Western Times News

Gujarati News

મ્યુનિ. બોર્ડમાં ગરીબ આવાસ યોજના મામલે શાસક- વિપક્ષ આમને સામને

ભાજપ કોર્પોરેટરના સગાને નિયમ વિરૂધ્ધ મકાન ફાળવણી થઈ: ઉચ્ચ અધિકારીઓ રોકડમાં એલાઉન્સ લઈ ઈન્કમટેક્ષ બચાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી માસિક સામાન્ય સભામાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિમાં ચેરમેન મહાદેવ દેસાઈ ભ્રષ્ટાચાર કરતા હોવાનું વિપક્ષના નેતાએ કહેતા ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો.

ભાજપના કોર્પોરેટરોએ ઉભા થઇ અને વિપક્ષના નેતાને માફી માંગવા માટે કહ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા અને સામ સામે નારેબાજી કરી હતી મેયર કિરીટ પરમારે પણ શબ્દ પાછા ખેંચો એવું વારંવાર કહ્યું હતું છતાં પણ તેઓએ પોતાના શબ્દો પાછા ન કરતા આખરે બોર્ડને બંધ કરવાની ફરજ પડી હતી. મ્યુનિ. બોર્ડના ઝીરો અવર્સ દરમિયાન કોંગ્રેસે ઉચ્ચ અધિકારીઓના એલાઉન્સ તથા બાઉન્સર સીસ્ટમ પર આકરા પ્રહાર કર્યા હતાં.

મ્યુનિ. કોર્પોરેશનની વાર્ષિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે ગરીબો માટેની આવાસ યોજના સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મણિનગર વોર્ડના રામગલી વિસ્તારમાં ર૦૧૬ની સાલમાં પાકા મકાન માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે છેલ્લા છ વર્ષમાં તે સ્થળે માત્ર રપ ટકા જેટલું જ કામ થયું છે જેની સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે.

દરમિયાન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે ઓઢવના આવાસો અંગે ટકોર કરી હતી જેની સામે પ્રહાર કરતા શહેજાદ પઠાણે જણાવ્યું હતું કે સદ્‌ર આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ભાજપના કોર્પોરેટરોના સગાને મકાન ફાળવણી કરવામાં આવી છે.

તાજેતરમાં જ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓઢવ ઇન્દિરા નગર આવાસ યોજનાના મકાનના ઉદઘાટન કર્યા તેમાં ઓઢવના કોર્પોરેટર નીતાબેન દેસાઈના નણંદને મકાન ફાળવવા આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપના કોર્પોરેટરના સગાને ફાળવવામાં આવેલા મકાન ના પગલે ભાજપના સત્તાધીશોએ તમામ કોર્પોરેટરો સાથે મેયર ઓફિસમાં મીટીંગ કરી હતી અને નીતાબેન પાસે આ મામલે સમગ્ર માહિતી પણ માંગી હતી. ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન શહેજાદ પઠાણે ડેપ્યુ. મ્યુનિ. કમિશ્નરોને આપવામાં આવતા એટેન્ડન્ટ એલાઉન્સ અંગે પણ રજુઆત કરતા જણાવ્યું હતું કે ર૦૦રની સાલમાં જે ડેપ્યુટી કમિશ્નરોને કોર્પોરેશન દ્વારા મકાન ફાળવવામાં આવ્યું હોય તેમને એટેન્ડન્ટ એલાઉન્સ આપવા માટે ઠરાવ થયો નહોતો.

ત્યારબાદ અધિકારીઓએ તેમની મનસુબી મુજબ સવલત વધારવા માટે સદ્‌ર ઠરાવમાં ચાર વખત ફેરફાર કર્યા હતાં તથા ડેપ્યુટી કમિશનરોની સાથે સાથે ચીફ ઓડીટર અને મ્યુનિ. સેક્રેટરીનો પણ સમાવેશ કર્યો છે જે નિયમ વિરૂધ્ધ છે. શરમજનક બાબત એ છે કે આ અધિકારીઓ રોકડમાં એલાઉન્સ લઈ રહયા હોવાથી પરોક્ષ રીતે ઈન્કમટેક્ષની ચોરી પણ કરી રહયા છે તે તરફ પણ ધ્યાન આપવું જરૂરી બને છે. જાેકે મ્યુનિ. કમિશ્નર લોચન શહેરાએ સ્ટેન્ડીંગ કમિટિ ઠરાવ વાંચી સંભળાવી કોંગી નેતાના આક્ષેપને રદીયો આપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.