મ્યુનિ. બોર્ડમાં રાઈડ્સ દુર્ઘટના મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે “સંવાદ” થયો !
કોંગ્રેસે આક્રમક રજુઆત કરવાના બદલે સવાલો પુછીને સંતોષ માન્યો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિ.કોર્પોરેશનની માલિક સામાન્ય સભામાં કાંકરીયા દુર્ઘટના મામલે ઉગ્ર રજુઆત કરવાની તક વિપક્ષ કોગ્રેસે ગુમાવી હતી. તથા “ઝીરો અવર્સ” માત્ર પ્રશ્નોતરી કાળ સમાન રહયો હતો. કાંકરીયા દુર્ઘટના મામલે કોગ્રેસે દ્વારા શાસકોને ભીંસમાં લેવામાં આવશે તેવી ધારણા ખોટી સાબિત થઈ હતી તથા અગાઉથી “ફીંકસીગ” કરવામાં આવ્યું હોય તેમ કોગી નેતા સવાલ કરતા હતા અને સ્ટેન્ડીંગ ચેરમેન જવાબ આપી રહયા હતા.
વિપક્ષ દ્વારા કયા સવાલ પુછવામાં આવશે તેની આગોતરી માહિતી શાસકોને મળી ગઈ હોય તેમ તમામ જવાબ લેખીત પુરાવા સાથે આપવામાં આવ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.
મ્યુનિ. વિપક્ષી નેતાએ રજુઆત કરતાં જણાવ્યું હતું આટલી મોટી હોનારત થયા બાદ દર્દીના સ્વજનો પાસેથી એમ.આર.આઈ. માટે નાણા લેવામાં આવ્યા હતા. સદ્દર સ્થળે વૈશ્વીક કક્ષાનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે તંત્ર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જે રાઈડસ તુટી હતી તે “એસેમ્બલ” કરવામાં આવી હતી. કોન્ટ્રાકટરે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની રાઈડ્સ ખરીદી ન હતી.
મેયર અને મ્યુનિ. કમીશ્નરે “અમારી જવાબદારી નથી” તેવા નિવેદન કર્યા હતા જે આઘાતજનક છે. આટલી મોટી દુર્ઘટના થઈ હોય ત્યારે જવાબદારી નકકી કરવામાં આવે તે જરૂરી છે. આર એન્ડ બી દ્વારા દર વર્ષે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવે છે. જેની ૧૪ શરતોનું પાલન કરાવવાની જવાબદારી મ્યુનિ. કોર્પોરેશનની ૬ જુલાઈ ના રીપોર્ટમાં નટ બોલ્ટ બદલવાની તાકીદ કરવામાં આવી હતી.
તેમ છતાં તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. જેના માટે લેઈક ફ્રન્ટના ઉચ્ચ અધિકારીની જવાબદારી રહે છે. રીવરફ્રન્ટ ખાતે થયેલ રાઈડ્સ ની નાની દુર્ઘટના સમયે મેયરે આ પ્રકારની દુર્ઘટના ફરી નહી થાય” તેની ખાત્રી આપી હતી તો પછી કાંકરીયા દુર્ઘટના કેવી રીતે થઈ ? સદ્દર દુર્ઘટનામાં એ વ્યકિત ના મૃત્યુ થયા છે. તેમને રાજય સરકારે સહાય જાહેર કરી છે.
પરંતુ ઈજાગ્રસ્તો માટે પણ સહાય જાહેર કરવી જરૂરી છે. ર૦૧૭ની સાલમાં તત્કાલીન ડે.મ્યુનિ. કમીશ્નર સી.આર.અરસાણે રાઈડ્સની દર અઠવાડીયે ચકાસણી કરી નેતા રીપોર્ટ કરવા પરિપત્ર કર્યો હતો. તેનો પણ પુર્ણ અમલ થતો નથી. નાગરીકો પાસેથી દંડ લેવાનો હોય તો એક જ દિવસમાં પોલીસી તૈયાર થઈ જાય છે. જયારે નાગરીકોની સલામતી નો પ્રશ્ન આવે છે. ત્યારે વર્ષો પસાર થઈ જાય છે. મ્યુનિ. કમીશ્નરે “જેટ”માં દંડની રકમ લેવા માટે પરિપત્ર કર્યા છે.
