મ્યુનિ. બગીચા વિભાગમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિ
ટ્રી-ગાર્ડ સપ્લાયમાં એક જ વ્યક્તિની ઈજારાશાહી- પશ્ચિમ ઝોન બગીચા ખાતામાં ‘ડમી’ મજુરો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદનમાં ચોમાસાની સિઝન પેહલાં કેટલાંક મુદ્દા પર પરંપરાગત રીતે કામ કરવામાં આવે છે. જેમાં એપ્રિલ મહિનાના અંતમાં ‘પ્રિ-મોન્સુન’ પ્લાન તૈયાર થાય છે. એવી જ રીતે બગીચા વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે રોપા અને તેની જાળવણી માટે ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવે છે. ચાલુ વરસે પણ ટ્રી-ગાર્ડની ખરીદી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.
તેની મંજુરી માટે સતાધારી પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તથા ટ્રી-ગાર્ડ ખરીદીની દરખાસ્તને રીક્રીયેશન કમિટિ તથા સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા ‘ખો’ આપવામાં આવતી હતી. પરંતુ અંતે ‘ધાર્યુ ધણીનું જ થાય છે’ એ કહેવત યથાર્થ સાબિત થઈ છે. તથા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.
ટ્રી-ગાર્ડ સપ્લાયમાં એક જ વ્યક્તિ ઈજારાશાહી ચાલી રહી છે એવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે બગીચા ખાતામાં છેલ્લા દસ વર્ષથી ’ભૂતિયા’ મજુર કામ કરી રહ્યા હોવાની તેમજ દસ-બાર ફૂટ ઉંચાઈના વૃક્ષો ગાયબ થતાં હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવવા પામી છે.
મ્યુનિસિપલ કોર્પોેરશન દ્વારા દર વરસે જે ટ્રી-ગાર્ડ ખરીદ કરવામાં આવી રહ્યા છે તેમાં એક જ વ્યક્તિ ઈજારાશાહી ચાલી રહી છે. જેના કારણે જ લોખંડના બદલે પ્લાસ્ટીકના ટ્રી-ગાર્ડ ખરીદ કરવાના નિર્ણય પર હાલ પુરતી બ્રેક લગાવવામાં આવી છે. જાણકારોનું માનીએ તો ૬ જૂનના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ ટ્રી-ગાર્ડ ખરીદીની દરખાસ્ત મંજુરી માટે રજુ કરવામાં આવી હતી.
પરંતુ કમિટિએ સદર દરખાસ્ત પરત મોકલી હતી તથા પ્લાસ્ટીકના ટ્રી-ગાર્ડ મજબુત અને સસ્તા હોવાથી લોખંડના ટ્રી-ગાર્ડની દરખાસ્ત પરત મોકલવામાં આવી હોવાના કારણો આપવામાં આવ્યા હતા.
પરંતુ માત્ર સાત દિવસમાં જ સતાધારી પક્ષ દ્વારા લોખંડના ટ્રી-ગાર્ડની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા મંજુરી માટે રજુ થયેલ દરખાસ્ત કોઈપણ સંજાગોમાં પરત ન થાય એનું ધ્યાન ‘કમિશ્નર’ રાખી રહ્યા છે. પ્લાસટીક ટ્રી-ગાર્ડની ખરીદી પહેલાં વર્ષોથી લોખંડના ટ્રી-ગાર્ડ સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને નારાજ કરવો પોષાય તેમ ન હોવાથી રૂ.૩૯ લાખના ખર્ચથી ‘કમલ એન્ટરપ્રાઈઝ’ પાસેથી ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવશે.
સદર ટેન્ડરમાં જે બે પાર્ટી ક્વોલીફાય થઈ હતી તેમાં ‘કમલ એન્ટરપ્રાઈઝ તથા નીલ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વિગત એ છે કે આ બંન્ને સંસથાના માલિક એક જ છે. તથા ટેન્ડરમાં કમલ એન્ટરપ્રાઈઝનું ચાર ટકા ઓછા ભાવ આવ્યા હતા.
જ્યારે નીલ એન્ટરપ્રાઈઝ દ્વારા ચાર ટકા ઉંચા ભાવ આપવામાં આવ્યા હતા. બગીચા ખાતામાં આ બંન્ને સંસ્થાના એક જ માલિકની વરસોથી ઈજારાશાહી ચાલી રહી છે. જેના કારણે જ લોખંડના ટ્રી-ગાર્ડની અધ્ધરતાલ દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.
