Western Times News

Gujarati News

મ્યુનિ. શાસકોએ ડ્રાફટ બજેટમાં રૂા.૬૯૬ કરોડના સુધારા કર્યાં

મિલ્કતવેરામાં માફી-રાહતોની ભરમાર: ચાંદખેડા માટે સ્પે. પેકેજ: કોર્પોરેટરોના બજેટમાં વધારો: એલીસબ્રીજ બ્યુટીફીકેશન માટે જાહેરાત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નાણાકીય વર્ષ ર૦રર-ર૩ ના ડ્રાફટ બજેટમાં ભાજપના સત્તાધીશોએ રૂા.૬૯૬ કરોડના સુધારા સાથે રૂા.૮૮૦૭ કરોડના બજેટને મંજુર કર્યુ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ રજુ કરેલા સુધારા બજેટમાં વિકાસના કામો માટે રૂા.ર૩૧.પ૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. મ્યુનિ. તિજાેરી ખાલી હોવા છતાં સત્તાધીશોએ રાહત અને માફીની ભરપુર જાહેરાતો કરી છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે નાણાકીય વર્ષ ર૦રર-ર૩ ના મંજુર થયેલા બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે કોરોના કાળને ધ્યાનમાં લઈને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત અને માફી આપવામાં આવી છે.

નવ સમાવિષ્ટ વિસ્તારો, ૭૦ ચો.મી.થી નાના બાંધકામો, ઈલેકટ્રીક વાહનો, મ્યુનિ. બિલ્ડીંગમાં કાર્યરત હોસ્પિટલોને મિલ્કતવેરામાં વિવિધ પ્રકારની રાહત આપવામાં આવી છે. શહેરના કોટ વિસ્તારમાં પાણીના પ્રદુષણની ફરીયાદ દુર કરવા નવી પાઈપ લાઈનો નાંખવામાં આવશે.

શહેરના સારંગપુર અને કાલુપુર બ્રીજને પહોળા કરવામાં આવશે. જેના માટે ર૦રર-ર૩ માં રૂા.એક કરોડની જાેગવાઈ કરવમાં આવી છે. રામદેવનગર વિસ્તારની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રામદેવનગરથી ઈસ્કોન ક્રોસ રોડ સુધી અંડરબ્રીજ બનાવવામાં આવશે. જેના માટે પ્રારંભિક તબક્કે રૂા.બે કરોડ ખર્ચ થશે. ખારી નદી પર ૧૮ મીટરના ટી.પી. રોડ પર હાથીજણ ગામથી વિવેકાનંદનગરને જાેડતો બે લેનનો માઈનોર બ્રીજ બનાવવા બજેટમાં રૂા. ત્રણ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરના એન્ટ્રી માર્ગોનું રૂા.ત્રણ કરોડના ખર્ચથી બ્યુટીફીકેશન કરવામાં આવશે.

શહેરમાં આરોગ્યલક્ષી સેવા વધુ સુદૃઢ બનાવવા મકતમપુરામાં નવા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, સરદારનગર તથા કુબેરનગરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. મૃત પશુઓના નિકાલ માટે ગ્યાસપુર ખાતે સી.એન.જી. સ્મશાનગૃહ બનાવવા રૂા.ત્રણ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

શહેરની ઐતિહાસિક ધરોહર એલીસબ્રીજનું રૂા.પ૪ લાખના ખર્ચથી બ્યુટીફીકેશન કરવામાં આવશે. ચાંદખેડા વોર્ડમાં વિસતમાતા તળાવ ડેવલપમેન્ટ, સ્પોર્ટસ એકટીવીટી માટે રમત-ગમત મેદાન, સી.એન.જી ભઠ્ઠી સંચાલિત સ્મશાનગૃહ તથા ટી.પી. ર૦ માં સ્માર્ટ સ્કુલ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેટરોને વાર્ષિક રૂા.૧૭ લાખ બજેટ ફાળવવા કમિશ્નરે દરખાસ્ત કરી હતી સ્ટેન્ડીંગ કમીટી દ્વારા તેમાં વધુ રૂા.૧૩ લાખનો વધારો કરવામાં આવ્યો છે તથા કોર્પોરેટરોને તેમના વોર્ડના વિકાસ માટે વાર્ષિક રૂા.૩૦ લાખ બજેટ આપવામાં આવશે. જેના કારણે તિજાેરી પર રૂા.ર૪.૯૬ કરોડનું ભારણ વધશે. પરંતુ પ્રજાકીય કામો ઝડપથી પૂર્ણ થશે.

શહેરમાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાવવાની તથા રોડ તૂટી જવાની સમસ્યા થાય છે જેના કારણે નાગરીકોને હાલાકી થાય છે તથા મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી પર ભારણ વધે છે. સદ્દર સમસ્યાના નિવારણ માટે અદ્યતન ટેકનોલોજીથી પ્લાસ્ટીકનો રોડ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. ર૦રર-ર૩ના અંદાજપત્રમાં પ્લાસ્ટીક રોડ માટે રૂા.૧૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરમાં હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે જુદા-જુદા વિસ્તારોમાં “નીમ વન” ડેવલપ કરવામાં આવશે જેના માટે રૂા.એક કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવા વિસ્તારો તથા ૭૦ ચો.મી. સુધી રહેણાંક મિલ્કતોને ટેક્ષમાં રાહત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ વિસ્તારો જેવા કે બોપલ, ઘુમા, ચીલોડા, કઠવાડા, સનાથલ, અસલાલી, વિશાલપુર, ગેરતનગર, બીલાસિયા, રણાસણ, ખોડીયાર વગેરેમાં રાજય સરકારના નોટીફીકેશન મુજબ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવામાં આવશે.

