મ્યુનિ.શાસકોએ આપેલી નાણાંકીય સત્તાના હિસાબ અધિકારીઓ સાર્વજનિક કરે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે કાંકરીયા કાર્નિવલ, બુકફેર, ફલાવર શો સહિતના અનેક નાના-મોટા કાર્યક્રમોના આયોજન થાય છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોની તમામ જવાબદારી અને નાણાંકીય સતા મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવામાં આવે છે એવી જ રીતે પ્રજાકીય કામોમાં રૂકાવટ ન આવે એવા શુભ આશયથી મ્યુનિસિપલ કમિશ્નર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના અધિકારીઓએ અલગથી નાણાંકીય સત્તા આપવામાં આવી છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉચ્ચ અધિકારીઓ ઉપયોગ કરે છે.
પરંતુ તેના હિસાબ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવતા નથી. મ્યુનિસિપલ કોંગ્રેસે પક્ષે કમિટિ દ્વારા આપવામાં આવેલી સત્તાના હિસાબો સાર્વજનિક રીતે કરવા માટે તેમજ ફલાવર શોનો લાભ તમામ વર્ગના નાગરીકો લઈ શકે તે માટે સોમથી શુક્રવાર સુધી વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે માંગણી કરવામં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી નાના-મોટા ઉત્સવોની ઉજવણી કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને નાણાંકીય સતા આપવાનો રિવાજ થઈ ગયો છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિમાં આ મુદ્દે ઠરાવ થાય છે. પરંતુ ઉજવણી બાદ તેના હિસાબો કમિટિ સમક્ષ રજુ થતાં નથી. તથા શાસકો હિસાબ માંગવાની તસ્દી પણ લેતા નથી. ર૦૦૮માં કાંકરીયા કાર્નિવલની ઉજવણી શરૂ થઈ એ સમયથી તેના હિસાબો કમિટિ સમક્ષ રજુ કરવામાં આવતા નથી.
એવી જ રીતે બુકફેર, ફલાવર શો, સાબરમતી ઈવેન્ટસ જેવા કાર્યક્રમો માટે પણ તમામ સત્તા કમિશ્નરને સોંપવામાં આવેલ છે. જેના ખર્ચનો હિસાબ સાર્વજનિક કરવામાં આવેતો નથી. તથા તેના ઓડીટ પણ થતાં નથી. તેથી આ તમામ તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વ્યક્ત થાય છે.
આગામી ડીસેમ્બર મહિનામાં યોજાનાર ફલાવર શો માટે પણ કમિશ્નરને નાણાંકીય સતા આપવામાં આવી છે. પરંતુ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવતી નથી. સુત્રોએ જણાવ્યા અનુસાર પાછલા વર્ષ દરમ્યાન કાંકરીયા કાર્નિવલ કે ફલાવર શો માટે જે ખર્ચ થયો હોય તેના દસ કે વીસ ટકા વધુ ખર્ચ થવાની ગણતરી રાખીને જ ખર્ચ મર્યાદા સાથે ઠરાવ કરવામાં આવે એ જરૂરી છે.
કાંકરીયા કાર્નિવલની શરૂઆત થઈ એ સમયે સ્પોન્સરશીપના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ દસ વ ર્ષમાં દસ સ્પોન્સર પણ મળ્યા નથી. એવી જ રીતે નાણાંકીય સતા મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ ‘કરકસર’ નામના શબ્દને જ ભૂલી જાય છે. તેમજ ભાણિયા-ભત્રીજાઓને બારોબાર કામ આપવામાં આવે છે. એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી રહી છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ શાસકો તેમની જવાદબારીમાંથી છટકવા માટે કમિશ્નરને સતા સોંપી રહ્યા છે.
કમિટિમાં ઠરાવ કરીને નાણાંકીય સત્તા આપ્યા બાદ તેનો હિસાબ માંગવાની જવાબદારી પણ કમિટિની રહે છે. તેથી કોઈપણ ઉજવણી કે અન્ય કાર્યક્રમોની નાણાંકીય સતા આપ્યા બાદ તેના હિસાબ સાર્વજનિક કરવામાં આવે તે જરૂરી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ પણ તેમની નૈતિક ફરજ સમજીને પ્રજાના રૂપિયાના હિસાબો આપવા જાઈએ. સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા પ્રજાકીય કામો માટે ઉચ્ચ અધિકારીઓને નાણાંકીય સતા આપવામાં આવી છે. તેના હિસાબો પણ જાહરે થતાં નથી.
ભૂતકાળમાં સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ કલમ ૭૩ (ડી) અંતર્ગત કરવામાં આવેલા કામોનો હિસાબ રજુ કરવામાં આવતો હતો. પરંતુ વર્તમાન કમિશ્નરે અગમ્ય કારણોસર તે પ્રથા પણ બંધ કરી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ પ્રજાના રૂપિયાની ટ્રસ્ટી છે. શહેરના નાગરીકો પાસે ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે તો તેનો હિસાબ પણ નાગરીકોને આપવા માટે શાસકો અને ઉચ્ચ અધિકારીઓની ફરજ છે તથા સાચો હિસાબ આપવાની નૈતિક હિંમત પણ દાખવવી જાઈએ.
મ્યુનિસિપલ શાસકોને નાણાંકીય સત્તા આપ્યા બાદ હિસાબ લેવની તસ્દી લેતા નથી. પરંતુ પ્રજાના રૂપિયાથી ઉજવણી થતાં કાર્યક્રમો નિહાળવા માટે તગડી ફી લેવામાં આવે છે. ફલાવર શોમાં નાગરીકો પાસેથી ફી લેવાની બંધ કરવી જાઈએ.ે શનિવાર અને રવિવારે ધસારો હોવાના કારણો દર્શાવીને ફીમાં વધારો કર્યો છે. તેમાં ઘટાડો કરવામાં આવે. જ્યારે સોમવારથી શુક્રવાર સુધી નાગરીકોને વિના મૂલ્યે પ્રવેશ આપવો જાઈએ એવી માંગણી પણ તેમણે કરી હતી.