રી-ક્રીયેશન કમિટીની મીટીંગમાં સદર દરખાસ્ત મુદ્દે કોઈ જ ચર્ચા થઈ નહોતી. પરંતુ બગીચા વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવતા દસ-બાર ફૂટ ઉંચાઈના ઝાડરોપા ક્યાં લગાવવામાં આવ્યા છે. તેની માહિતી કમિટિ સભ્ય દ્વારા માંગવામાં આવી હતી. વિભાગ તરફથી વધુ ઉંચાઈના ઝાડ ખરીદ થાય છે કે કેમ?
તે પણ યક્ષ પ્રશ્ન હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. મ્યુનિસિપલ રીક્રીએશન કમિટી ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલને ટ્રી-ગાર્ડ ખરીદી તથા એક જ વ્યક્તિ બે અલગ અલગ નામથી ટેન્ડર ભરતા હોવા અંગે પ્રશ્ન કરતા તેમણે જણાવ્યુ હતુ કે ૩૧મી મેની બેઠકમાં લોખંડના ટ્રી-ગાર્ડની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તથા તે કામ ‘બાકી રાખવામાં આવ્યુ હતુ. પરંતુ માનવીય ભુલના કારણે સદર દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ થઈ હતી.
૬ જૂનની સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં જલધારા વાટર પાર્ક અને ટ્રી-ગાર્ડ ખરીદીની દરખાસ્ત એક સાથે રજુ થઈ હતી. સંકલન વિભાગની ભૂલ ધ્યાન પર આવતા કમિટિ ચેરમેનને કામ પરત કરવા વિનંતી કરી હતી. તેથી સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નહોતો.
જ્યારે પ્લાસ્ટીક ટ્રી-ગાર્ડની ખરીદી માટે ‘શોર્ટ ટર્મ’ ટેન્ડર જાહેર કરવામાં આવશે. પાંચ સાત વોર્ડમાં લોખંડના ટ્રી-ગાર્ડ લગાવવામાં આવશે. ટ્રી-ગાર્ડ સપ્લાયમાં ‘વન-મેન’ શો ચાલી રહ્યા હોવા બાબતે ભૂતકાળમાં આ પ્રકારની ફરીયાદો મળી હતી. તેથી તે અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તેમજ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ બગીચા વિભાગમાં ટ્રી-ગાર્ડ અને પ્લાન્ટેશન ખરીદીમાં ગેરરીતી તો થાય જ છે સાથે સાથે ’ભૂતિયા’ મજુરોનું કૌભાંડ પણ ચાલી રહ્યુ છે. વાડજ વિસ્તારના રહીશ ધર્મેન્દ્રભાઈ શ્રીમાળીએ ર૦૧૦ની સાલમાં પશ્ચિમ ઝોન બગીચા વિભાગમાં ‘રોજીંદા મજુર’ ની નોકરી માટે અરજી કરી હતી. પરંતુ જવાબદાર વ્યક્તિ તરફથી તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. તેથી તેઓ અન્ય સંસ્થામાં નોકરીએ જાડાઈ ગયા હતા.
ત્રણ મહિના પહેલાં તેમની માતાનું મૃત્યુ થતાં તેઓ ઉસ્માનપુરા સિવિક સેન્ટરમાં મરણનો દાખલો લેવા ગયા હતા. તે સમયે તેમને ેજૂની અરજી કર્યાનું યાદ આવતા તપાસ કરવા ગયા હતા. તે સમયે તેમને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. ધર્મેન્દ્રભાઈ શ્રીમાળીના જણાવ્યા અનુસાર ર૦૧૦માં તે એક વ્યક્તિ દ્વારા રપ થી ૩૦યુવાનો પાસેથી છાપેલા ફોર્મમાં અરજી લેવામાં આવી હતી. ત્યારબાદ તે વ્યક્તિ ગાયબ થઈ ગઈ હતી. તથા પશ્ચિમ ઝોન બગીચા વિભાગથી પણ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.
ત્રણ મહિના પહેલાં તેઓ રૂબરૂ ગયા હતા તયારે હાજર કર્મચારીએ ‘ધર્મેન્દ્રભાઈ શ્રીમાળી’ ર૦૧૦થી રોજીંદા મજુર તરીકે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ. તથા ર૦૧૦ની સાલમાં રપ૩ દિવસની હાજરી ભરવામાં આવી હતી. તેનું પત્રક પણ આપ્યુ હતુ. તેથી મારા નામથી અન્ય કોઈ લાગતા વળગતાને કામ પર રાખવામાં આવ્યા છે તથા મારા સાથે છેતરપીંડી કરવામાં આવી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.