મ્યુનિ.ભવનનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં સમાવેશ કરવો પડે તેવી પરિસ્થિતિ
મ્યુનિ.મધ્યસ્થ કાર્યાલયમાં એક મહિનામાં ૪૦ કેસ નોંધાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના તમામ સાત ઝોનમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જ્યારે દાણાપીઠ મધ્યસ્થ કાર્યાલયની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. તથા મ્યુનિ.ભવનને “કન્ટેન્મેન્ટ ઝોન” જાહેર કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મ્યુનિ.ભવનમાં છેલ્લા એક મહિનામાં ૪૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે મુલાકાતીઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. મ્યુનિ.ભવનમાં કોરોના ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલા કીઓસ્કમાં રોજ છથી સાત પોઝીટીવ કેસ કન્ફર્મ થઈ રહ્યાં છે.
શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયા બાદ અત્યાર સુધી મનપાના ૭૦૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં ફ્રન્ટલાઈન વોરીયર્સ તેમજ વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોરોના કહેરના કારણે મ્યુનિ.હોદ્દેદારો અને કમીશનર લગભગ પાંચ મહિના સુધી દાણાપીઠ કાર્યાલય આવ્યા ન હતા.
મ્યુનિ.ભવનમાં છેલ્લા એક માસમાં કોન્ટ્રાક્ટરો અને મુલાકાતીઓની અવર જવર વધવાના કારણે સંક્રમણમાં વધારો થયો છે. તથા લગભગ ૩૦ દિવસમાં જ ૪૦ કરતાં વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. જ્યારે એક કર્મચારીનું અવસાન થયું છે. સૂત્રો એ જણાવ્યા મુજબ ગત ૧૩ ઓક્ટોબરે હાઉસીંગ સેલ વિભાગમાંથી પ્રથમ કેસ કન્ફર્મ થયો હતો. ત્યારબાદ અલગ-અલગ વિભાગમાંથી કોરોના કેસ મોટી સંખ્યામાં બહાર આવવાની શરૂઆત થઈ હતી જે હજી સુધી યથાવત છે.
મ્યુનિ.ઓડીટ વિભાગના ચાર તેમજ પ્લાનીંગ વિભાગમાંથી ચાર પોીટીવ કેસ જાહેર થયા બાદ બંને ઓફીસને અન્યત્ર શીફ્ટ કરવામાં આવી હતી. તેમ છતાં સંક્રમણમાં ઘટાડો થયો નહતો. પરંતુ તબક્કાવાર અન્ય વિભાગોમાં પણ કોરોનાનો કહેર જાેવા મળ્યો હતો. મ્યુનિ.નાણાં વિભાગમાંથી ત્રણ, મિલ્કતવેરા વિભાગમાં ત્રણ, હાઉસીંલ સેલના બે, રીવરફ્રન્ટ વિભાગના એક, આઈ.આર.ખાતામાંથી એક તથા ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના એક કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા.
આ દરમ્યાન રોડ પ્રોજેક્ટ ખાતામાંથી પણ ચાર કેસ કન્ફર્મ થયા હતા. ગત મંગળવારે વોટર પ્રોજેક્ટ ખાતામાંથી ચાર કેસ પોઝીટીવ જાહેર થયા બાદ બુધવારે વધુ એક અધિકારી સંક્રમિત થયા હતા. જ્યારે હેરીટેઝ વિભાગમાં ફરજ બજાવતાં ત્રણ કર્મચારીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે. પશ્ચિમ ઝોનના વાસણા અને નવરંગપુરા વોર્ડના ઈજનેર કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઈન્ડ.રીલેશન વિભાગના એક ઉચ્ચ અધિકારી ચાર નવેમ્બરે સંક્રમિત જાહેર થયા તેના બે કલાક પહેલાં જ મ્યુનિ.હોદ્દેદારો સાથે “અપીલ સબ કમીટી”માં હાજર રહ્યા હતા.
મ્યુનિ.ભવનના મુજબ કાર્યાલયમાં ફરજ બજાવતાં કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે. તેમ છતાં કાર્યાલયમાં અવર-જવર પર કોઈજ રોકટોક થતી નથી. તથા બિનજરૂરી રીતે કેમ્પસમાં બેસી રહેતા નાગરીકોની સંખ્યા વધી રહી છે. જ્યારે મ્યુનિ.ભવનના મુખ્ય બિલ્ડીંગમાં પ્રવેશ કરનાર લોકોના ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવતી નથી. દિવાળીનો સમય હોવાથી કોન્ટ્રાક્ટરોની અવર જવર પણ વધી રહી છે. સામાન્ય રીતે કોઈ એક બિલ્ડીંગમાં ત્રણ કે ચાર કેસ નોંધાય તો તેને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવે છે. જ્યારે મ્યુનિ.ભવનમાં એક મહિનામાં ૪૦ જેટલાં કેસ નોંધાયા છતાં સાવચેતીના નામે શૂન્ય બરાબર છે.
મ્યુનિ.ભવનના કેમ્પસમાં કોરોના એન્ટીજન ટેસ્ટ માટે કીઓસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મ્યુનિ.કર્મચારીઓ અને મુલાકાતીઓની ટેસ્ટ થઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કીઓસ્કમાં રોજ સરેરાશ ૬૦ જેટલાં ટેસ્ટ થાય છે. જેની સામે પાંચ જેટલા પોઝીટીવ કેસ આવે છે. બુધવારે ૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૦૬ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા હતા તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.