મ્યુનિ. ભાજપ- કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર મુદ્દે બાખડ્યા
વિપક્ષી નેતાના આક્ષેપ સામે ભાજપ નેતાએ વળતો પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે “મને ન શીખવો હું બિલ્ડર છું”, ભાજપ નેતાના સદ્ર નિવેદન સામે કોંગી નેતા એ પણ કહયુ
પ્રજાના પ્રશ્નોની ચર્ચા વિના સભા આટોપાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નગરજનોની મુશ્કેલીઓ અને વ્યથા રજુ કરવા માટે દર મહીને મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય બેઠક થાય છે જેમાં વિપક્ષ દ્વારા નાગરીકોની ફરીયાદો અંગે રજુઆત થતી હોય છે. પરંતુ શહેરના નગરસેવકોને નાગરીકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં કોઈ જ રસ હોય તેમ લાગી રહયુ નથી
જેના કારણે જ સતત બીજા મહીને આક્ષેપ- પ્રતિ આક્ષેપો વચ્ચે સોમવારે મળેલી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા આટોપાઈ ગઈ હતી જેના કારણે નાગરીકોએ તેમની પ્રાથમિક સુવિધા માટે વધુ એક મહીનો પ્રતિક્ષા કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં ઝીરો અવર્સની ચર્ચા વિપક્ષના બદલે શાસક પક્ષે શરૂ કરી હતી મ્યુનિ. ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટે વિપક્ષ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે કોંગી નેતા સભાગૃહને ગેરમાર્ગે દોરી રહયા છે.
માર્ચ મહીનાની સામાન્ય મીટીંગમાં વિપક્ષી નેતા સહેજાદખાન પઠાણે આવાસ યોજનાના મકાનોના કોન્ટ્રાકટમાં વ્યાપક ગેરરીતી થઈ હોવાની રજુઆત કરી હતી તથા તે મુદ્દે અલગથી પ્રેસ રીલીઝ પણ કરી હતી વિપક્ષી નેતા ના સદ્ર આક્ષેપ પાયાવિહોણા છે ટેન્ડર ર૦૧૬-૧૬ના એસઓઆર મુજબ તૈયાર કરવામાં આવ્યુ છે
જેમાં સ્ટીલ- સિમેન્ટના ભાવ ઘણા ઓછા હતા તેમ છતાં કોન્ટ્રાકટરને કોઈ જ ભાવ વધારો આપવામાં આવશે નહિ. તદ્પરાંત બાંધકામના કાર્ટ એરિયા મુજબ નકકી કરવામાં આવ્યા છે. જયારે ખાનગી બિલ્ડરો રોડ, સીડી, લીફટ, બગીચા વગેરેના ક્ષેત્રફળનો પણ બાંધકામમાં સમાવેશ કરે છે.
મ્યુનિ. ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ ના આક્ષેપ સામે પ્રતિ આક્ષેપ કરતા કોંગી નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યુ હતું કે ર૦૧પના એલ.ઓ.આર. મુજબ કામ આપવામાં આવી રહયા છે તેની સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ છે તે સમયે બાંધકામનો ભાવ પ્રતિ ચો.મી. રૂા.૧ર હજાર હતો તેમ છતાં રૂા.ર૧ હજારના ભાવ નકકી કરવામાં આવ્યા છે.
તદ્પરાંત કામની ગુણવત્તા પણ અત્યંત નબળી હોય છે. ખાનગી બિલ્ડરો આર.સી.સી રોડ, બગીચા, લીફટ વગેરે સુવિધા આપે છે. વિપક્ષી નેતાના આક્ષેપ સામે ભાજપ નેતાએ વળતો પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે “મને ન શીખવો હું બિલ્ડર છું”, ભાજપ નેતાના સદ્ર નિવેદન સામે કોંગી નેતા એ પણ કહયુ હતું કે “તેઓ પણ બિલ્ડર છે તથા બાંધકામ અંગે તમામ માહિતીથી વાકેફ છે.”
મ્યુનિ. બોર્ડમાં ભાજપ અને વિપક્ષના નેતા વચ્ચે ચડભડ ઉગ્ર બની હતી. ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટે વિપક્ષી નેતાને બે બોર્ડ સસ્પેન્ડ કરવા માટે રજુઆત કરી હતી જેની સામે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ વ્યકત કર્યો હતો જેની સામે ભાજપના કોર્પોરેટરો પણ બેઠક પરથી ઉભા થઈ ગયા હતા તથા સામ સામે આક્ષેપબાજી અને ધક્કા મુક્કી બાદ અધ્યક્ષ સ્થાનેથી બોર્ડ બંધ કરવામાં આવ્યું હતું.