મ્યુનિ. માસિક સભામાં કોરોના- તૂટેલા રોડ મુદ્દે શાસક પક્ષ ભીંસમાં આવ્યો
તંત્ર દ્વારા કેસ- મરણના આંકડા છુપાવવામાં આવી રહયા છે : સુરેન્દ્ર બક્ષી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી માસિક સામાન્ય સભામાં કોરોના રોગચાળો, તંત્ર દ્વારા છુપાવવામાં આવતા કેસ અને મરણનાં આંકડા, તૂટેલા રોડ- રસ્તા અને ગાયો મામલે કોંગ્રેસ દ્વારા આક્રમક રજુઆત કરવામાં આવી હતી.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનિયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષી તેમજ વિપક્ષી નેતા દિનેશ શર્માએ ઝીરો અવર્સમાં કોરોના મામલે અધિકારીઓ અને શાસક પક્ષને આડા હાથે લીધા હતા તેમણે ઉગ્ર રજુઆત કરતા જણાવ્યુ હતુ કે શહેરમાં માર્ચ મહીના દરમ્યાન કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ ૩૩ હજાર કરતા વધુ કેસ કન્ફર્મ થઈ ચૂકયા છે. પરંતુ અગમ્ય કારણોસર વહીવટીતંત્ર દ્વારા કેસ ના સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી. છેલ્લા બે મહીના દરમ્યાન એક જ પરિવારના પાંચ-છ સભ્યો કે એક જ સોસાયટીના ૧પ થી ર૦ સભ્યો પોઝીટીવ આવ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
મેગા ટેસ્ટીંગ ડ્રાઈવ દરમ્યાન પણ મણીનગર વોર્ડમાં ૧૪૦ કેસ મળ્યા હતા તેમ છતાં તે દિવસે કુલ કેસની સંખ્યા ૧પ૦થી ૧૬૦ જ જાહેર કરવામાં આવે છે. એક જ વોર્ડમાં ૧૪૦ કેસ નોંધાયા હોય તો બાકી ૪૭ વોર્ડમાં શુ માત્ર ર૦ કેસ જ નોંધાયા હતા ? કોરોના કેસની જેમ મરણ ના આંકડા પણ છુપાવવામાં આવી રહયા છે. તંત્ર દ્વારા ર૪ સપ્ટેમ્બર સુધી કુલ ૧૭૬૦ જેટલા મરણ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે.
મે મહીનામાં સરેરાશ કરતા બમણા મૃત્યુ સ્મશાનગૃહોમાં નોંધાયા હતા. મે-ર૦૧૯માં તમામ સ્મશાનગૃહોમાં ૩૦૬૬ મૃત્યુ રજીસ્ટર્ડ થયા હતા જેની સામે મે- ર૦ર૦માં ૭૧ર૮ મરણ નોંધાયા હતા. ર૦૧૯ના જાન્યુઆરીથી મે મહીના સુધી પાંચ મહીનામાં ૧૭૧ર૩ મરણ નોંધાયા હતા જયારે જાન્યુઆરીથી મે ર૦ર૦ સુધી રર૦પ૪ મૃત્યુ રજીસ્ટર્ડ થયા છે. શહેરમાં પાણી કે મચ્છરજન્ય રોગચાળાથી એક પણ મૃત્યુ થયુ નથી તેવા દાવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તો ગત્ વર્ષ કરતા વધુ નોંધાયેલ મરણ કયા કારણોસર થયા છે ? તંત્રના દાવા મુજબ કોરોનાથી ઓછા મૃત્યુ થયા હોય તો ત્રણ હજાર જેટલા વધુ મૃત્યુ કયા કારણોસર થયા છે તેની માહિતી જાહેર કરવી જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેટર દ્વારા કોરોના કેસ અને મરણ અંગે માહિતી માંગવામાં આવે તો પણ અધિકારીઓ આપતા નથી.
શહેરમાં દર વરસે કરોડો રૂપિયાના ખર્ચથી નવા રોડ- રસ્તા બનાવવામાં આવે છે. રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા જ નવા રોડ માટે રૂા.રપ૦ થી ૩૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. જયારે ઝોન લેવલથી રોડ માટે અલગથી ખર્ચ થાય છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી જાય છે અને નાગરીકો “ડીસ્કો રોડ” પર વાહન ચલાવવા મજબુર બની જાય છે. પૂર્વ કમિશ્નર ગુરુપ્રસાદ મહાપાત્રેએ રોડ કામ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી હતી તેનો અમલ થઈ રહયો નથી તે સ્પષ્ટ બાબત છે તેવી જ રીતે દર વરસે ૬૦ થી ૭૦ જેટલા ભુવા પણ પડી રહયા છે.
પ્રતિ કીલોમીટર રૂા.આઠ કરોડના ખર્ચથી તૈયાર થયેલ જનમાર્ગ રોડ ઉપર પણ ભુવા પડી રહયા છે તે અત્યંત શરમજનક બાબત છે શહેરમાં રખડતા ઢોરોને ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા પકડવામાં આવે છે. તંત્ર દ્વારા પકડવામાં આવેલ ઢોર પૈકી મુળ માલિક દ્વારા લઈ જવામાં આવ્યા ન હોય તેવા ઢોર ના બારોબાર સોદા થતા હોવાની વિગતો બહાર આવી હતી તેથી તે મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગણી પણ તેમણે કરી હતી.