મ્યુનિ. મિલ્કતવેરાની આવકમાં રૂા.૧૪૦ કરોડનો ઘટાડો
એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત લંબાવવા માંગણી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: કોરોના કહેર અને લોકડાઉનની અસર સામાન્ય માનવીની જેમ મ્યુનિ. કોર્પોરેશનને પણ થઈ છે. લોકડાઉનના કારણે મનપામાં આર્થિક કટોકટીનું નિર્માણ થયુ છે. જેના કારણે ૧લી જુનથી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના ૩૦ દિવસ માટે જાહેર કરવામાં આવી હતી જેને ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. બે મહીનાના સમયગાળા દરમ્યાન પણ મિલ્કતવેરા પેટે સંતોષજનક આવક થઈ નથી.
તથા ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં આ જ સમયગાળા દરમ્યાન રૂા.૧૩૮ કરોડની માતબર કહી શકાય તેટલી આવકનો ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશનની એડવાન્સ ટેક્ષ યોજના ત્રણ દિવસ બાદ બંધ થઈ જશે જેની સીધી અસર આવક પર થશે તે બાબત નિશ્ચિત છે. રાજય સરકારે માત્ર કોમર્શીયલ મિલ્કતોને ર૦ ટકા રીબેટ આપવાની યોજના જાહેર કરી છે. તેથી ૧ ઓગષ્ટથી રહેણાંક મિલ્કત ધારકોને મનતા તરફથી કોઈ જ લાભ મળશે નહિ જેના કારણે એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત વધુ એક માસ લંબાવવા માટે માંગણી થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એડવાન્સ ટેક્ષ રીબેટ આપવામાં આવે છે. એપ્રિલ અને મે મહિના દરમ્યાન સદર યોજનાનો અમલ થાય છે. જેમાં તંત્રને રૂા.૪૦૦ કરોડ કરતા વધુ આવક થાય છે. ગત્ નાણાંકીય વર્ષમાં એડવાન્સ ટેક્ષ યોજના દરમ્યાન મનપા ને મિલ્કતવેરા પેટે રૂા.૪ર૭ કરોડની આવક થઈ હતી જે કુલ આવકના ૪૦ ટકા થતી હતી.
ર૦ર૦-ર૧માં લોકડાઉનના કારણે તંત્ર દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી ન હતી. કોરોના અને લોકડાઉનના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહીનામાં મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૩.૧પ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દ્વારા ૧લી જુનથી રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી જે ૩૧ જુલાઈ સુધી અમલ છે. સદર યોજના દરમ્યાન જુન મહીનામાં રૂા.ર૩૮.૮૮ કરોડની આવક થઈ છે.
જયારે જુલાઈ મહીનામાં (ર૮ તારીખ) મિલ્કત વેરા પેટે રૂા.૧પ૭.ર૪ કરોડની જ આવક થઈ છે. નોંધનીય છે કે જુલાઈ મહીનામાં સરકાર દ્વારા કોમર્શીયલ મિલ્કતો માટે જાહેર કરવામાં આવેલ ર૦ ટકા વળતર પણ આપવામાં આવી રહયુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ર૮ જુલાઈ સુધી મિલ્કતવેરા પેટે રૂા.પરપ.૦ર કરોડની આવક થઈ હતી.
આમ, નવા નાણાકીય વર્ષમાં મિલ્કતવેરાની આવકમાં ગત વર્ષની સરખામણીએ રૂા.૧૪૦ કરોડનો ઘટાડો જાેવા મળ્યો છે. જુલાઈ મહીનામાં એડવાન્સ ટેક્ષ અને રાજય સરકારની યોજના મળી ૩૦ ટકા રીબેટ આપવામાં આવી રહયુ છે. પરંતુ આ ૩૦ ટકાનો લાભ માત્ર કોમર્શીયલ મિલ્કત ધારકોને જ મળી રહયો છે જયારે રહેણાંક મિલકતો માટે માત્ર ૧૦ ટકાની યોજના છે જે પણ ૧લી ઓગસ્ટથી બંધ થઈ રહી છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ લોકડાઉનની અસર સામાન્ય માણસો પર વધોર થઈ છે, તેથી સરકારે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના રહેણાંક મિલ્કત ધારકોને પણ લાભ આપવો જાેઈએ. ૧લી ઓગષ્ટથી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના બંધ થતા મિલ્કતવેરાની આવકમાં પણ ઘટાડો થઈ શકે છે. તેથી આ યોજના ૩૧ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવે તે જરૂરી છે.
મિલ્કતવેરાની ખાલી-બંધ યોજનાની અરજીઓ થઈ રહી છે.
જેના નિકાલમાં પણ સમય લાગી શકે છે આ ફાઈલોનો ઝડપથી નિકાલ થાય અને એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના એક માસ લંબાવવામાં આવે તો મિલ્કતવેરાની આવકમાં ચોક્કસ વધારો થઈ શકે તેમ છે. સાથે સાથે રહેણાંક મિલ્કતો માટે સરકાર પણ દસ ટકાની યોજના જાહેર કરે તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
લોકડાઉનની સૌથી વધુ અસર વ્હીકલ ટેક્ષ પર થઈ છે. લોકડાઉનના કારણે વાહનોના વેચાણ થયા ન હોવાથી વાહનવેરાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ર૦૧૯-ર૦માં ર૮ જુલાઈ સુધી વ્હીકલ ટેક્ષ પેટે રૂા.રપ.૯૧ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન માત્ર રૂા.૯.ર૯ કરોડની આવક થઈ છે.
આમ ગત્ વર્ષની સરખામણીએ વ્હીકલ ટેક્ષમાં રૂા.૧૬.૬ર કરોડની આવકનો ઘટાડો થયો છે, જયારે પ્રોફેશનલ ટેક્ષની આવકમાં રૂા.૧ર.૮૬ કરોડનો ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશનેે મિલ્કતવેરા, વ્યવસાયવેરા અને વાહનવેરાની આવક પેટે કુલ રૂા.૧પ૮.૪પ કરોડ ગુમાવ્યા છે. ગત નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ર૮ જુલાઈ સુધી ટેક્ષ પેટે રૂા.પ૯૭ કરોડની આવક સામે ચાલુ નાણાંકીય વર્ષમાં રૂા.૪૩૮.પપ કરોડની આવક થઈ છે.