અમદાવાદ મ્યુનિ. ભવનમાં “કોરોના લહેર”
વોટર પ્રોજેક્ટ વિભાગના ચાર કર્મચારી સંક્રમિત થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન તરફથી જાહેર કરવામાં આવતા કેસના આંકડા ઘણા સમયથી સ્થિર થઈ ગયા છે. જ્યારે કીઓસ્ક અને અર્બન હેલ્થ સેન્ટરો પર થતા ટેસ્ટ અને પોઝીટીવ કેસની સંખ્યા અલગ જ ચિત્ર રજૂ કરે છે. મ્યુનિ.કોર્પાેરેશનના મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ કોરોના લહેર જાેવા મળી રહી છે. તથા ૬ માળ બાદ હવે પાંચમા માળે પણ કોરોના પોઝીટીવ કેસ બહાર આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મ્યુનિ.કોર્પાેરેશનના દાણાપીઠ કાર્યાલય ખાતે કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગત સપ્તાહ દરમ્યાન ચીફ ઓડીટર ઓફીસ, પ્લાનીંગ વિભાગ, પ્રોફેશનલ ટેક્ષ તથા પ્રોપર્ટી ટેક્ષના કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. જેના કારણે મુખ્ય કાર્યાલયના ૬ઠ્ઠા માળે આવેલી ચીફ ઓડીટર તેમજ આયોજન વિભાગની ઓફીસ અન્ય શીફ્ટ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં મ્યુનિ.ભવનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે મ્યુનિ.ભવનના પાંચમા માળે આવેલ વોટર પ્રોજેક્ટ વિભાગના ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે કાર્યાલય કેમ્પસના કીઓસ્કમાં રીપોર્ટ કરાવવા કર્મચારીઓની કતાર જાેવા મળી હતી. અગાઉ, રોડ પ્રોજેક્ટ ખાતાના પણ ત્રણ કર્મચારી કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.
હાલ તેઓ સારવાર હેઠળ છે. જ્યારે બગીચા વિભાગના પણ આઠ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી ચાર એક્ટીવ કેસ છે. બગીચા ખાતાના આસી.ડાયરેક્ટર દિલીપ પટેલ પણ સંક્રમિત થયા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.