મ્યુનિ.મેલેરીયા વિભાગ રૂા.૩.૫૦ કરોડનો ધુમાડો કરશે

કોમર્શીયલ મિલ્કતોમાં ફોગીંગ ચાર્જ બંધ કરવા માટે માંગણી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યા છે. મ્યુનિ.આરોગ્ય ખાતા દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે દવા છંટકાવ કે અન્ય કાર્યવાહી ઓછી અને દંડાત્મક કાર્યવાહી વધુ થઈ રહ્યા છે. મેલેરીયા ખાતાને મચ્છરોના બ્રીડીંગ શોધી તેની ઉત્પત્તિ પર નિયંત્રણ કરવાના બદલે બ્રીડીંગ શોધી દંડ વસૂલ કરવામાં વધુ રસ રહ્યો છે.
જેના કારણે રોગચાળો નિયંત્રણમાં આવ્યો તેથી જ્યારે અધિકારીઓને કેટલાક વેપારીઓ અને બિલ્ડરો પાસેથી દંડ વસુલ કરીને કોન્ટ્રાક્ટરોની તિજાેરી ભરવામાં વધુ રસ છે. તેવા આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિ.મેલેરીયા વિભાગ પણ પરોક્ષ રીતે આવા આક્ષેપોને સમર્થન થઈ રહ્યું હોય તેમ ચોમાસાની સીઝન પૂરી થવા આવી છે. ત્યારે ઘરે ઘરે ફોગીંગના નામે રૂા.૩.૫૦ કરોડનો ધૂમાડો કરવા તૈયાર થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે પ્રોપર્ટી ટેક્ષ અને યુર્સ ચાર્જ ભરપાઈ કરતા હોવા છતાં કોમર્શીયલ મિલ્કતધારકો પાસેથી ફોગીંગ ચાર્જ લેવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિ.મેલેરીયાખાતાના અધિકારીઓ પ્રજાને દંડ કરીને કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા કરાવી રહ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવી રહ્યો ન હોવાથી ડીસેમ્બર મહિના સુધી તમામ રહેણાંક મિલકતોમાં ફોગીંગ માટે કોન્ટ્રાક્ટર આપવામાં આવી રહ્યા હોવાની વિગતો જાહેર થઈ છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆત થયા બાદ ઈન્ડોર રેસી.સ્પ્રે. (આઈ.આર.એસ) માટે રૂમદીઠ રૂા.આઠ અને મકાન દીઠ રૂા.૩૦ના ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
મ્યુનિ.મેલેરીયા ખાતા પાસે પૂરતા પ્રમાણમાં ફોગીંગ મશીનો ઉપલબ્ધ છે. જેના ઓ.એમ. માપવામાં આવ્યા છે. ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈ દૈનિક મહેનતાણાની હેલ્થ વર્કર પણ રાખવામાં આવ્યા છે. તેમ છતાં રોગચાળો નિયંત્રણમાં આવતો નથી. જેનું મુખ્ય કારણ સુપરવીઝન અનેયોગ્ય આયોજનનો અભાવ છે.
મ્યુનિ.હેલ્થ કમીટી અને સ્ટેન્ડીંગ કમીટીમાં મચ્છરજન્ય રોગચાળા મામલે પસ્તાવ પડ્યા બાદ દવા છંટકાવ, આઈઆરએસ અને ફોગીંગની કામગીરી વધુ સઘન કરવાના બદલે તિજાેરી પર ભારણ વધે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે રૂા.૩.૫૦ કરોડના ખર્ચથી કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે.
ખાનગી કોન્ટ્રાક્ટરો ઘરે-ઘરે જઈને ફોગીંગ કરશે તેવા દાવા થઈ રહ્યા છે. જાેકે આઈ.આર.સ્પ્રેમાં પણ આ દાવા થયા હતા. નોંધનીય બાબત એ છે કે મેલેરીયા ખાતામાં આઈ.આર.સ્પ્રે અને ફોગીંગ માટે વર્ષાેથી જૂની સીન્ડીકેટને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોમર્શીયલ મિલ્કતધારકો પાસેથી રહેણાંક કરતા વધુ મિલ્કતવેરો લેવામાં આવે છે તેમજ યુઝર્સ ચાર્જ પણ બમણો લેવામાં આવે છે તેમ છતાં કોમર્શીયલ મિલ્કતોમાં ફોગીંગ માટે રૂા.૫૦૦થી રૂા.૨૫૦૦ સુધીનો ચાર્જ લેવામાં આવે છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ ફોગીંગ ચાર્જ રદ કરવા માંગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ જે વ્યક્તિ ટેક્ષ ભરપાઈ કરે છે તેને તમામ સુવિધા આપવાની જવાબદારી મનપાની છે.
આરોગ્યલક્ષી સેવા માટે અલગથી ચાર્જ વસૂલ થાય નહિ. મ્યુનિ.અધિકારીઓ આ મામલે પણ કોન્ટ્રાક્ટરોને જ ફાયદો કરાવી રહ્યા છે. કોમર્શીયલ મિલ્કતોમાં મ્યુનિ.કોર્પાેરેશનના ફોગીંગ મશીન મોકલવાના બદલે કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવે છે. આ પ્રથા તાકીદે બંધ કરવામાં આવે તેમજ કોમર્શીયલ મિલ્કતોમાં પણ વિનામૂલ્યે ફોગીંગ સેવા ઉપલબ્ધ થાય તેવી માંગણી તેમણે કરી હતી.