મ્યુનિ. શાસકોએ કોરોનો વર્ષમાં પણ ઉત્સવો પાછળ ૧૮ કરોડ ખર્ચ કર્યા
પાંચ વર્ષમાં તહેવારોની ઉજવણી પાછળ ૧૦૧.૯૯ કરોડનો ધુમાડો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના શાસકો “ઉત્સવ પ્રેમી” છે. જેના કારણે દર વરસે કરોડો રૂપિયાનો ધુમાડો ઉત્સવો અને તહેવારોની ઉજવણી માટે ખર્ચ થાય છે. એક અંદાજ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગરીબ-મધ્યમવર્ગના નાગરીકોની પરસેવાની કમાણીના રૂા.૧૦૦ કરોડ ઉત્સવો માટે ખર્ચ થયા છે.
ચોકાવનારી બાબત એ છે કે કોરોના વર્ષ ૨૦૨૦-૨૧ માં પણ શાસકોએ તહેવારોની ઉજવણી માટે રૂા. ૨૦ કરોડનો ખર્ચ કર્યા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ૨૦૦૮ ની સાલ થી તહેવારો, કાર્નીવલો અને ઉત્સવો માટે “બે-હિસાબ” ખર્ચ કરવાની પરંપરા શરૂ થઈ છે જે “કોરોના” વર્ષમાં પણ યથાવત રહી છે. ૨૦૨૦-૨૧ ના વર્ષની શરૂઆત જ લોકડાઉનથી થઈ હતી.
આ વર્ષ દરમિયાન મ્યુનિ. હોદ્દેદારો દાણાપીઠ કાર્યાલયમાં માડ એકાદ મહીનો બિરાજમાન થયા હતા ત્યારબાદ મ્યુનિ. ચૂંટણી આવી હતી. આવા સંજાેગોમાં પણ વાર્ષિક મહોત્સવો અને તહેવારોની ઉજવણી માટે રૂા. ૧૮.૮૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોરોનાકાળ દરમિયાન તત્કાલીન હોદ્દેદારો સેલ્ફ “ક્વોરેન્ટીન” થયા હતા
આટલી મોટી રકમ કોના કહેવાથી ખર્ચ થઈ હતી ? કે પછી ક્યા પગ કરી ગઈ છે ? તે બાબત ચર્ચા તપાસનો વિષય બની છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાંકરીયા તળાવના લોકાર્પણ સમયથી કાર્નીવલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. કાર્નીવલની આડમાં વિવિધ પ્રકારના જરૂરી કે બીન જરૂરી પ્રસંગોની પણ ઉજવણી થઈ રહી છે.
જેના માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ મ્યુનિ. શાસકો દ્વારા ૨૦૧૬-૧૭ થઈ ૨૦૨૦-૨૧ સુધી વાર્ષિક મહોત્સવો અને તહેવારોની ઉજવણી માટે રૂા.૧૦૧ કરોડનો ખર્ચ કર્યો છે. મ્યુનિ. કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ગરીબ-મધ્યમવર્ગના નાગરીકોના ટેક્ષની રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે
શહેરના ૨૦ ટકા વિસ્તારમાં ડ્રેનેજ-વોટર કનેકશન નથઈ અનેક વિસ્તારોમાં હજી પણ અંધારપટ છે તેનીચિંતા કરવાના બદલે શસકો ઉત્સવો અને કાર્યકમોેની ઉજવણી માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. શરમજનક બાબત એ છે કે ૨૦૨૦-૨૧ માં સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ હતુ.
અમદાવાદમાં કોરોના દર્દીઓ સારવાર માટે આમ તેમ ભટકી રહ્યા હતા તેવા સંજાેગોમાં પણ વાર્ષિક મહોત્સવો અને ઉજવણી માટે શાસકોએ રૂા.૧૮ કરોડ કરતા વધુિ રકમનો ખર્ચ કર્યો છે. બીજી મહત્વની બાબત એ છે કે સત્તાધારી પાસેની ફરજમાં જે કામો આવે છે તે કામો પૂર્ણ થયા બાદ માત્ર “શાબાશી” મેળવવા અને દેખાડો કરવા માટે પણ દર વર્ષ રૂા. ચાર થી પાંચ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.