મ્યુનિ. ભવનમાં નવા વરસે કોરોના વિસ્ફોટ: પાંચ દિવસમાં રપ જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોમાં જ કોરોના ફરીથી વકરી રહયો છે તથા ખુબ જ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે મ્યુનિ. કોર્પોરેશનના સાત ઝોનમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના મધ્યસ્થ કાર્યાલયની પરિસ્થિતિ અત્યંત ભયજનક બની રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલયમાં દિવાળી પહેલા ૪૦ જેટલા કેસ નોંધાયા હતા જયારે નવા વર્ષમાં જ વધુ રપ જેટલા કેસ બહાર આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના સંક્રમણના કારણે ઈજનેર વિભાગની ઓફીસો બંધ કરવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદ મહાનગર સેવા સદનના દાણાપીઠ કાર્યાલય ખાતે વધુ એક વખતકોરોના વિસ્ફોટ થયો છે. દાણાપીઠ કાર્યાલયના મુખ્ય બિલ્ડીંગના પાંચમા માળે આવેલી ઈજનેર વિભાગની વિવિધ ઓફીસમાં રપ જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે.
સુત્રોએ જણાવ્યા મુજબ દિવાળી તહેવાર પહેલા વોટર પ્રોજેકટ વિભાગમાં પાંચ કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા હતા જયારે નવા વર્ષમાં વધુ ૧૩ કર્મચારીઓ સંક્રમિત થયા છે. વોટર પ્રોજેકટ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ થી ર૦ કર્મચારીઓ કોરોના પોઝીટીવ કન્ફર્મ થયા છે. જેના કારણે સદર વિભાગની ઓફીસ બંધ કરવામાં આવી છે.
વિભાગના એડીશનલ ઈજનેર સિવાય અન્ય કર્મચારીઓ કોરોનાના કારણે હાજરી આપતા નથી. વોટર ઓપરેશન વિભાગમાં ફરજ બજાવતા ડે. ઈજનેર કક્ષાના અધિકારી પણ સંક્રમિત થયા છે. જયારે ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના એડીશનલ ઈજનેર અને આસી. ઈજનેર પણ કોરોના ઝપટમાં આવ્યા છે. રોડ પ્રોજેકટ ખાતાના ચાર કર્મચારી પણ કોરોનાના કારણે આઈસોલેટ થયા છે. તદ્પરાંત દક્ષિણ ઝોનના એડીશનલ ઈજનેર પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. આ તમામ કેસ નવા વર્ષના પ્રથમ પાંચ દિવસમાં જ આવ્યા છે.
મ્યુનિ. બગીચા વિભાગમાં પણ કોરોનાનો આતંક જાેવા મળી રહયો છે.
દાણાપીઠ ખાતે બગીચા વિભાગના મધ્યસ્થ કાર્યાલયમાં ફરજ બજાવતા આસી. ડાયરેકટર અને કલાર્ક સંક્રમિત થયા છે. જયારે એક સપ્તાહ પહેલા અન્ય એક આસી. ડાયરેકટર પોઝીટીવ જાહેર થયા હતા. જેના કારણે બગીચા વિભાગની મધ્યસ્થ ઓફીસ હાલ પુરતી બંધ કરવામાં આવી છે. બગીચા વિભાગમાં કોરોનાના ૧પ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી પાંચ એકટીવ કેસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી તહેવારો પહેલા દાણાપીઠ મુખ્ય કાર્યાલયના છઠ્ઠા માળને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવાની ફરજ પડી હતી તથા ચીફ એડીટર અને પ્લાનીંગ વિભાગની ઓફીસ અન્ય સ્થળે શીફટ કરવામાં આવી હતી હેરીટેઝ વિભાગના ચાર કર્મચારીઓ, નાણાં વિભાગના ત્રણ, ઈન્ડ. રીલેશન વિભાગના એક, હાઉસીંગ પ્રોજેકટ ખાતાના બે મિલ્કતવેરા વિભાગના એક તથા વ્યવસાયવેરાના એક કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા હતા. જયારે રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનાના કારણે મૃત્યુ થયુ હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.