આ વિસ્તારના મિલ્કતધારકોએ તેમની જુની આકારણી નવી વધારાની આકારણીના રપ ટકા મુજબ મિલ્કતવેરો ચુકવવાનો રહેશે. દા.ત. બોપલમાં કોઈ એક મિલ્કતનો અગાઉ રૂા.૧૦૦૦ મિલ્કતવેરો આવતો હતો મ્યુનિ. હદમાં સમાવેશ થયા બાદ નવી આકારણી રૂા.ર૦૦૦ થાય છે તો મિલ્કતધારકે જુની આકારણી મુજબના રૂા.૧૦૦૦ વધારાની આકારણી રૂા.૧૦૦૦ના રપ ટકા લેખે રૂા.રપ૦ લેખે પ્રથમ વર્ષ કુલ રૂા.૧રપ૦/- ભરવાના રહેશે.

બીજા વર્ષે રૂા.૧પ૦૦, ત્રીજા વર્ષે રૂા.૧૭પ૦ તથા ચોથા વર્ષથી ૧૦૦ ટકા લેખે પુરો ટેક્ષ ભરપાઈ કરવાનો રહેશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની સદ્‌ર જાહેરાતના પગલે આવકમાં રૂા.૧ર કરોડનો ઘટાડો થશે. મ્યુનિ. શાસકોએ ર૦ર૧-રરમાં ૪૦ ચો.મી.થી નાની મિલ્કતોને ટેક્ષમાં ૧૦૦ ટકા રાહત આપી હતી, જયારે નવા નાણાકીય વર્ષમાં ૭૦ ચો.મી. સુધીની મિલ્કતોને પણ રાહત આપવા ઠરાવ કરવામાં આવ્યો છે. જે મુજબ ૭૦ ચો.મી. કે તેથી નાની રહેણાંક મિલ્કતોમાં રપ ટકા ટેક્ષ માફી આપવામાં આવશે. જેના કારણે મિલ્કતવેરાની આવકમાં રૂા.ર૪.પ૦ કરોડનો ઘટાડો થશે. શહેરની અંદાજે ૧ર લાખ મિલ્કતને રપ ટકા માફીનો લાભ મળશે તેવી જ રીતે ઈલેકટ્રીક વાહનોમાં પણ ૧૦૦ ટકા વેરામુક્તિ જાહેર કરવામાં આવી છે જેના કારણે વ્હીકલ ટેક્ષની આવક રૂા.એક કરોડ ઘટી શકે છે.

કોંગ્રેસના ગઢ તોડવા પ્રયાસ
રાજય વિધાનસભા ચૂંટણીઓ આવી રહી હોવાથી મ્યુનિ. શાસકપક્ષે કોંગ્રેસના કબજામાં રહેલી ચાર વિધાનસભાની વોટબેંક મજબુત કરવા પ્રયાસ કર્યા છે. ખાસ કરીને જમાલપુર વિધાનસભા માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. જમાલપુરના રહીશો કોમ્યુનીટી હોલ માટે વર્ષોથી માંગણી કરતા રહયા છે.

વિધાનસભા ચુંટણી નજીક હોવાથી સતાધારી પાર્ટી દ્વારા આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જમાલપુર વોર્ડમાં આવેલા જુના લાઈટખાતાની અંદાજે પ૩૮પ ચો.મી. ખુલ્લી જગ્યામાં સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે ઉજાણીગૃહ બનાવવા જાહેરાત કરી છે, જેના માટે રૂા.બે કરોડ ફાળવવામાં આવ્યા છે.

જમાલપુર- રાયખડ વિસ્તારની પાણી સમસ્યા દુર કરવા માટે સરદારબાગની પાછળ હયાત વોટર ડીસ્ટ્રી. સેન્ટરની કેપેસીટી વધારવા માટે રૂા.પાંચ કરોડ ખર્ચ કરવામાં આવશે. જયારે ઘણા વર્ષોથી વેરાન બની ગયેલા સરદારબાગને ચૂંટણી વર્ષમાં નવપલ્લવિત કરવા માટે વધુ એક વખત રૂા.પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે. કોટ વિસ્તારની પાણી-ડ્રેનેજ લાઈનો લીકેજ થવાના કારણે પોલ્યુશન વધી રહયુ છે તેથી રૂા.પાંચ કરોડના ખર્ચથી નવી લાઈનો નાંખવા નિર્ણય કરવામાં આવ્યો છે જેનો લાભ જમાલપુર અને દરીયાપુર વિધાનસભાને મળશે.

કોંગ્રેસના ગઢ સમાન દાણીલીમડા વિધાનસભા માટે પણ બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે જેમાં દાણીલીમડા વોર્ડમાં ટી.પી-૩૭માં નવી પબ્લીક લાયબ્રેરી બનાવવા માટે પ્રાથમિક તબક્કે રૂા.એક કરોડ ફાળવવામાં આવ્યા છે તેવી જ રીતે દાણીલીમડમાં આવેલા ચંડોળા તળાવ ડેવલપ કરવાની જાહેરાતનું પાંચમી વખત પુનરાવર્તન થયું છે જેના માટે રૂા.ત્રણ કરોડની જાેગવાઈ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.