મ્યુનિ. રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમાં કોન્ટ્રાકટર સર્વોપરિ
એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર રાજ ચાલી રહયુ છે તેવી ટીકા વારંવાર થતી રહે છે. પરંતુ મ્યુનિ. રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીએ આ બાબતને સાર્થક કરી છે. છેલ્લા એક મહીનામાં કમીટી ચેરમેને બે વખત કોન્ટ્રાકટરોને ફાયદો થાય તેવા નિર્ણય કર્યા છે. તદ્પરાંત પરોક્ષ રીતે ટેન્ડર ભાવ અને કાર્ટેલમાં કોન્ટ્રાકટરોની જ મરજી ચાલશે તેવા અણસાર પણ આપ્યા હોવાની વિગતો બહાર આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના ત્રણ મહીના બાદ સત્તાધારી પક્ષ દ્વારા સબ કમીટીઓની રચના કરવામાં આવી છે તેમજ દરેક કમીટીની હજી માંડ બે -ત્રણ જ મીટીંગ થઈ છે પરંતુ આ ત્રણ પૈકી બે મીટીંગમાં પણ રોડ એન્ડ બીલ્ડીંગ કમીટી વિવાદમાં આવી છે. રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીની જુન મહીનાની બેઠકમાં સીંગલ ડેન્ડરથી રૂા.૧ર કરોડ કરતા વધુ રકમના કામ મંજુર કરવામાં આવ્યા હતા
જેના પડઘા સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બાદ પડયા હતા જયારે શુક્રવારે મળેલી બેઠકમાં ચેરમેને કોન્ટ્રાકટરોની મરજીને સર્વોપરિ ગણાવી હતી કમીટી બેઠક બાદ પત્રકાર પરીષદમાં ચેરમેન મહાદેવભાઈ દેસાઈને એક જ ઝોનમાં એક જ પ્રકારના કામના ભાવમાં દસ ટકા જેટલો તફાવત શા માટે આવ્યો છે ? તેવો પ્રશ્ન કરતા તેમણે કોન્ટ્રાકટરો તેમની મનસુબી મુજબ ભાવ ભરી શકે છે
તેવો જવાબ આપ્યો હતો સાથે સાથે રોડ કામના ભાવની સરખામણી બાંધકામના ભાવ સાથે પણ કરી હતી. ભાવમાં તફાવત હોવા છતાં શા માટે નેગોશીએશન કરવામાં ન આવ્યુ ? તેનો જવાબ આપતા તેમણે જણાવ્યુ હતુ કે ત્રણ-ચાર ટેન્ડર આવ્યા હોવાથી ભાવ નેગોશીએશન કરવું યોગ્ય લાગ્યુ નથી. એક ઝોનના ત્રણ અલગ-અલગ કામમાં જુદા-જુદા કોન્ટ્રાકટરો છે તેથી કાર્ટેલની આશંકા વ્યકત કરવામાં આવતા તેઓ આ મુદ્દે પણ યોગ્ય જવાબ આપી શકયા ન હતા. કમીટી બેઠકના ઝીરો અવર્સ દરમ્યાન કોઈ ચર્ચા થઈ નહતી તેમજ શહેરમાં થયેલ ચાર-પાંચ ઈંચ વરસાદમાં હજી સુધી કોઈ જ રોડ તૂટ્યા નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.