૨૧માં વાહનવેરાની કુલ આવક રૂા.૮૧.૫૦ કરોડ થઈ હતી. જેની સરખામણીએ ૨૦૨૧-૨૨માં વાહનવેરાની કુલ આવક રૂા.૧૨૧.૧૩ કરોડ થઈ છે.
મ્યુનિ.કોર્પાેરેશનની તિજાેરીમાં મિલ્કત, વાહન તથા વ્યવસાય વેરા પેટે કુલ રૂા.૧૩૧૨.૯૦ કરોડ જમા થયા છે. ૨૦૨૦-૨૧માં કુલ આવક રૂા.૧૩૮૨.૮૫ કરોડ થઈ હતી. આમ, પાછલા નાણાંકીય વર્ષની સરખામણીએ ૯૧ ટકા આવક વર્તમાન નાણાંકીય વર્ષમાં થઈ છે.
નાણાંકીય વર્ષના અંત સુધી વિવિધ ટેક્ષ પેટે રૂા.૧૪૫૦ કરોડની આવક થાય તેવી અપેક્ષા ખાતાકીય વડા, કમીટી ચેરમેન તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાખી રહ્યા છે.