ભૂતકાળમાં નાગરીકો પાસેથી દંડ લેવા માટે સ્ટેન્ડીગ કમીટી અને મ્યુનિ. બોર્ડની મંજૂરી લેવામાં આવતી હતી. તેથી “જેટ” માટે પણ આ જરૂરી છે. કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં સતાધીશો મૌન રહયા હતા. જયારે કમીશ્નરે જી.પી. એમ.સી. એકટ માં આપેલ સત્તા મુજબ દંડ લેવામાં આવી રહયો હોવાનો ખુલાસો કર્યો હતો.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ ના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ ડોર ટુ ડમ્પની કામગીરીનો સર્વે કરવા માટે રજુઆત કરતા જણાવ્યું હતું કે બમણા ભાવ આપવામાં આવ્યા બાદ પણ ડોર ટુ ડમ્પમાં લાલીયાવાડી ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશને સ્વચ્છતા સર્વેક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ નાગરીકોને “ડસ્ટબીન” આપવા માટે નનૈયો ભણે છે. તે બાબત અજુગતી લાગી રહી છે.
કોર્પોેરેટર બજેટમાંથી પણ ડસ્ટબીન આપી શકાતા નથી. ગરીબ નાગરીકો સ્વ-ખર્ચે ડસ્ટબીન ખરીદી શકતા નથી. તેથી તંત્ર દ્વારા આ મુદ્દે ફેર-વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચક્રમાંક મળ્યા બાદ સહુ હરખાઈ રહયા છે. પરંતુ હોદેદારો એ ૪૮ વોર્ડમાં રૂબરૂ પરીક્ષણ કરવા જરૂરી છે. સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓ કામ કરતા નથી. તથા સફાઈની અંગે જવાબદારી લેવા તૈયાર નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કાંકરીયા દુર્ઘટના મામલે ઉગ્ર રજુઆત કરવાની તક કોગ્રેસે ગુમાવી હોય તેમ માનવામાં આવે છે. કોગ્રેસ દ્વારા આ મામલે શાસકોને ભીંસમાં લેવામાં આવશે તેવી ધારણા હતી. જેના બદલે અગાઉથી ફીકસીગ હોય તેમ કોગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર સંવાદ થયા હતા. વિપક્ષી નેતા રજુઆત કરવાના બદલે પ્રશ્ન પુછતા હતા તથા સ્ટેન્ડીંગ ચેરમેન તેના જવાબ આપી રહયા હતા.
તેથી સ્ટેન્ડીંગ ચેરમેનને તમામ પ્રશ્નો અને જવાબની નોધ અગાઉથી મોકલવામાં આવી હોય તે બાબત સ્પષ્ટ થતી હતી. વિપક્ષી નેતાએ એસેમ્બલ રાઈડ્સ માટે આક્ષેપ કરવામાં આવે ત્યારે સ્ટેન્ડીંગ ચેરમેન એમ ઓયુમાં એસેમ્બલ રાઈડ્સની વાપરવા અંગે ઉલ્લેખ નથી તેવો જવાબ આપી કોન્ટ્રાકટર ને બચાવવા પ્રયાસ કર્યા હતા.
તેવી જ રીતે સુરેન્દ્રભાઈ બક્ષીએ ડસ્ટબીન માટે રજુઆત કરી ત્યારેમેયરે “નાગરીકો એ જાતે જ ખરીદવાના રહેશે” તેવો જવાબ આપ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશનના આ બે ઉચ્ચ હોદેદારોના જવાબમાંનાગરીકની કોઈ દરકાર ન હોય તેવા ભાવ જાવા મળ્યા હતા. તેવી ચર્ચા પણ ચાલી રહી છે.